અત્ર-તત્ર-સર્વત્ર:આ શરણાર્થી શા માટે જીત્યો સાહિત્યનું નોબેલ પારિતોષિક?

ભરત ઘેલાણી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘અચ્છે દિન’ આવી રહ્યાના વાવડ મળી રહ્યા છે દશે દિશામાંથી…મા અંબા-દુર્ગા એમને ઘેર પરત થયાં. હવે દીપોત્સવીના દિવસોમાં મા લક્ષ્મી રૂમઝુમ કરતાં પધારશે આપણે ઘેર. ઉત્સવોના ઉમંગભર્યા આ માહોલમાં અત્યારે દુનિયાના એક છેડે પણ એક અનેરો ઓચ્છવ ઊજવાઈ રહ્યો છે. એ છેડે આર્થિક, તબીબીથી લઈને વિજ્ઞાનની અનેક શાખાની સિદ્ધિઓને બિરદાવી એના હકદારોનું અતિ પ્રતિષ્ઠિત નોબેલ પારિતોષિકોથી બહુમાન થઈ રહ્યું છે. એમાંથી એક ક્ષેત્ર છે સાહિત્ય… જ્ઞાન-વિજ્ઞાનની આ દુનિયામાં જેટલું અર્થશાસ્ત્રનું મહત્ત્વ છે એટલું જ સાહિત્ય સર્જનનું છે. આપણી પલટાતી કળા-સંસ્કૃતિનો ઓછાયો ઝીલે છે સાહિત્ય. દુનિયાના કોઈ ખૂણે લખાતી-બોલાતી એમની લિપિ-ભાષા આપણને ભલે અજાણી લાગે, પણ એમાં વ્યક્ત થયેલી વાત કોઈનાં પણ હૃદયના કોક ખૂણે સ્પર્શે છે અચૂક… સાહિત્ય સર્જન માટે દર વર્ષે એનાયત થતા નોબેલ પારિતોષિકની એક ખૂબી તે છે કે કો’ક અજાણ્યા ખૂણેથી કોઈ અવનવા વિષયની આપણને ઈનામી કૃતિ મળે છે. કથાવસ્તુ મોટેભાગે આપણાથી એવું અજાણ્યું હોય કે વાચકને એ વિસ્મય પમાડી જાય અને જો ક્યારેક વિષય પરિચિત હોય તો એની રજૂઆત તાજગીભરી તાજૂબી સર્જે..! આ વર્ષે 2021ના નોબેલ પારિતોષિક માટે જે શ્રેષ્ઠ સાહિત્યક કાર્યોની વરણી થઈ એના સર્જક છે અબ્દુલરઝાક ગુરનાહ . મૂળ તાન્ઝાનિયાના, પણ હવે ઈંગ્લેન્ડમાં વસી ગયેલા 73 વર્ષીય અબ્દુલરઝાક તાજેતરમાં જ કેન્ટ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા છે. એ ત્યાં પ્રોફેસર તરીકે ‘પોસ્ટ કોલોનિયલ લિટરેચર’ ભણાવી રહ્યા હતા. એ જે ભણાવી રહ્યા હતા લગભગ એ જ વિષય લઈને એમણે ખાસ્સું સાહિત્ય સર્જન કર્યું છે. એમની લગભગ બધી જ કૃતિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ‘માઈગ્રેશન’ એટલે કે હિજરત પછી લોકોના હાલ-બેહાલને સ્પર્શે છે. સર્જક અહીં નવાં કામ- રહેઠાણની શોધમાં રઝળતાં શરણાર્થીઓની વેદના-વલોપાતને વાચા આપે છે. આ બધાં વચ્ચે, આંતરવિગ્રહને લીધે સિરિયા-અફઘાનિસ્તાન-તુર્કી ઈત્યાદિ દેશોમાંથી નાસી જઈ જગતના અનેક દેશ (ભારત સહિત!)માં ઊમટેલાં શરણાર્થીઓની હચમચાવી મૂકતી કથા-વ્યથા જેવી જ વાત આ વખતના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા અબ્દુલરઝાકે એની કૃતિઓમાં વેધક રીતે રજૂ કરી છે. એ કોઈ એક ચોક્કસ દેશના નહીં, પણ એક એવા વૈશ્વિક શરણાર્થીનું શબ્દચિત્ર દોરે છે, જે સાહિત્યિક સમીક્ષકોથી લઈને વાચકો સુધી એકસરખું સચોટ પહોંચે છે અને એટલે જ એમનું સમગ્ર સાહિત્ય પ્રદાન નોબેલ જેવું પ્રતિષ્ઠિત પારિતોષિક પામે છે. દેશના ભાગલા વખતે અને બાંગ્લાદેશની આઝાદી વખતે પશ્ચિમ બંગાળમાં ઊમટી પડેલાં 1 કરોડ જેટલાં શરણાર્થીઓનાં કારણે આપણા દેશ પર પડેલાં આર્થિક ઘા હજુ પૂરેપૂરા રૂઝાયા નથી… ખેર, છેલ્લાં 35 વર્ષથી લેખનકાર્યમાં વ્યસ્ત પ્રોફેસર અબ્દુલરઝાકનાં પ્રગટ થયેલાં દસ પુસ્તક અને સંખ્યાબંધ ટૂંકી વાર્તામાં શરણાર્થી ઉપરાંત ‘ક્લોનિઅલિઝમ’ એટલે કે સંસ્થાનવાદની ગંભીર આડઅસરો પર પણ એમણે લખ્યું છે. નોંધનીય વાત એ છે કે 20 વર્ષની ઉંમરે ઝાંઝીબારના એક ટાપુ પરથી ભાગીને બ્રિટનમાં શરણાર્થી તરીકે વસી ગયેલા અબ્દુલરઝાકની પ્રથમ નવલકથા હતી: ‘મૅમરી ઑફ ડિપાર્ચર’. આવા સૂચક શીર્ષક સાથે એમણે શરૂ કરેલી સાહિત્ય-યાત્રામાં ગયા વર્ષે એમની 10મી નવલકથા ‘આફ્ટરલિવ્સ’ પ્રગટ થઈ. એમાં પણ જર્મન સૈન્યએ ખરીદી લીધેલા એક શરણાર્થી કિશોરની વાત છે. પારકા દેશમાં વખાના માર્યાં આવીને પોતાની જિંદગી-ઘર નવેસરથી વસાવવા વલખાં મારતા- વલોપાત કરતા આદમીઓ વિશે આ નોબેલ પારિતોષિક વિજેતા સર્જક અબ્દુલરઝાક ગુરનાહ આપણને પોતીકા લાગે એવી વાત કહે છે: ‘શરણાર્થીઓ ખાલી હાથે ક્યારેય નથી આવતાં. એમાંથી ઘણાં ખરાં પારકા દેશમાં વસી જઈને કંઈક આપી શકે એવી પ્રતિભા પણ ધરાવે છે અને એમણે એ પુરવાર પણ કર્યું છે!’⬛ bharatm135@gmail.com

અન્ય સમાચારો પણ છે...