(ગયા અંકથી આગળ) 77ની બારમી ઓગસ્ટની રાત્રે 18-18 નિર્દોષોનાં જીવન પર પૂર્ણવિરામ મૂકાઈ ગયાં, જમુનાની ઝનૂની-જીવલેણ વેરભાવનાને લીધે. પાકિસ્તાન સરહદ નજીકનાં નાનકડાં ભારતીય ગામો અલ્લાહી બખ્શ, સવાયા રાય, મોહિમોજોઈયા, કમરેવાલાં અને ઢાંઢિયામાં રાત્રે નવથી બીજા દિવસની સવારના ચાર વાગ્યા સુધીમાં આખેઆખા કુટુંબનાં બેરહમીથી ઢીમ ઢાળી દેવાયાં. એક સ્ત્રી હોવા છતાં જમુનાના હૃદયમાં ભભૂકતા વેરના જ્વાળામુખીએ અનેક નિર્દોષને રાખમાં ફેરવી નાખ્યાં. પોલીસે ભારે જહેમત બાદ જમુનાને પકડી લીધા પછી આ ખૂની ષડયંત્રની વિગતો બહાર આવી. જમુના પાસેથી મળેલી માહિતીને આધારે પોલીસ એક-એક આરોપીને દબોચવા માંડી. પરંતુ મુખ્ય સૂત્રધાર માછી સિંહ હાથ લાગતો નહોતો. અત્યાર સુધી માછી સિંહ ન પકડાવાથી અનેક ગામોમાં મૃતકોનાં દૂરનાં સગાં, ઓળખીતાં અને દોસ્તોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આમેય આ પ્રદેશમાં જીવ, જીવન, કુટુંબ અને શાંતિ કરતાં વેર વાળવાને મહત્ત્વ અપાય છે, ગૌરવ સમજાય છે, ફરજ મનાય છે. હત્યાકાંડો બાદ પોલીસની સ્ફૂર્તિએ ન જાણે કેટલાયના જીવ બચાવી લીધા. કાનાફૂસી શરૂ થઈ કે માછી સિંહ તો પાકિસ્તાન ભાગી ગયો હશે, પરંતુ પોલીસની નાકાબંદી એટલી જોરદાર હતી કે એ ફિરોઝપુર જિલ્લામાંથીય બહાર નીકળી ન શક્યો. ફફડાટ સાથે સતત દોડતો રહ્યો, પણ 30મી ઓગસ્ટ સુધી જ પોલીસે માછી સિંહને એના પિતરાઈ જાગીર સિંહ સાથે ઝંખુ ગામે પકડી લીધો. પોલીસના પંજામાં સપડાઈ ગયા બાદ પણ માછી સિંહને નહોતો જરાય પસ્તાવો. એને એક રંજ રહી ગયો કે હત્યાકાંડો સર્જ્યા બાદ મારી પત્નીને મારી નાખવાની તક ન મળી, નહીંતર એની હત્યા બાદ મેં આત્મહત્યા કરી લીધી હોત. એક પછી એક આરોપી પકડાઈ ગયા બાદ પોલીસ તપાસ, પૂછપરછ અને ચાર્જશીટ તૈયાર કરવામાં જોતરાઈ ગઈ. આ બધાંથી મૃતકો પુન:જીવિત થવાના નહોતા કે નહોતી એમનાં સ્વજનોની વેદના-એકલતા ઘટવાની. હા, ખૂની પકડાઈ ગયાનો સંતોષ થયો, પણ એનાથી મોટો સવાલ એ હતો કે હત્યારાઓને સજા કેટલી થશે? આ પોલીસની કામગીરી, ન્યાયિક પ્રક્રિયા અને મીડિયા કવરેજમાં ક્યાંય સરહદી વિસ્તારના આમ આદમીઓના ભય, ડર, ફફડાટ અને ચિંતાનો ઉલ્લેખ નહીં મળે. અચાનક રાત્રે કોઈ આવે ને ધડાધડ ગોળીઓ ઝીંકી દે કે છરા ભોંકી દે. ગામમાં તો પોલીસથાણું ન હોય એટલે લાંબું અંતર કાપીને રાતના અંધારામાં બીજે જવામાંય સલામતી ન અનુભવાય? શ્રેષ્ઠ ઉપાય છે જીવનમાંથી વેરભાવનાને તિલાંજલિ આપવાનો. એક મૂછ કે કલ્પિત આબરૂ કોઈના જીવનથી મોટી કે મૂલ્યવાન કેવી રીતે હોઈ શકે? આ મનોદશા બદલવાનું કામ ખુદ માણસે જ કરવું પડે. ખેર, જમીનમાંથી ઝઘડો અને મારપીટ પછી પ્રેમ-પ્રકરણ રોકવા પાંચ હત્યા ને એનું વેર વાળવા 18-18 ખૂન. આ 23નાં જીવન પર પૂર્ણવિરામે અનેક સ્વજનોનાં અસ્તિત્વ, આશા પર પ્રશ્નાર્થ મૂકી દીધા હશે. કાનૂની પ્રક્રિયા જોઈએ તો 1979ની 18મી મેના રોજ મોટો દિવસ આવ્યો. એ દિવસે કોર્ટ ચુકાદો સંભળાવવાની હતી. ફિરોઝપુરના એડિશનલ સેશન જજ એસ. કે. જૈનની અદાલત બહાર મોટી મેદની જમા થઈ ગઈ હતી. ચુકાદા બાદ ધમાલ થવાની ધાસ્તીને નજરઅંદાજ થોડી કરાય? અદાલતના સંકુલની આસપાસ પોલીસના જવાનો તો ગોઠવાઈ જ ગયા હતા. સાથોસાથ બોર્ડર સિક્યોરિટી ફોર્સના સૈનિકોય તૈનાત કરાયા હતા. અદાલતમાં એકદમ પિનડ્રોપ સાયલન્સ વચ્ચે ન્યાયમૂર્તિ જૈને ચુકાદો સંભળાવવાની શરૂઆત કરી. પહેલાં એટલે કે અલ્લાહી બખ્શના હત્યાકાંડ બદલ માછી સિંહને ફાંસીની સજા સંભળાવાઈ. એક પછી એક ખૂન બદલ માછી સિંહને અગિયાર કેસમાં સજા-એ-મોત ફરમાવાયા. એ પળે જાણે એનો ચહેરો ભાવવિહીન થઈ ગયો. આંખો સ્થિર થઈ ગઈ, જાણે શૂન્યમાં અંધકારમય ભાવિમાં કોઈક આશાનું નાનકડું કિરણ શોધતી હોય. અન્ય સાત કેસમાં માછી સિંહને સાત વાર આજીવન કારાવાસની સજા ફટકારાઈ. આટલી સજા કોઈ પૂરી શકે ખરો? પછી કોર્ટ માછી સિંહ સિવાયના આરોપીઓ પર આવી. માછીના બે ભાઈ કીના સિંહ અને કાશ્મીર સિંહને ફાંસી અને આજીવન કારાવાસ મળ્યાં. માછીના બંને મામા ભજન સિંહ અને મોહિન્દર સિંહનેય ફાંસી સાથે જન્મટીપ. પિતરાઈ ભાઈ જાગીર સિંહનેય ફાંસી. અન્ય આરોપીઓને જન્મટીપની સજા મળી. અત્યાર સુધીની સજા ઘણાંને ધારણા મુજબની લાગી, પરંતુ જમુનાને શંકાનો લાભ મળ્યો અને મુક્તિ મળી ગઈ: કાશ, જમુનાએ ઉપાડો ન લીધો હોત. અદાલતનું કામ પૂરું થયું. ગુનેગારોને જેલભેગા કરી દેવાયા, પરંતુ બંને પક્ષના જીવંત પરિવારજનો માટે શાંતિ ગઈ, સાથી ગયા, પણ હજી ક્યાં નિરાંત હતી? કોઈ પાગલ આ હત્યાઓનું વેર વાળવા અડધી રાત્રે ટપકી પડે તો? જીવ બચાવવા માટે માછી સિંહ અને બાજ સિંહનાં કુટુંબીજનો રાતોરાત વતન છોડીને અજાણ્યા સ્થળે રહેવા જતાં રહ્યાં. આ 23-23 હત્યાનો મામલો છે, છતાં આપણા સમાજનો સ્મૃતિદોષ થઈ ગયો. આટલા મોટા સામુહિક હત્યાકાંડોને પ્રચાર-પ્રસાર માધ્યમોએ પણ સાવ ભુલાવી દીધો. જો એ જ સમયની રાજકીય ઘટના સમાન કટોકટી ભૂલી નથી શકાતી તો પછી આ હત્યાકાંડ કેમ આમ કાળની ગર્તામાં ધકેલાઈ જાય? આને યાદ કરીને એ શીખવાનું છે કે શું ન કરવું અને શું જતું કરવું, પણ કમનસીબે ભારે કિંમત ચૂકવતા રહેવા છતાં ઈતિહાસમાંથી બોધપાઠ ન લેવાની આપણી કુટેવ છૂટતી જ નથી. { praful shah1@gmail.com
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.