આપણી વાત:ગટરનાં ઢાંકણાનું પણ નામકરણ થશે?

વર્ષા પાઠક14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગાં દીઠાં મેં શાહઆલમનાં નામ લખતાં શેરી શેરીએ

સ્થળ અને સમય ભુલાઈ ગયાં છે, પણ વર્ષો પહેલાં જોયેલું એ દૃશ્ય યાદ રહી ગયું છે. શહેરના જાહેર ઉદ્યાનની વચ્ચોવચ એક લોકપ્રિય રાષ્ટ્રીય નેતાની પ્રતિમા હતી. અને પ્રતિમાની અડોઅડ લોખંડની સીડી હતી. આવું શું કામ? તો જવાબ મળ્યો કે વારતહેવારે નેતાજીની પ્રતિમાને સાફસૂફ કરીને પછી હારતોરા કરવા માટે નેતાલોકો આવે છે, એમને પૂતળાના ખભા સુધી પહોંચાડવા માટે વ્યવસ્થા કરવી પડે. વારંવાર આવી કડાકૂટ ન કરવી પડે, એટલે પૂતળાની બાજુમાં જ પરમેનેન્ટ પ્લેટફોર્મ જેવી ઊંચી સીડી ગોઠવી દીધી. મતલબ ઉદ્યાન અને પ્રતિમાનો દેખાવ ભલે બગડી જાય પણ નેતાજીને વરસમાં એકાદ-બે વાર પણ તકલીફ ન પડવી જોઈએ. હવે તમે કહો, આ વિચાર જેને પણ આવ્યો, એની પ્રશંસા કરવી જોઇએ કે માથે જૂતાં મારવાં જોઈએ? દેશમાં દરેક બગીચા અને પ્રતિમા એટલાં દુર્ભાગી નથી, પરંતુ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી ઠેર ઠેર તકતી અને પાટિયાં મૂકવાની પ્રથા સર્વવ્યાપી છે. આસપાસ નજર નાખો. ફલાણા સાંસદ કે વિધાનસભ્યના સહયોગ અને મદદ વડે આ બગીચો બનાવાયો છે, આ જાહેર શૌચાલયનું બાંધકામ અને ચોકનું સુશોભીકરણ ફલાણા કોર્પોરેટરે કરાવ્યું છે. એ પ્રકારનાં પાટિયાં જોવા મળે છે ને? ગુજરાતની ખબર નથી, પણ અમારા મહારાષ્ટ્રમાં તો રિપેર થયેલાં બસ સ્ટોપ પર પણ બેનર હોય, જેમાં એ લોકપ્રતિનિધિ ઉપરાંત એની પાર્ટીના લીડર્સના ફોટા હોય. નાગરિક તરીકે સાદો પ્રશ્ન છે કે, શું કામ હોવા જોઈએ? ચાલો, કોઈએ પોતાના વડીલની સ્મૃતિમાં પોતાના ખર્ચે, પોતાની મહેનતે બાગબગીચા કે બસ સ્ટોપ પર લોકોને બેસવાની સુવિધા કરી આપી હોય તો એને ત્યાં બેન્ચ પર પોતાનું નામ લખવાનો પૂરેપૂરો અધિકાર છે, પણ આ રાજકારણીઓ એમને લોકકાર્યો કરવા માટે સત્તાવાર મળેલા ફંડ વાપરે છે, જેના માટે આપણે ટેક્સ ભરીએ છીએ. નાનું સરખું કામ કરાવવા માટે એમને કેટલી તો વિનંતીઓ કરવી પડતી હોય છે, એમનું નામ શું કામ લખવું જોઈએ? આ તો એમની ફરજ છે, કામ કરીને આપણાં ઉપર ઉપકાર નથી કરતાં. અને આ પ્રથા વકરી રહી છે- ‘કામ ગમે ત્યાં, ગમે તેણે કર્યું હોય પણ નામ અને ફોટો મારો હોવો જોઈએ.’ સમાજે ખરેખર જેમનાં યોગદાનની કદર કરવી જોઈએ, માનસહિત યાદ રાખવા જોઈએ, એમનું નામ એક નાના રસ્તા સાથે પણ જોડવા માટે કેટલી દોડાદોડ કરવી પડે છે, કેટલા ઓફિસર્સ અને નેતાઓને ભાઈબાપા કરવા પડે છે, એ આપણે જોયું છે. હવે રસ્તાને કોઈ મહાન વ્યક્તિનું નામ અપાઈ જાય ત્યાં તો લીડર લોકોને સાથે પોતાનું નામ લખવાનો ચાન્સ નથી મળતો. બહુ બહુ તો થોડા દિવસ અગાઉથી ઊભે રસ્તે એમનાં નામ, એમના લીડર્સના ફોટા સાથે બેનર્સ લાગી જાય, જે પછીના અઠવાડિયા સુધી લટક્યા કરે. પણ કોઈ ચોકનું નામકરણ કે ઉદ્યાનનું સુશોભીકરણ માટેની તક મળે તો આ મહાનુભાવોને મોજ પડી જાય. કારણ કે ત્યાં તો ગ્રેનાઈટ કે માર્બલની તકતી પર કોની મહેનત, સહયોગથી આ કામ થયું છે, એ પણ લખાય. મુંબઈમાં બંધાયેલા અનેક જાહેર શૌચાલયોની દીવાલો પર આ રાજકારણીઓએ પોતાની કીર્તિ સ્થાપિત કરી દીધી છે. દેખાદેખી અને હરીફાઇ કાતિલ છે. જોકે, આમાં કોનો વાંક કાઢવો? બીજાંએ કરેલાં કામનો યશ લેવાની પ્રેરણા કહો કે લાલચ, એનો સ્ત્રોત છેક ઉપરથી વહે છે. ભારતીય નાગરિકોનાં વેક્સિનેશન સર્ટિફિકેટ પર કોનો ફોટો છે? આપણે કયાં મોઢે બાળકોને કહીએ છીએ કે જે લોકો દેશ માટે મહાન કાર્યો કરી ગયાં, એમનાં નામ યાદ કરો? એક યા બીજા દિવસે કોઈ મહાન દેશભક્ત કે સમાજસેવકની જન્મતિથિ કે નિર્વાણતિથિ હોય, મોટાભાગનાં લોકોને યાદ ન રહે, કદાચ ખબર પણ ન હોય ત્યારે કોઈને કોઈ દોઢડાહ્યાં આ બાબતે સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવે કે લોકોને ફિલ્મસ્ટાર અને ક્રિકેટરનાં નામ અને બર્થ-ડે યાદ રહે છે, પણ ખરેખર હીરો કહેવાય એવી મહાવિભૂતિઓને આજની પેઢીમાંથી કોઈ ઓળખતું નથી, યાદ નથી કરતું. પણ આમાં નવી પેઢીનો શું વાંક? આપણને તો જેનાં નામ અને ફોટા સતત દેખાતા હોય, એ જ યાદ રહે ને? બહેન કંગના રનૌતે પદ્મશ્રી મેળવ્યા બાદ કહ્યું કે દેશને ખરી આઝાદી 2014માં મળી, તો લોકો ભડકી ગયાં. પણ તમે જ કહો, એમાં એ નિર્દોષ બાલિકાનો શું વાંક? એણે તો લખતાં વાંચતાં આવડ્યું ત્યારથી આવું જ વાંચ્યું છે. ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં બાળ નરેન્દ્રની સાહસકથાઓ જેવાં મેગેઝિન્સ વેચાયાં કે વહેંચાયાં હતાં. આપણાં બાળકોને એમાંથી પ્રેરણા મળે એ શુભ હેતુ હશે. કોઈ જિલ્લામાં વળી ધોરણ 5થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે મારા સૌથી પ્રિય વડાપ્રધાન- શ્રી નરેન્દ્ર મોદી, એ વિષય પર નિબંધ સ્પર્ધા હતી. અહીં કોઈ ચોઈસ નહોતી અપાઈ. ઇન્દિરા ગાંધી કે મોરારજી દેસાઈ કોઈના પ્રિય હોઈ જ ન શકે, એ નક્કી થઇ ગયેલું. આ સ્પર્ધાનું પછી શું થયું, એ ખબર નથી, પણ એ બાળકો બાળદિન સાથે જવાહરલાલ નેહરુનું નામ જોડવાનું ભૂલી જાય તો એમનો દોષ કેવી રીતે કઢાય? ⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...