દીવાન-એ-ખાસ:આવનારા મહિનાઓ કોંગ્રેસનું ભવિષ્ય નક્કી કરશે?

વિક્રમ વકીલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધી હવે સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ પણ રમી રહ્યાં છે

કોંગ્રેસના સમર્થકો પણ કબૂલ કરે છે કે કોંગ્રેસ આજે વેરવિખેર પાર્ટી છે. કોંગ્રેસનું પતન એકાએક નથી થયું. 2014ના વર્ષમાં કોંગ્રેસની ગઠબંધનવાળી કેન્દ્રીય સરકારની હાર થઈ અને કોંગ્રેસને ફક્ત 50ની આસપાસ બેઠકો મળી ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે કોંગ્રેસ માટે કપરાં ચઢાણ છે. આવનારા મહિનાઓમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. તૃણમુલ કોંગ્રેસથી માંડીને આમ આદમી પાર્ટી સુધીના દરેક પક્ષ પાસે મજબૂત નેતા છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી નાદુરસ્ત તબિયતને કારણે પક્ષના સંચાલનમાં કોઈ ખાસ રસ લેતાં નથી. પડદા પાછળના પ્રમુખ રાહુલ ગાંધી 52 વર્ષની ઉંમરે પણ હજી નાદાનિયતતાનું પ્રદર્શન કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધીની ક્ષમતા પણ રાહુલ ગાંધી કરતાં વધારે હોય એમ લાગતું નથી. કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ 23 સિનિયર નેતાઓ પણ નિષ્ક્રિય છે. દિશાહીન કોંગ્રેસે પક્ષને બચાવવા માટે ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોરની મદદ લીધી. જોકે, છેલ્લા અહેવાલો પ્રમાણે સોનિયા ગાંધી, રાહુલ, પ્રિયંકા અને પ્રશાંત કિશોરે 2024ની લોકસભાની ચૂંટણીની વ્યૂહરચના બનાવવા માટે વિધાનસભાની ચૂંટણીઓ પછી ચર્ચા કરવાનું નક્કી કર્યું છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખાતે થયેલી હિંસા બાબતે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ જે સ્ટેન્ડ લીધું એનાથી પ્રશાંત કિશોર ખુશ થયા નથી. કિશોરનું માનવું છે કે લખીમપુર મામલાને હવા આપવાથી કોંગ્રેસને કોઈ ફાયદો થવાનો નથી. પ્રશાંત કિશોરના કોંગ્રેસ પ્રવેશ બાબતે કોંગ્રેસમાં પણ એક મત નથી. રાહુલ માની રહ્યા છે કે પાંચ રાજ્યોનાં પરિણામની રાહ જોયા વગર પ્રશાંત કિશોરને પક્ષમાં સામેલ કરી દેવા જોઈએ. પંજાબના મુખ્યમંત્રી તરીકે ચરણજિત સિંહ ચન્નીની પસંદગીમાં પણ પ્રશાંત કિશોરનો હાથ નથી. કોંગ્રેસના રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખરગેના કહેવાથી રાહુલ ગાંધીએ ચન્નીને મુખ્યપ્રધાન બનાવ્યા છે. પંજાબમાં જે નાટક ભજવાયું એનાથી કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદ જેવા નેતાઓ ખૂબ જ નારાજ છે. જોકે, રાહુલ ગાંધીને એમની નારાજગીની ફિકર નથી. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસે ગોવાના પૂર્વ મુખ્યમંત્રીને પોતાના પક્ષમાં લીધા હોવાથી કોંગ્રેસ હાઇકમાન્ડ નારાજ છે. સમાજવાદી પક્ષ અને તૃણમુલ કોંગ્રેસ, ભારતીય કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની તરફેણમાં નથી. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જો સમાજવાદી પક્ષ સાથે કોગ્રેસની યુતિ નહીં થાય અને તૃણમુલ કોંગ્રેસ પણ ચૂંટણીમાં ઝંપલાવે તો કોંગ્રેસના મતોનું જ વિભાજન થશે. એ જ રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પણ કોઈ તાલમેલ નથી. ગુજરાતમાં હાલમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની હાર બદલ આપને દોષ આપ્યો હતો. આવી જ હાલત વિધાનસભાની આવતી ચૂંટણીઓમાં વિરોધ પક્ષોની થાય તો નવાઈ નહીં. હવે તૃણમુલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા પક્ષો રાષ્ટ્રીય ફલક પર પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માંગે છે, જેને કારણે કોંગ્રેસને નુકસાન થઈ શકે. ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધી હવે સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ પણ રમી રહ્યાં છે. નવરાત્રિ દરમિયાન તેઓ માતાજીની ભક્તિ કરે છે અને કપાળે મોટો ચાંદલો કરીને જાહેરસભાને સંબોધન કરે છે. ગાંધી કુટુંબ કદાચ એમ માને છે કે ભાજપ સામે એમના જ હિન્દુત્વ કાર્ડનો ઉપયોગ કરીને એમની મતબેન્કમાં ગાબડું પાડી શકાય. જોકે, કેટલાક રાજકીય નિરીક્ષકોના માનવા પ્રમાણે કોંગ્રેસની આ ચાલ બૂમરેંગ સાબિત થઈ શકે છે. એવું પણ બને કે ભાજપના મતદારો કોંગ્રેસ તરફ નહીં ફંટાય અને કોંગ્રેસ લઘુમતીઓના મત પણ ગુમાવે. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે પોતાનો એજન્ડા અને પોલિસી નક્કી કરી નાખવાં પડશે. પાંચ રાજ્યોમાં આવનારી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે એક લિટમસ ટેસ્ટ જેવી છે. આવનારા મહિનાઓમાં નક્કી થશે કે કોંગ્રેસનું ભિવષ્ય કેટલું ઉજ્જવળ છે. ⬛ vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...