સાયન્સ અફેર્સ:સ્ત્રી કરતાં પુરુષનું આયુષ્ય કેમ ઓછું?

નિમિતા શેઠ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૈવિક આયોજન નરની જિંદગી ટૂંકી રાખવા માટેનું હોય છે

ભારતીય પુરુષનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય 68.46 વર્ષ છે. એ જ આંકડો ભારતીય સ્ત્રી માટે 71 વર્ષ છે. અમેરિકન પુરુષનું સરેરાશ આયુષ્ય ત્યાંની સ્ત્રી કરતાં 5 વર્ષ ઓછું છે. દુનિયાભરના દેશોમાં પુરુષની આવરદા સ્ત્રી કરતાં 2થી 7 વર્ષ જેટલી ઓછી નોંધાઈ છે. ફક્ત માણસ નહીં, કોઈ પણ સસ્તન પ્રાણીનો નર તેની માદા કરતાં ઓછું જીવે છે. વિશ્વમાં દર 100 છોકરીના જન્મ સામે સરેરાશ 105 છોકરા જન્મે છે. એટલે જન્મદર પુરુષ તરફી છે, પણ ત્યાર બાદ કોઈ પણ ચોક્કસ ઉંમરે પુરુષનો મૃત્યુદર સ્ત્રી કરતાં વધુ હોય છે. જેના કારણે પુખ્ત વયે પુરુષ-સ્ત્રીની વસ્તી લગભગ સમાન થઈ જાય છે અને વૃદ્ધ વયે આ ફરક ઊંધો થઈ જાય છે. તેથી ઘરડા દાદાઓ કરતાં દાદીઓ વધુ જોવા મળે છે. હાલમાં, 110 વર્ષથી વધુ ઉંમર ધરાવતા મનુષ્યોમાં 90% સ્ત્રીઓ છે. બાળપણમાં ચેપી રોગોનો શિકાર થનારાં બાળકોમાં છોકરાઓ વધુ હોય છે અને પુખ્ત વયે હૃદયરોગ, પક્ષઘાત, કેન્સરના કારણે જીવ ગુમાવનારામાં પણ પુરુષોની સંખ્યા વધુ હોય છે. કોરોનાથી મૃત્યુ પામેલાં સ્ત્રી અને પુરુષોના વૈશ્ચિક આંકડા વચ્ચેનો ફરક જોતા ખ્યાલ આવશે કે, કુદરત પણ સ્ત્રીવાદી છે. ઉપરાંત રોડ અકસ્માત, યુદ્ધ, હિંસા, કામના સ્થળે થતી ઈજા વગેરે કારણોથી જીવ ગુમાવતા પુરુષોની સંખ્યા ઘણી વધુ છે. આપણને પ્રશ્ન થાય કે શારીરિક, માનસિક અને સામાજિક એમ તમામ રીતે પુરુષ ફાયદામાં છે, તે છતાં આવરદા ઓછી હોવાનું કારણ શું? વૈજ્ઞાનિકો મુખ્ય બે કારણ જણાવે છે : જૈવિક (બાયોલોજિકલ) અને સામાજિક. જૈવિક આયોજન નરની જિંદગી ટૂંકી રાખવા માટેનું હોય છે. Mother's curse theory અને વધુ પડતા કોર્ટિઝોલના સ્ત્રાવ જેવી અમુક વૈજ્ઞાનિક થીયરીઓ એવું સૂચવે છે કે, ગર્ભવિકાસના સમયથી જ પુરુષ બાળકનો જન્મ થાય તે કુદરતને મંજૂર નથી હોતું. જનીન દ્વારા વહન પામતા ઘણા રોગમાંથી સ્ત્રી બચી જાય છે, કારણ કે તેનાં XX રંગસૂત્રોમાં બે X હોવાથી કોઈ પણ Xમાં ખામી હોય તો તે દબાઈ જાય છે. જ્યારે પુરુષમાં XY રંગસૂત્રો હોવાને કારણે આ શક્ય નથી બનતું. તે ઉપરાંત કુદરતે સ્ત્રીને વધુ મજબૂત રોગપ્રતિકારક શક્તિ આપી છે. ચેપી રોગ સામે પુરુષનું ખડતલ શરીર સ્ત્રીના નાજુક શરીર જેટલું નથી લડી શકતું. વધુમાં, ઈસ્ટ્રોજન અંત:સ્ત્રાવ મેનોપોઝ સુધી સ્ત્રીના હૃદયનું રક્ષણ કરે છે. એથી ઊલટું, ટેસ્ટોસ્ટેરોન પુરુષના હૃદયને નુકસાન પહોંચાડે છે. તદુપરાંત, ટેસ્ટોસ્ટેરોનથી પ્રેરિત પુરુષ જોખમી રમતો, જીવ દાવ પર મૂકવો પડે તેવાં કાર્યક્ષેત્ર, હાનિકારક વ્યસનો અને હિંસામાં વધુ શામેલ થાય છે. સામાજિક વ્યવસ્થા પણ પુરુષને ‘પોષક’ અને ‘રક્ષક’ની ભૂમિકા આપીને પોતાનાં જીવનનું મૂલ્ય ઘટાડવા પ્રોત્સાહિત કરે છે. ‘પહેલાં સ્ત્રીઓ અને બાળકોને સુરક્ષિત કાઢી લો’ - સંકટ સમયે અપાતી આ સૂચના ઘણું બધું કહી જાય છે. 19 નવેમ્બરને ‘આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. આ નિમિત્તે પુરુષોને આટલી સલાહ જરૂર આપીશ: ‘હિંસા અને વ્યસનથી દૂર રહો. પૌષ્ટિક આહાર લો. ફક્ત બાંધો મજબૂત થાય તેવી નહીં, હૃદય મજબૂત થાય તેવી કસરતો પણ કરો. કુદરત ભલે ગમે તે ઇચ્છે, તમારા પરિવારને તમારી જરૂર છે.’ ⬛ nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...