ગુજરાતના પ્રધાનો ઠંડીમાં બંડી સજીને નીકળે, એ હજી માનવામાં આવે કે, એ લોકોય માણસ છે ને? ઠંડી બંડી તો લાગે! પણ આવા ભરઉનાળા અને બફારામાંય એ લોકો પહેરેલી બંડી કાઢતા નથી, એ આશ્ચર્ય કરતાં કોમેડીનો વિષય વધારે છે. કહે છે કે, રાત્રે સપનું આવે તો એમાં બંડી પહેરેલો જ પ્રધાન દેખાય, શૂટ-બૂટ પહેરેલો નહીં. આજ સુધી એકેય મંત્રીને તમે થ્રી-પીસ તો જાવા દિયો, સાદો શૂટ પહેરેલો જોયો? કહે છે કે, સરકાર શૂટ પહેરવા જેટલો પગાર નથી આપતી, પછી ક્યાંથી પોસાય? મેં આજ સુધી એકેય શૂટેડ-બૂટેડ મંત્રી ઈવન કોઈનાં લગ્નનાં રિસેપ્શનમાંય નથી જોયો. તો કેટલાંક કહે છે, મોદીના ખૌફને કારણે પણ એકેય મંત્રી ‘મોદી-કુર્તા’ પહેરી શકતો નથી. એકેય મંત્રીએ હજી સુધી મોદી જેવાં બાલ-દાઢી વધાર્યાં નથી. એ બતાવે છે કે, કપડાં કે બાલ-દાઢી પૂરતી એમને પ્રેરણા મોદી તરફથી મળતી નથી, પણ બંડી માટે કહેવાય છે કે, નેતા ભાજપનો હોય કે કોંગ્રેસનો, અસર સીધી પંડિત જવાહરલાલ નેહરુની થઈ છે, જેઓ હરદમ બંડી પહેરતા. વાત જુદી છે કે, મહાત્મા ગાંધી પૂરા શરીર ઉપર કેવળ પોતડી પહેરતા અને આપણો એકેય રાજકારણી ગાંધીજીને આમાં અનુસરે એવો નથી. હવે તો ગાંધી ટોપીય ગઈ. આના ઉપરથી એક તારણ નીકળે છે કે, વડાપ્રધાન બનવું હોય તો કાં મોદી કુર્તા પહેરો ને કાં તો ગરમ બંડી પહેરો. સાચું માનીએ તો આપણો એકેય પ્રધાન ગમે તે કપડાં પહેરે, શોભતો નથી. (સૂચના: આ વાક્યમાં ‘ગમે તે’ ચોક્કસ છપાવું જોઈએ!) સીધાસાદાં શર્ટ-પેન્ટ પહેરે તો કોઈ નેતા માને નહીં અને પ્રધાન થયા વગર બંડા પહેરાય નહીં. આ એમની પ્રામાણિકતા છે. ગુજરાતનો તો એકેય પ્રધાન એટલું કમાતો નથી કે, એટલીસ્ટ, જોધપુરી શૂટેય પહેરી શકે. (આ પૂરા લેખમાં ‘કમાવાની’ વાત આવે ત્યારે એમના ‘ઓફિશિયલ’ પગારની વાત સમજવી.) એવું કોણ કહી ગયું છે કે, રાજકારણમાં આવ્યા એટલે ખાદી કે સિલ્કનાં જ કપડાં પહેરવાં પડે? બિચારો નેતો ઘેરથી ડ્રાયક્લીન કરાવેલા સફેદ ઝભ્ભા-લેંઘા જ પહેરે છે. થોડી ઘણી કમાણી શરૂ થઈ ગઈ હોય તો સફેદને બદલે બદામી કલરના સિલ્કના ઝભ્ભા-લેંઘા આવે. આશ્ચર્ય એ વાતનું છે કે, નેતાઓ વરસાદમાં ખાદીની છત્રી કે રેઈનકોટ કેમ નહીં પહેરતાં હોય? જોકે, આ વાતેય સાચી છે કે, હવેનો એકેય નેતો સફેદ ખાદીનાં કપડાં નથી પહેરતો. સિલ્ક સિવાય વાત નહીં! પ્રદેશની કચેરીએ લાચારીથી બહાર ઊભા-ઊભા એકાદ સિનિયર નેતા સાથે ઓળખાણ થઈ જાય અને અંદર જવા મળે, એ પ્રારંભ થયો કહેવાય. નેતા માટે સામેની લારી પરથી ચા કહેવા જવામાંય ખોટી શરમ નહીં રાખવાની. કાર્યકરના રોલમાં હોય ત્યારે શરૂઆતમાં બધાં આવી ચાઓ કહેવામાં અને નેતા ભૂખ્યો થયો હોય તો બસ્સો ગ્રામ ચોળાફળી લઈ આવવામાં શરમ નહીં રાખવાની. સ્વાભાવિક છે, નેતો આ તબક્કે રાજાપાઠમાં હોય પણ અંદર ગયા પછી ચા કે ચોળાફળી લેવા એનેય જવું પડતું હોય! ‘જો ડર ગયા, સમજો મર ગયા.’ હવે ધીમે-ધીમે ‘અંદર’ જવા મળતું હોય પછી બંડી સિવડાવી અવાય. સિલ્કની તો પછી ક્યાં નથી સિવડાવાતી! રંગબેરંગી બંડીનું મહત્ત્વ જેટલું આપણા મુખ્યમંત્રી વિજય ‘ભાઈ’ રૂપાણી સમજ્યા છે, એટલું જ વડાપ્રધાન સમજ્યા છે. આમ તો એક જમાનામાં હતા તો એય મુખ્યમંત્રી ને? બંડીઓ બદલી બદલીને દિલ્હી પહોંચ્યા. એમ તો મંત્રી બન્યા પછી આપણા લોકલાડીલા ‘પટેલ-નરેશ’ નીતિનભાઈ પટેલ પણ એકેય દિવસ બંડી પહેરવાનું ભૂલતા નથી. કહે છે કે, બંડીમાં પાંચ ખિસ્સાં હોય છે. ત્રણ આગળ અને બે અંદર! આ જ કારણે, ’60 પછીના દશકના પ્રધાનો ધોતિયાં પહેરતા હતા, એ જમાના ગયા! સામાન્ય પ્રજા તો હજી નેતાઓમાંથી પ્રેરણા લેવાને બદલે શર્ટ-પેન્ટો જ પહેરે છે. કેટલી બેઅદબી કહેવાય! આઝાદીનાં વર્ષોમાં ભલે ગાંધીજી જેવી પોતડી કોઈ નહોતું પહેરતું અને નેહરુ જેવી બંડી કોઈને પોસાતી નહોતી, એ આલમમાં (’40થી ’50ના દાયકાઓમાં) ભારતનો પ્રજાજન ઉપર સુતરાઉ કોટ અને ખમીસ અને નીચે ધોતિયું ચોક્કસ પહેરી શકતો, પણ ધોતિયાને ખિસ્સાં ન હોય! કોટનું આગળનું ખિસ્સું બહુ બહુ તો 40-પૈસાવાળી ફાઉન્ટન-પેન ભરાવવા માટે વપરાતું અને નીચેનાં બંને ખિસ્સાંમાં છીંકણી કે રૂમાલ મુકાતાં. એમાં નેહરુ જેવી... આઈ મિન, બંડી જેવી જાહોજલાલી નહોતી. નેહરુજી તો બંડી ઉપર ગુલાબનું ફૂલેય ભરાવતા. ભારતનો પ્રજાજન ગુલાબનું ફૂલ ખરીદવા જેટલું કમાતો હોય તોય સુતરાઉ, સાદા ખમીસ ઉપર ફૂલ શોભે નહીં. વળી, નેહરુને રોજ ગુલાબ ટાંકવા પોસાય કારણ કે, એમનો તો ઘરમાં જ બગીચો હતો. આપણાં જેવાંને એક ગુલાબ ખરીદવું હોય તો ભદ્રકાળીના મંદિર સુધી લાંબા થવું પડતું. એમાં ગુલાબ કરતાં લાંબા થવાનો ખર્ચો વધારે આવે! જોકે, ગુજરાતના હાલના મિનિસ્ટરો ઉપર હજીય દયા આવે છે કે, કોઈ કાયદાઓ-કાનૂન ન હોવા છતાં શા માટે એ લોકો લાલ-પીળી જર્સી નીચે જીન્સનાં પેન્ટો પહેરીને નથી આવતા? નીચે 60-70 હજારનાં સ્પોર્ટ્સ શૂઝ ને ઉપર ‘રે બેન’ના ગોગલ્સ પહેરવાથી પ્રજા ઉપર કેવો પ્રભાવ પડે? આશા રાખીએ, આવી પહેલ વિજય ‘ભાઈ’ રૂપાણી કરશે તો અન્ય મંત્રીઓ ઉપર પણ મોડર્ન છાપ પડશે! {ashokdave52@gmail.com
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.