ઉત્તર પ્રદેશની વસ્તી ઇંગ્લેન્ડ કરતાં ત્રણ ગણી વધુ એટલે કે 20.42 કરોડ જેટલી છે. ઉત્તર પ્રદેશના મતદારો 14.05 કરોડ જેટલા છે, જે સંખ્યા લેટિન અમેરિકાના સામાન્ય દેશની વસ્તી કરતાં બમણી છે! ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના નગારા વાગી રહ્યા હોય ત્યારે એના પડઘમ સમગ્ર દેશમાં સંભળાય છે એની નવાઈ નથી. ઉત્તર પ્રદેશનો આ વખતનો ચૂંટણીજંગ પણ અનેક રીતે મહત્ત્વનો છે. રાજકીય રીતે જાગૃત દરેક નાગરિક જાણવા માંગે છે કે શું ભારતીય જનતા પક્ષ 2022માં પણ 2017નું રિપિટેશન કરી શકશે કે અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી અને માયાવતી એના વિજયીરથનાં ટાયરમા પંકચર પાડવામાં સફળ થશે? ઉપરના સવાલનો જવાબ તો માર્ચ મહિનાની 10મી તારીખે જ મળશે, પરંતુ આ તબક્કે પરિસ્થિતિ કેવી છે? 2024ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો પર ઉત્તર પ્રદેશનાં પરિણામોની અસર કેટલી પડશે? છેલ્લા બે મહિના દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશનો પ્રવાસ દસ વખત કર્યો છે, એ જ બતાવે છે કે તેમને માટે પણ ઉત્તર પ્રદેશની ચૂંટણી કેટલી મહત્ત્વની છે! ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અગ્રેસર રહીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ સપાના અખિલેશ યાદવ પણ ખૂબ ઝનૂનથી, ડિજિટલ મીડિયામાં પ્રચાર કરી રહ્યા છે. દેશભરના પત્રકારો ઉત્તર પ્રદેશમાં આવી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસની આળસ ઊડીને આંખે વળગી રહી છે. પ્રિયંકા ગાંધી કોઈક કારણસર ક્વોરન્ટાઇન થઈ ગયાં અને રાહુલ ગાંધી અંગત કારણોસર ફરીથી ઇટલીના પ્રવાસે ઊપડી ગયા એની નકારાત્મક અસર ઉત્તર પ્રદેશના કોંગ્રેસ એકમ પર દેખાઈ રહી છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રવાસ શરૂ પણ નથી કર્યો. યોગી કે અખિલેશની જેમ તેઓ આક્રમક પ્રચાર કરવા શારીરિક રીતે કેટલા સક્ષમ છે એ પણ શંકાસ્પદ છે. 2017માં ભાજપે આક્રમક પ્રચાર અને મતદારોના ધ્રુવીકરણને કારણે ઉત્તર પ્રદેશમાં 312 જેટલી બેઠકો અંકે કરી હતી. ભાજપને કુલ 40 ટકા જેટલા મત મળ્યા હતા. 2019માં ભાજપના જ્વલંત વિજય માટે ઉત્તર પ્રદેશમાં 60 બેઠકો પર મળેલા વિજયનો ફાળો પણ મોટો હતો. 1980 પહેલાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો દબદબો જ રહ્યો હતો. ત્યાર પછી માયાવતી અને ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાની શરૂઆત કરી હતી. 1980માં ભાજપના કુલ મત 10.76 ટકા જેટલા હતા, જે 2017માં વધીને 39.67 ટકા જેટલા થઈ ગયા હતા. 1980માં ભાજપને ફક્ત 11 બેઠકો મળી હતી, જે વધીને 2017માં 312 થઈ ગઈ. એજ બતાવે છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપની રાજકીય વ્યૂહરચના, વિરોધીઓ કરતાં વધુ ઉત્તમ રહી હતી. કોંગ્રેસની વાત કરીએ તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની બેફામ બયાનબાજી અને નેતાગીરીમાં કાર્યકરોને ઉત્સાહિત કરવાનો અભાવ એને નડી ગયો. 2012માં સપાએ સત્તા મેળવી હતી, પરંતુ 2017માં કોંગ્રેસ સાથેનું ગઠબંધન પણ એને નડી ગયું. રાહુલ ગાંધી તો ડૂબ્યા જ પરંતુ સાથે અખિલેશને પણ ડુબાડ્યા. એક જમાનામાં માયાવતી ઉત્તર પ્રદેશના સૌથી લોકપ્રિય નેતા ગણાતાં હતાં. વર્ષો જતાં એમની લોકપ્રિયતામાં પણ ધોવાણ થયું અને એમનાં મતદારો ભાજપ તરફ વળ્યા. નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય સ્તરની લોકપ્રિયતાનો લાભ પણ ઉત્તર પ્રદેશમાં ભાજપને મળ્યો. કોરોનાની બીજી લહેર વખતે દેશના તમામ રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશની સરકાર પણ બદનામ થઈ. એમ લાગતું હતું કે યોગી આદિત્યનાથની લોકપ્રિયતા ઘટી છે. જોકે, છેલ્લા મહિનાના સર્વે જોતા લાગે છે કે, યોગીની લોકપ્રિયતા ફરીથી સ્ટેબલ થઈ ગઈ છે. ભાજપને કદાચ એન્ટી ઇન્કમબન્સી નડશે તો અખિલેશ યાદવને મોદી-યોગીની લોકચાહના! જોકે, અખિલેશ યાદવ પણ એમના કેટલાંક નિવેદનો દ્વારા ભાજપને ફાયદો કરાવી રહ્યા હોય એમ લાગે છે. હમણાં જ એમણે નિવેદન આપ્યું કે યોગી જો ઉત્તર પ્રદેશમાં ફરીથી મુખ્યમંત્રી બનશે તો તેઓ ભવિષ્યમાં વડાપ્રધાનના ઉમેદવાર હશે. આવા નિવેદનો છેવટે તો ભાજપને જ ફાયદો કરાવશે!⬛ vikramvakil@rediffmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.