તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયન્સ અફેર્સ:માથા પર જ કેમ આટલા બધા વાળ ઊગે છે?

નિમિતા શેઠ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્ક્રાંતિ દરમિયાન માણસના શરીર પરથી આટલા વાળ ઓછા કેવી રીતે થઈ ગયા!

પીઠ, હથેળી, તળિયાં, કાનની પાછળ વગેરે અમુક જગ્યાએ ક્યારેય વાળ ઊગતા નથી. એ સિવાયનાં આખાં શરીર પર બાળપણથી રુવાંટી (vellus hair) હોય છે. Vellus hair એટલે કે રુવાંટીના વાળ એકદમ પાતળા, રંગહીન તથા સહેલાઇથી જોઈ ન શકાય તેવા હોય છે. પૂર્ણ વિકસિત, જાડા, કાળા કે અન્ય રંગના, તરત જોઈ શકાય એવા વાળને terminal hair કહે છે. માથા પર ઊગતા વાળ terminal hair છે, જે જન્મ સાથે વિકાસ પામે છે, પણ એ સિવાય બગલમાં, ગુપ્તાંગની આસપાસ અને પુરુષોના ચહેરા પર terminal hair પુખ્ત વયે ઊગે છે. Terminal hair ઊગવાની સાથે રુવાંટી (vellus hair) એની નીચે ઢંકાઈ જવાથી જોઈ નથી શકાતી. સ્ત્રીઓના ચહેરા પર કાયમ રુવાંટી (vellus hair) જોવા મળે છે, કારણ કે એન્ડ્રોજન અંત:સ્ત્રાવો પર આધાર રાખતા Terminal hair સ્ત્રીના ચહેરા પર ક્યારેય નથી ઊગતા. લાખો વર્ષ પહેલાં આપણા પૂર્વજોના શરીર પર ચિમ્પાન્ઝી કે ગોરીલા જેટલા વાળ હતા. વૈજ્ઞાનિકો માટે મુખ્ય પ્રશ્ન એ છે કે ઉત્ક્રાંતિ દરમિયાન માણસના શરીર પરથી આટલા વાળ ઓછા કેવી રીતે થઈ ગયા! વાળનું મુખ્ય કાર્ય છે શરીરના તાપમાનનું નિયમન કરવું. આદિમાનવ ગાઢ જંગલો અને ગુફા જેવી જગ્યાએ રહેતો, ત્યારે શરીર પર વાળનો જથ્થો ઠંડીથી રક્ષણ આપતો. પછી ખુલ્લાં મેદાનોમાં ખેતીકામ ચાલુ કર્યું ત્યારે સૂરજના કિરણો સાથે સીધો પનારો પડ્યો. એ સમયે શરીરને ઢાંકતા વાળ કરતા ઠંડક માટે પરસેવો થાય અને પરસેવાનું બાષ્પીભવન થાય એ જરૂરી બની ગયું. ત્યારથી માણસના વાળ ઊતરવા માંડ્યા અને પરસેવાની ગ્રંથિ વધવા માંડી. આધુનિક માનવનાં માથા પર, બગલમાં અને ગુપ્તાંગ પર જ વધુ વાળ હોય છે. શરીર પર પુષ્કળ વાળ ધરાવનાર વ્યક્તિને ઠંડી ઓછી લાગે છે. પાંપણ પરના તથા કાન-નાકની અંદરના વાળ આંખોને, શ્વાસને ધૂળની રજકણોથી બચાવે છે. વાળનો જથ્થો વધુ હોય તેવી ત્વચામાં એપોક્રાઈન ગ્રંથિઓ હોય છે, જે પરસેવાની સાથે pheromones નામક રસાયણનો સ્ત્રાવ કરે છે. આ રસાયણ શરીરને વિશેષ ગંધ આપે છે, જેનાથી જોડીદાર આકર્ષિત થાય છે. જોકે આપણે ડીઓડરન્ટ, પર્ફ્યૂમ વાપરવા માંડ્યા છીએ. ભ્રમરના વાળ ચહેરાના હાવભાવમાં મહત્ત્વનો ભાગ ભજવે છે તથા પરસેવો આંખમાં જતો રોકે છે. કુદરતે આપણા માથા પર જથ્થાબંધ વાળ કેમ રહેવા દીધા છે? કારણ કે એ ઈચ્છે છે કે આપણે એની કુદરતી ટોપી પહેરી રાખીએ. માથા પરના વાળ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે. ઉપરાંત, જોખમી અથડામણમાં વાળ બફર તરીકે કામ કરીને ખોપડી પર પ્રહારની અસર ઓછી કરે છે. માથા પર વાળનો જથ્થો હોવાથી પરસેવો વાળની વચ્ચે થોડો સમય રહેે છે, જે ગરમી સામે રક્ષણ આપે છે. વાળની ભાત (hairstyle) માણસની ઓળખનો મહત્ત્વનો હિસ્સો છે. ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં આપણે મોટા ભાગના વાળ ગુમાવી દીધા છે, છતાં હજુ કેટલા ઉપયોગી છે!⬛ nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...