સાયન્સ અફેર્સ:વૈજ્ઞાનિકોએ ઊડતી કાર કેમ ન બનાવી?

નિમિતા શેઠ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊડી શકે તેવો આકાર આપવાથી તે કાર ન રહે, પ્લેન બની જાય

આજથી સોએક વરસ પહેલાં વૈજ્ઞાનિકો આગાહી કરતા હતા કે 2020 સુધીમાં ઊડતી કાર બની જશે અને ઘણાં કુટુંબો પાસે હવામાં ઊડી શકે એવી ફેમિલી કાર હશે. એ અરસાની અમુક સાયન્સ ફિક્શન વાર્તાઓમાં પણ આવી કારનો ઉલ્લેખ છે. પરંતુ આપણે આજની તારીખે પણ ચાર રસ્તાના ટ્રાફિક સિગ્નલ પર રાહ જોતાં બગાસાં ખાતાં હોઈએ છે. આગાહી ખોટી પડી છે, પણ કલ્પના કેવી સુંદર છે! વિચાર કરો, રસ્તા એકદમ સૂમસામ હોય અને આકાશમાં લોકો પોતપોતાનાં વાહનો લઈને નોકરી પર કે શોપિંગ કરવા માટે ઊડીને જતાં હોય. હવામાં કાર બગડે એવા ઈમર્જન્સી સમયે જ તેને રસ્તા પર ઉતારવામાં આવે. ફ્લેટમાં ઉપરના માળે રહેતા લોકોનો જીવ કાયમ અદ્ધર રહે. ગમે ત્યારે કોઈ શીખાઉ ડ્રાઈવર દીવાલ તોડીને ઘરમાં કાર સાથે ઘૂસી આવે! કારને હવામાં અદ્ધર રાખવા માટે કાં તો બન્ને બાજુ એરોપ્લેન જેવી પાંખો રાખવી પડે અથવા ઉપર હેલિકોપ્ટર જેવો પંખો ફરતો રાખવો પડે. એરોપ્લેન જેવી કાર બનાવો તો ઘરેથી લઈને ઊડો ત્યારે ટેક-ઓફ માટે રન-વે જોઈએ અને બજારમાં ઉતરો ત્યાં પણ લેન્ડિંગ માટે રન-વે જોઈએ. એરોપ્લેનના સિદ્ધાંત પ્રમાણે બનેલી કારને ગમે ત્યાં ફટ દઈને વાળી ન શકાય અને જ્યાં પાર્ક કરો ત્યાં ચારેબાજુ ઘણી ખુલ્લી જગ્યા જોઈએ. હેલિકોપ્ટરના સિદ્ધાંત મુજબ બનેલી કારમાં આવી તકલીફો ન નડે. જ્યાં જગ્યા દેખાય ત્યાં પાર્ક કરી શકો અને ગમે ત્યાંથી સીધા ઉપર ઊડી શકો. બીજી તકલીફ છે, ધ્વનિ પ્રદૂષણ. વિચાર કરો, રસ્તા પર ચાલતાં વાહનોના અવાજનો જ આટલો બધો ત્રાસ છે. જો બધી કાર હેલિકોપ્ટર જેટલો અવાજ કરવા માંડશે તો આખું શહેર બહેરું થઈ જશે. પણ એક મિનિટ... આટલી બધી કારો ઉડાવશે કોણ? દરેક ઘરમાં લાઇસન્સવાળો એક પાઇલટ હોવો જોઈએ. પાઇલટ બનવાની તાલીમ એ કાર ડ્રાઇવિંગ જેવો 20 દિવસનો કોર્સ ન હોય, 12 સાયન્સ પછી ઓછામાં ઓછી 1 વરસની ફુલટાઈમ ટ્રેનિંગ લેવી પડે. આંતરરાષ્ટ્રીય સ્તરે આગાહી છે કે, આવનારાં વર્ષોમાં હવાઈ મુસાફરીની જેટલી જરૂર ઊભી થશે, તેટલા પ્રમાણમાં પાઇલટ આપણી પાસે નહીં હોય. કોમર્શિયલ એરલાઇન્સ પાસે પણ માંગને પહોંચી વળવા પાઇલટ ન હોય, ત્યાં ઘરે ઘરે પાઇલટ ક્યાંથી લાવવા! ઉબેર કંપનીએ Uber Elevate નામથી હવાઈ ટેક્સી ચાલુ કરવાનો પ્રોજેક્ટ હાથ પર લીધેલો, પણ પાઇલટની તંગીના કારણે પાઇલટ વગરની ટેક્સી સિસ્ટમ વિકસાવવા વિચાર્યું, પછી શું થયું તે ખબર નથી. જોકે, તેમની ટેક્સીનો આકાર કાર જેવો બિલકુલ નથી. એને નાનકડું પ્લેન જ કહી શકાય. કારને રસ્તા ઉપર મજબૂત પકડ બનાવી રાખવાની હોવાથી તે પહોળી અને વજનમાં ભારે હોય તેમ વધુ સરળતાથી ચાલે. જ્યારે પ્લેનને હવામાં રહેવાનું હોવાથી તે સાંકડું અને હળવું હોય તેટલું વધુ સારી રીતે ઉડ્ડયન કરી શકે. કારને તેનો આકાર યથાવત્ રાખીને ઉડાવવી હોય તો તેના કદના પ્રમાણમાં ખૂબ મોટી પાંખો ફિટ કરવી પડે. તેમ કરવાથી ખૂબ બળતણનો વ્યય થાય. ઉપરાંત, વિચિત્ર આકારની આ કાર ખૂબ જગ્યા રોકતી હોવાથી રસ્તા પર ટ્રાફિકમાં ન ચાલી શકે. વૈજ્ઞાનિકોએ એટલે જ પ્રોગ્રામ મોકૂફ રાખ્યો હશે.⬛ nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...