દીવાન-એ-ખાસ:વિદેશી શિક્ષણ સંસ્થાઓનું ભારતમાં આગમન સફળ થશે?

21 દિવસ પહેલાલેખક: વિક્રમ વકીલ
  • કૉપી લિંક

પાર્લામેન્ટમાં થયેલી જાહેરાત પ્રમાણે, 2022ના વર્ષ દરમિયાન લગભગ 6.5 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા હતા. આ વિદ્યાર્થીઓના અભ્યાસ પાછળ રૂ. 1300 કરોડનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે વિશ્વના બીજા નંબરની વસ્તીવાળા ભારતમાં હાયર એજ્યુકેશનની કુલ 1,113 સંસ્થાઓ છે. આ સંસ્થાઓમાં 4.13 કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિક્ષણ ક્ષેત્રે જો ભારતમાં બધું સમુસુતરું હોય તો કેનેડા, અમેરિકા કે યુરોપના દેશોમાં હાયર એજ્યુકેશન લેવા માટે ભારતના વિદ્યાર્થીઓ આટલી પડાપડી કરતા ન હોત. દેશની શિક્ષણ પ્રથામાં સુધારો કરવાના પ્રયત્નો ખાસ સફળ નહીં થઈ રહ્યા હોવાનું લાગતા, સરકાર હવે વિશ્વની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓને ભારતમાં આકર્ષવાનો પ્રયત્ન કરશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસીએ આ મતલબની જાહેરાત પણ કરી દીધી છે. ‘વર્લ્ડ રિનાઉન્ડ ફોરેન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂશન્સ’ ભારતમાં પોતાની શાખા શરૂ કરે એવા પ્રયત્નો ચાલુ પણ થઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય રેટિંગમાં ટોપ 500ની યાદીમાં આવતી વિદેશી યુનિવર્સિટીઓને હમણાં તો ટાર્ગેટ કરવામાં આવી છે. યુજીસીના કહેવા પ્રમાણે ભારતની યુનિવર્સિટીઓને લાગુ પડતાં ધારાધોરણો આ વિદેશી શિક્ષણ સંસ્થાઓને પણ લાગુ પડશે. શરૂઆતમાં આ શિક્ષણ સંસ્થાઓને 10 વર્ષ સુધીની પરવાનગી અપાશે, ત્યાર બાદ પરવાનગી રિન્યૂઅલ કરાવી શકાશે. લેટર ઓફ ઇન્ટેન્ટ, એપ્રૂવ થયા પછી એફએચઇઆઇએ બે વર્ષના સમયગાળામાં પોતાના કેમ્પસની સ્થાપના કરી દેવી પડશે. આવી કોલેજોએ શિક્ષણ ઓફ લાઇન આપવું પડશે ને ફીનું ધોરણ પણ યોગ્ય પ્રમાણમાં રાખવું પડશે. વિદેશથી આવેલા શિક્ષણવિદોએ કામચલાઉ નહીં, કાયમી ધોરણે ભારતમાં રહેવું પડશે.

નિષ્ણાતોનું માનવું છે કે, વિદેશી શિક્ષણ સંસ્થાઓ ભારત આવશે તો અહીંના નીતિ-નિયમોની સાથે એમને સેટલ થવામાં સમય તો લાગશે જ. યુજીસીએ નક્કી કરેલી શરૂઆતની 10 વર્ષની સમય મર્યાદા પણ અવરોધક બની શકે છે. વિશ્વની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓ લાંબાગાળાનું આયોજન કરતી હોય છે. અઢળક નાણાં ખર્ચીને જો તેઓ ભારતમાં સંસ્થા શરૂ કરવાનો વિચાર કરે તો શરૂઆતમાં 10 વર્ષની જ પરવાનગી એમને માટે માથા પર લટકતી તલવાર બની રહેશે. હાર્વર્ડ કે કેમ્બ્રિજ યુનિવર્સિટી જેવી શિક્ષણ સંસ્થાઓ જો ભારતમાં એમનાં કેમ્પસ શરૂ કરે તો ફક્ત ભારતના જ નહીં પરંતુ ભારત સિવાય બીજા દેશોના વિદ્યાર્થીઓને આર્કષવાનો પણ પ્રયત્ન કરશે.

ભારતની યુનિવર્સિટીઓ હમણાં તો વિદેશની શિક્ષણ સંસ્થાઓ સાથે એકેડેમિક સહયોગ શરૂ કરવાનું વિચારી રહી છે. ભારતની કેટલીક ખાનગી યુનિવર્સિટીના સંચાલકોનું કહેવું છે કે જો વિદેશની યુનિવર્સિટીઓ એમની સાથે ભાગીદારી કરે તો એના જેવું ઉત્તમ કોઈ નથી.

આમ છતાં વિદેશની શિક્ષણ સંસ્થાઓને ભારતમાં આકર્ષવાનું કામ સહેલું નથી. જે યુનિવર્સિટીની નામના વિશ્વ આખામાં છે તેઓ ભારતમાં પોતાની બ્રાન્ચ શરૂ કરતાં પહેલાં લાંબો વિચાર કરશે. આવી શિક્ષણ સંસ્થાઓને પોતાની બ્રાન્ડની ચિંતા ખૂબ હોય છે. બ્રાન્ડ એસ્ટાબ્લિસ્ટ કરવામાં આવી સંસ્થાઓએ ઘણાં વર્ષો સુધી મહેનત કરી હોય છે. અને એટલે સવાલ થાય છે કે શા માટે વિદેશની સફળ યુનિવર્સિટીઓ ભારતમાં આવવા માંગે? અત્યાર સુધીના સમયમાં તો બીજો કોઈ દેશ નામધારી યુનિવર્સિટીઓને પોતાના દેશમાં બ્રાન્ચ શરૂ કરવા આકર્ષી શક્યો નથી. વિશ્વની ટોચની શિક્ષણ સંસ્થા બની રહેવા માટે આવી સંસ્થાઓ વિદ્યાર્થીઓની પસંદગી બાબતે, સ્કોલરશિપ બાબતે અને પોતાના શિક્ષણના સ્તર બાબતે ખૂબ જ સચેત હોય છે. આ ઉપરાંત આપણા દેશના કેટલાક નીતિ-નિયમો પણ વિદેશની શિક્ષણ સંસ્થાઓને માન્ય રહે કે નહીં એ પ્રશ્ન મોટો છે. ચીન, યુએઇ, સિંગાપોર, મલેશિયા અને કટાર જેવા દેશોમાં વિદેશની શિક્ષણ સંસ્થાઓએ પગપેસારો કર્યો છે, પરંતુ વર્લ્ડ રેન્કિંગમાં 1થી 50મા નંબરે આવતી હોય એવી કોઈ યુનિવર્સિટીએ આ દેશોમાં જવાની તૈયારી બતાવી નથી અને એટલે જ ભારતના શિક્ષણ ખાતાનું આ સપનું પૂરું થશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે!

અન્ય સમાચારો પણ છે...