દીવાન-એ-ખાસ:ફિલ્મોમાં માનસિક બીમારીનું નિરૂપણ વાસ્તવિકતાથી દૂર કેમ?

વિક્રમ વકીલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાટક ‘ચિત્કાર’માં લેખક – દિગ્દર્શક લતેશ શાહે મહિનાઓના રીસર્ચ કર્યા પછી મુખ્ય પાત્રનું લેખન કર્યું હતું

જ્યારથી ફિલ્મો બનવાની શરૂઆત થઈ ત્યારથી જ કેટલીક ફિલ્મોમાં ‘પાગલ’ વ્યક્તિઓનાં પાત્રો આપણે જોતા રહીએ છીએ. હોલિવૂડની ફિલ્મ ‘વન્સ ફ્લ્યૂ ઓવર ધ કકૂઝ નેસ્ટ’થી માંડીને હિન્દી ફિલ્મ ઉદ્યોગની ‘ખામોશી’ અને ‘ડર’ જેવી ફિલ્મોનાં મુખ્ય પાત્રો માનસિક બીમારીને કેન્દ્રમાં રાખીને લખાયાં છે. સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે બિન હિન્દી ફિલ્મોના દિગ્દર્શક – લેખક માનસિક રીતે સ્વસ્થ નહીં હોય એવી વ્યક્તિનું કેરેક્ટર લખતી વખતે ખૂબ મહેનત કરે છે. કહેવાનો મતલબ એમ નથી કે હિન્દી ફિલ્મવાળાઓ હંમેશાં વગર મહેનતે જ આવા પાત્રોનું ચિત્રીકરણ કરે છે. આમ છતાં હકીકત એ છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અત્યાર સુધીના એક ટોપમોસ્ટ દિગ્દર્શક ગણાતા આસિત સેન જેવાએ પણ કેટલેક અંશે આ બાબતે માર ખાધો છે. આસિત સેને બનાવેલી ‘ખામોશી’ ફિલ્મની જ વાત કરીએ તો આ ફિલ્મમાં એવું બતાવવામાં આવ્યું છે કે પ્રિયતમાની બેવફાઇને કારણે લાગતા આઘાતથી રાજેશ ખન્ના પાગલ થઈ જાય છે. રાજેશને જ્યારે ગાંડાઓની હોસ્પિટલમાં લાવવામાં આવે છે ત્યારે એની સારવાર માટે નર્સ તરીકે વહીદા રહેમાન હોય છે. પ્રેમમાં નિષ્ફળતા મળવાથી પાગલ થઈને હોસ્પિટલમાં દાખલ થયેલા ધમેન્દ્રની સારવાર થોડા મહિના પહેલા નર્સ વહીદા રહેમાને કરી હોય છે. સારવાર દરમિયાન વહીદા પોતે ધર્મેન્દ્રના પ્રેમમાં પડે છે. સ્વસ્થ થયા પછી ધર્મેન્દ્રને વહીદાના સારવાર કે પ્રેમ યાદ હોતા નથી. છેવટે વહીદાની પ્રેમાળ સારવારને કારણે રાજેશ સારો થઈ જાય છે. હવે રાજેશ વહીદાના પ્રેમમાં પડે છે, પરંતુ છેવટે વહીદા પોતે જ પાગલ થઈ જાય છે. માનસશાસ્ત્રીઓને ફિલ્મનું પાત્રાલેખન અસંબંધ લાગે છે. એક મનોચિકિત્સક કહે છે ‘પ્રેમિકાની બેવફાઈને કારણે પ્રેમમાં કોઈ વ્યક્તિ પાગલ થઈ જાય એ અસંભવ છે. આવા આઘાતને કારણે જે તે વ્યક્તિના મગજ પર અસર થાય છે, પરંતુ અમે એને ‘બ્રિફ રીએક્ટીવ સાઇકોસીસ’ કહીએ છીએ. જાણીતા મનોચિકિત્સક ડો. મુકુલ ચોકસી કહે છે: ‘ખામોશી’માં રાજેશ ખન્નાના પાત્રને જે માનસિક બીમારી બતાવવામાં આવી છે એને ‘મેનિયા’ કહે છે. મેનિયાના દર્દીઓ ફક્ત સાઇકો થેરાપીથી સારા થતા નથી, એમને દવાની જરૂર પડે જ.’ એ જ રીતે અંગ્રેજી ફિલ્મ ‘સ્લિપિંગ વિથ ધ એનિમી’ પરથી બનાવવામાં આવેલી ‘અગ્નિસાક્ષી’માં પતિની ભૂમિકા નાના પાટેકરે ભજવી છે. એને શંકાશીલ અને વધુ પડતી આધિપત્ય ભાવનાવાળો બતાવવામાં આવ્યો છે. આવી વ્યક્તિને ખરેખર માનસિક રીતે બીમાર કહી શકાય. આ બીમારીને ‘પેથોલોજિકલ જેલસી’ કહેવાય છે. એનું બીજું નામ ‘ઇલ્યુશનલ ડિસઓર્ડર’ છે. આમ છતાં આખી ફિલ્મ દરમિયાન કયાંય એવો ઉલ્લેખ નથી કે નાના પાટેકર માનસિક રીતે બીમાર છે. જોકે સુપર હિટ થયેલા નાટક ‘ચિત્કાર’માં લેખક – દિગ્દર્શક લતેશ શાહે મહિનાઓનાં રીસર્ચ કર્યા પછી એનાં મુખ્ય મહિલા પાત્રનું લેખન કર્યું હતું. આ પાત્ર ‘સ્કિઝોફેનિયા’ નામની બીમારીથી પીડાતી હોય છે. લતેશ શાહની મહેનતને કારણે નાટકમાં માનસિક બીમારીને યોગ્ય રીતે રજૂ કરવામાં આવી હતી. જોકે આવું હર હંમેશ બનતું નથી.⬛ vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...