તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયન્સ અફેર્સ:વળાંક લેતી વખતે વાહન કેમ ધીમું પાડવું પડે?

નિમિતા શેઠ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રત્યાગી બળની માત્રા વાહનની ઝડપ અને વળાંકના ખૂણા પર આધાર રાખે છે

ફિલ્મોમાં ક્યારેક દૃશ્ય જોયું હશે કે પૂરપાટ ઝડપે જતી કારને માર્ગમાં અચાનક વળાંક લેવાનો આવે અને કાર ફંગોળાઈને વળાંકની વિરુદ્ધ દિશામાં જતી રહે. બીજી તરફ, તમને F1 રેસ જોવાનો શોખ હશે તો ખ્યાલ હશે કે 150 કિમી/કલાકની ઝડપે જતી કાર પણ માર્ગમાંથી વિચલિત થયાં વગર ટર્ન લેતી હોય છે. ફિલ્મોમાં કારને ફંગોળાતી બતાવે છે એ સત્યથી નજીક છે, અને F1 કાર રેસ પણ સત્ય છે, કારણ કે રેસિંગની કાર અલગ હોય છે. તેનાં ટાયર 450 કિમી/કલાકની ઝડપે પણ જમીન સાથે પકડ બનાવી રાખે તે રીતે બનાવવામાં આવ્યાં હોય છે. તમે હાઈ-વે પર જમણી લેનમાં કાર ચલાવી રહ્યાં હોવ અને આગળ જતાં રસ્તો જમણી તરફ વળતો હોય ત્યારે તમે જો ઝડપ ઘટાડ્યા વગર ટર્ન લેશો તો કાર ડાબી લેન તરફ સરકી જશે. જો પહેલેથી ડાબી લેનમાં હશો અને આવી જોખમી રીતે ટર્ન લેશો તો કાર રસ્તાની કિનારી તરફ જતી રહેશે અને ઝડપ ઘણી વધારે હશે તો રસ્તાની બહાર ફેંકાઈ જવાનું પણ જોખમ છે. ગતિમાન વાહન જ્યારે વર્તુળાકાર ગતિમાં પ્રવેશે છે ત્યારે તેને એ વર્તુળમાંથી બહાર ખસેડી દેવા માટે બળ લાગે છે, જેને કેન્દ્રત્યાગી બળ (Centrifugal Force) કહેવામાં આવે છે. આખા વળાંક દરમિયાન કેન્દ્રત્યાગી બળ સતત લાગે છે, વળાંક પૂરો થતાં જેવું વાહન સીધી રેખામાં ગતિ કરવા લાગે એટલે આ બળ ફરી શૂન્ય થઈ જાય છે. કેન્દ્રત્યાગી બળની માત્રા વાહનની ઝડપ અને વળાંકના ખૂણા પર આધાર રાખે છે. મતલબ કે વાહનની ઝડપ જેટલી વધુ હશે, એટલું એની બહાર તરફ ફેંકાઈ જવાની શક્યતા વધુ રહેશે. એટલે જ્યારે શાર્પ ટર્ન લેવાનો હોય (જ્યારે એકદમ નાનું વર્તુળ બનતું હોય) ત્યારે ઝડપ એકદમ ઓછી કરવી પડે. એથી વિરુદ્ધ, વળાંક જ્યારે મોટો હોય (જ્યારે મોટું વર્તુળ બનતું હોય) ત્યારે ઝડપ બહુ ઘટાડવી ન પડે. ડ્રાઇવરનું કેન્દ્રત્યાગી બળ વિશે અનુમાન ખોટું પડવાના કારણે કે તેની અવગણના કરવાના કારણે આપણે ત્યાં સેંકડો માર્ગ અકસ્માતો થાય છે. વળાંકની તીવ્રતા પ્રમાણે એક નિયત ઝડપ સુનિશ્ચિત થાય છે, તેનાથી વધુ ઝડપ હોય તો વાહન વળાંકની બહાર તરફ ફેંકાવા લાગે છે. માર્ગ પર જે તે વળાંક અનુસાર તેની ગતિમર્યાદા લખી હોય છે. ‘વાહન ધીમે ચલાવો, ગતિમર્યાદા 30.’ બોર્ડ પર લખેલી આવી સૂચનાનું પાલન ન કરવામાં જોખમ હોય છે. નાનપણમાં દોરી સાથે પથ્થર બાંધીને, હાથ ઊંચો કરીને ઉપર હવામાં પથ્થરને ગોળ-ગોળ ફેરવવાની રમત કરી હશે તો તમે અનુભવ્યું હશે કે પથ્થરને તમે જેટલો ઝડપી ફેરવો એટલો તમારો હાથ જાણે પથ્થર તરફ ખેંચાતો હોય એવું લાગે. આ જ કેન્દ્રત્યાગી બળ છે, પણ કેન્દ્રત્યાગી બળ ઉપરાંત વર્તુળાકાર ગતિ કરતાં વાહન માટે તેનું વજન, કેન્દ્રગામી બળ, ગુરુત્વાકર્ષણ બળ, રસ્તાનો ઢાળ, ટાયર અને રસ્તા વચ્ચેનું ઘર્ષણ વગેરે પરિબળો પણ અગત્યનાં છે.⬛ nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...