તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુધવારની બપોરે:મને લેખકો કેમ ગમતા નથી?

અશોક દવેએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મારા હાસ્યલેખક થયાને આ ‘એક્ઝેક્ટ’ 50મું વર્ષ ચાલે છે, જેમાં ‘બુધવારની બપોરે’ને નોનસ્ટોપ 46 વર્ષ થયાં. ધડાકો હવે કરું છું કે, આ 50 વર્ષમાં બધું મળીને વાચકોના મને માંડ કોઈ પચીસેક પત્રો આવ્યા છે. એનો એક અર્થ એવોય થયો કે, હું બહુ ભંગાર લખતો હોઈશ. જવાબ તો હું દરેકને આપું છું, પણ 50-વર્ષમાં 25 પત્રો… માંડ? અગાઉ હું એક અખબારમાં પત્રકાર/લેખક હતો. એમાં લખતા અન્ય લેખકોમાં એક સ્વર્ગસ્થ થયેલા લેખકને સ્ટેજ પર એમના વક્તવ્યમાં એવું કહેતા સાંભળ્યા કે, મારી ઉપર પ્રેસમાં ‘રોજના’ 500-700 વાચકોના લેટર્સ આવે છે, ત્યારે ઓડિયન્સ કરતાં હું વધારે ચમકી ગયો હતો, કારણ કે એ જ પ્રેસમાં નોકરી કરતો હોવાથી કોના કેટલા પત્રો આવે છે, તેની મને તો ખબર હોય! એમના કરતાં તો હું સિનિયર હતો, છતાં મારે તો મહિનેય એક લેટર ન આવે! હવે આ વાંચનાર વાચકો, ચમકવાનો વારો તમારો! એક અખબારમાં બધું મળીને કોઈ 40-50 કોલમિસ્ટો હોય છે, એ બધાના ભેગા કરીને મહિનેય ટોટલ પાંચ પત્રો આવતા નથી-કોઈનાય નહીં! અને છતાંય, એમાંનો કોઈ એક તમને મળે તો આડુંઅવળું જોઈને બિનધાસ્ત કહેશે, ‘ભ’ઈ, હું તો મારા વાચકોના પત્રોથી હવે કંટાળી ગયો છું… રોજ કેટલાને જવાબો આપવા? રોજના ચારસો-પાંચસો લેટરો વાંચવાય કઈ રીતે?’ તારી ભલી થાય ચમના… હવે તો વોટ્સએપને કારણે મફતમાં મેસેજ મોકલી શકાય છે, છતાં વાચકો વાંચીને બધું જે શી ક્રષ્ણ કરી નાંખે છે… મેસેજો ઓલમોસ્ટ મફતમાં મોકલાય છે, છતાં લેખકને મેસેજ તો ફક્ત ‘હેપી ન્યૂ યર’ પૂરતો જ! એમને તમારી કોઈ વાર્તા કે લેખ ગમ્યા પણ હોય તોય ગુજરાતી વાચક લેખકને ક્યારેય અભિનંદન આપવા જતો નથી, સિવાય કે કોક સમારંભમાં અડસટ્ટે બીજા 3-4ની સાથે લેખક મળી જાય તો ઘણું મોટું આશ્વાસન આપતો હોય એમ ખભે હાથ મૂકીને કહેશે, ‘તમારું વાંચીએ છીએ, હોં! તમારો કારગિલ વોર પરનો લેખ વાંચ્યો હતો.’ એને સાલું કહેવાય પણ નહીં કે, આજ સુધી મેં કારગિલ કે સ્કૂટરગિલ પર ક્યારેય લેખ લખ્યો નથી. ઓકે. કોક કહેશે, સાહિત્યકારો હજી નાના ફલકમાં છે. એમનું ‘ફેન-ફોલોઈંગ’ કંઈ તગડું ન હોય, તો પૂછવાનું જોર ચઢે છે કે, અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદી કે સચિન તેન્ડુલકરના ફેન્સ તો પૂરા વિશ્વમાં છે. ખુદ તમેય છો. તમે આમાંથી કેટલાને પત્રો લખ્યા? બહાનું તો એ હોય છે કે, બચ્ચન કે મોદીને તો રોજના લાખો લેટર્સ આવતા હોય, એમાં આપણો તો જોવાનોય ક્યાં ટાઈમ મળવાનો? પણ એ જ ખૌફથી તમે મોદી કે બચ્ચનને એકેય પત્ર લખ્યો? આટલી મોટી હસ્તીઓને વર્ષમાં પચાસ ફેન-લેટર્સ પણ આવતા ન હોય ને અમારા લેખકોને રોજના 500-700 લેટર્સ મળે છે, બોલો! લો કર લો બાત! હકીકત એ છે કે, મનગમતી ફિલ્મ જોઈને કે લેખ વાંચીને વાચકોનો સંબંધ ત્યાં જ પૂરો થઈ જાય છે. સાહિત્યકારોમાં મને કેવળ મંચ પરના કવિ-શાયરો ગમે છે કે, એકબીજાની અનેક રચનાઓ એમને કંઠસ્થ હોય છે અને પોતાની રજૂઆત દરમિયાન અન્ય કવિઓના સંદર્ભો ગર્વથી આપે છે. કવિઓને એકબીજા માટે ઈર્ષ્યા હોય એવું જોવામાં નથી આવ્યું. આની સામે તમે જરા આ બાજુ આવો. કદાચ કોઈ લેખકને ઓળખતા હો તો હવે બીજા લેખકનું કેવળ નામ લઈ જોજો. બહુૃ-બહુ તો તમારી વાતમાં મૂંડી હલાવીને knock of head આપશે, પણ પ્રશંસા…? શક્ય જ નથી, સિવાય કે ભ’ઈને સ્ટેજ પર ઊભા કર્યા હોય ને જે તે લેખક વિશે બોલવાનું હોય! હાસ્યલેખકોમાંથી કોઈ એકને પણ બીજા હાસ્યલેખકની પ્રશંસા તો જાવા દિયો, ઉલ્લેખ થતો સાંભળો તોય મારી વાત ખોટી માનજો. આમાં તો એકેય ને માફ કરી શકાય એવો નથી. (પ્રસ્તુત વાતમાં મારો કોઈ ઉલ્લેખ મેં કર્યો નથી. અન્ય હાસ્યલેખકો પણ એકબીજાનું કેવું મૂલ્યાંકન કરે છે, જાણો છો? નામ પણ નહીં લેવાનું!) સિવાય કે, જે તે હાસ્યલેખક ‘કામનો’ હોય. વાસ્તવિકતા તો એ છે કે, ગુજરાતના આજ સુધીના એકેય હાસ્યલેખકે (સ્ટેજ અથવા પ્રસ્તાવના લખી આપવાની હોય, એ બાદ કરતા) બીજા હાસ્યલેખકના વખાણ તો જવા દો, ઉલ્લેખ પણ નથી કર્યો. બીજાની પ્રશંસા સાંભળતા ‘બળી ચોક્કસ જાય!’ એમાંય, ઊગતા હાસ્યલેખકની કરિઅર ખતમ કરવા એના ચરિત્ર સાથે ગંદકી કરી એને બદનામ કરવાનો. આ એક મોટી ખૂબી છે. જે કવિ-લેખકને પછાડવો હોય, એના ચરિત્ર વિશે અત્યંત ઘિનૌની વાત ફેલાવો… સાંભળનારને સૂચના સાથે, ‘ભ’ઈ, તમને એકલાને આ બાતમી આપી છે. ક્યાંય મારું નામ દેતા નહીં!’ આમાં તો સાંભળનારો સાચું-ખોટું કરવાય કોની પાસે જવાનો છે? ચરિત્રનો આક્ષેપ કેવો છે કે, સાંભળનારો સાચું-ખોટું કરાવવા જવાનો નથી અને ઉપરથી માનનીય હાસ્યલેખકે ‘પોતાનું નામ નહીં દેવાની શરતે’ ખુફિયા માહિતી આપી હોય, એટલે તમે ‘ખરું’ કરાવવાય ક્યાં જાઓ? ગુજરાતના બે મોટા હાસ્યલેખકો (બંને પોતાને જ ‘મોટા’ માનતા હતા!) એ એકબીજાને બદનામ કરવામાં નામનીય કસર બાકી રાખી નહોતી. એક કરુણ વાત એ છે કે, સૃષ્ટિની ઉત્પત્તિથી આજ સુધી ગુજરાતી કે અન્ય ભાષામાં એકસાથે ચાર-પાંચથી વધુ હાસ્યલેખકો આવ્યા જ નથી. … અને કમનસીબે, એ ચારેય એકબીજા માટે કદી સારું બોલ્યા નથી.{ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...