ક્રાઈમ ઝોન:હુમલાખોરોએ કેમ ડો. નરેન્દ્ર સિંહ જૈનને કંઈ ન કર્યું? અને એ સમયે તેઓ નિષ્ક્રિય કેમ રહ્યા?

પ્રફુલ શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમેરથી દબાણ વચ્ચે મૂંઝાતી હતી પોલીસ
  • પોલીસે તપાસનું સંપૂર્ણ ફોકસ ચંદ્રેશ પર માંડ્યું. આ ચંદ્રેશનો કેડો પકડવામાં જ પોલીસને કેસની અત્યંત મહત્ત્વની કડી મળી, જેનું નામ હતું રાકેશ કૌશિક. એ ચંદ્રેશનો મિત્ર હતો

એ(ગયા અંકથી આગળ) ક તરફ દેશભરનાં અખબારોએ તોતિંગ ફોટા, ચીસો પાડતાં હેડિંગ અને અણીયાળા સવાલો સાથેના તંત્રીલેખથી દેકારો મચાવી દીધો. બીજી બાજુ, લેન્ડલાઈનના ખણકતા દોરડા પોલીસવાળા પાસે અપડેટ માંગતા હતા. રાષ્ટ્રપતિના અંગત તબીબની પત્નીની છરીના 16-16 ઘા મારીને પાશવી હત્યા થાય ત્યારે દબાણ તો આવે આવે ને આવે જ. પરંતુ પોલીસ માટે કામ જરાય આસાન નહોતું. પોલીસ ઈચ્છતી હતી કે રાતોરાત શબનું પોસ્ટમોર્ટમ થાય, પરંતુ એ સમયે દિલ્હીમાં રાત્રે પોસ્ટમોર્ટમની પરંપરા નહોતી. જો ખાસ જરૂરિયાત હોય તો લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી બાદ જ રાત્રે પોસ્ટમોર્ટમ કરાય. કેસ અત્યંત હાઈ-પ્રોફાઈલ હોવા છતાં ધરાર મંજૂરી ન મળી. આનો અર્થ શું સમજવો? પોલીસ સમક્ષ કંઈ બોલી ન શકતી વિદ્યા જૈનની લાશ હતી અને પોતાનું બયાન આપી ચૂકેલા ડો. નરેન્દ્ર સિંહ જૈન સિવાય કંઈ નહોતું! ડો. જૈનના નિવેદન પરથી પોલીસે અમુક ચોંકાવનારાં તારણ તારવ્યાં. એક, આ લૂંટફાટનો મામલો નહોતો. બે, કોઈ જાતની છેડતી કે બળાત્કારનો પ્રયાસ થયો નહોતો. ત્રણ, ડો. જૈનને જરાય ઈજા પહોંચાડાઈ નહોતી. ચાર, માત્ર વિદ્યા જૈન જ ગુનેગારોનાં નિશાન પર હતાં, પણ શા માટે? એવું તે શું કર્યું હતું વિદ્યા જૈને? અને હુમલાખોરો કોણ હતા? કોઈ અંગત અદાવતનો મામલો હશે કે માલમિલકતનો વિવાદ? અને હા, હુમલા વખતે ડો. જૈન નિષ્ક્રિય કેમ રહ્યા? પોલીસે બધી તપાસ અને પૂછપરછ એવી રીતે કરવાની હતી કે ગુનેગાર સાવધાન ન થઈ જાય અને મીડિયાને તપાસની દિશાની ગંધ સુદ્ધાં ન આવે. ડો. જૈને તો જે કહેવાનું હતું એ કહી દીધું. ગાઢ પૂછપરછ થકી જ વધુ અણસાર મેળવવાના હતા, શક્યતા તપાસવાની હતી. પોલીસે ઘાયલ વિદ્યાને નાળામાંથી બહાર કાઢવામાં મદદ કરનારા જૈનના નોકર કુંદન સિંહ અને ગંગા સિંહ તરફ મીટ માંડી. ઘણીવાર ઘરના સભ્યો એકમેક વિશે ન જાણતા હોય એટલું નોકરો સાંભળીને, છુપાવીને બેઠા હોય છે. જાતજાતના, ફેરવી ફેરવીને સવાલો કરીને, ધમકાવીને-સમજાવીને પોલીસે બંને નોકર પાસેથી ઘણું ઓકાવી લીધું. આમાંથી ડો. નરેન્દ્ર સિંહ જૈનના વ્યક્તિત્વનાં છુપાં પાસાં બહાર આવ્યાં. પરંતુ એ દિશામાં તપાસ કે ખણખોદ કરવી એટલે આગ સાથે રમત હતી, જેમાં દાઝવાની શક્યતા ઘણી હતી. માહિતીના આ રસથાળમાંથી ડો. જૈનની કારકિર્દીનો આછેરો ગ્રાફ પણ ઊભરી આવ્યો, જેમાં પોલીસે પહેલી નજરે ભલે જરૂરી ન લાગે છતાં ખાસ્સો રસ લીધો. ડો. નરેન્દ્ર સિંહ જૈન શરૂઆતમાં પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતા હતા, ત્યારે તેમની ચંદ્રેશ શર્મા નામની સેક્રેટરી હતી. પછી કોઈક કારણસર એને નોકરીમાંથી તગેડી મૂકાઈ હતી. તો શું આ ચંદ્રેશે નોકરીમાંથી ગડગડિયું અપાયાનું વેર વાળ્યું? પણ ડો. જૈન સાથે ખુન્નસ હોય તો વિદ્યાની હત્યા શા માટે? કદાચ પ્રિયજનને આંચકીને ડો. જૈનને વિરહની અગ્નિમાં સળગતા જોવાનો પિશાચી આનંદ લેવો હશે! અત્યાર સુધી મળેલા સગડમાં ચંદ્રેશ શર્મા નામ અને વિગતે જ પોલીસવાળાની આંખમાં ચમક લાવી દીધી. તેઓ ચંદ્રેશની કુંડળી ફંફોસવા માંડ્યા. ચંદ્રેશનાં પહેલાં લગ્ન 1960માં થયાં હતાં, પણ કમનસીબે પતિ જલદી સ્વર્ગે સિધાવી ગયો. 1964માં ચંદ્રેશે ફરી લગ્ન કર્યાં, પણ આર્મી કેપ્ટન સાથેનાં લગ્ન ત્રણ વર્ષ માંડ ટક્યાં. એ જ વર્ષે તેણે ડો. જૈનના ક્લિનિકમાં નોકરી શરૂ કરી. જોતજોતામાં ડો. નરેન્દ્ર સિંહ અને ચંદ્રેશ વચ્ચે પ્રેમસંબંધ બંધાઈ ગયો. આની જાણ થતા વિદ્યા ધરાર ચંદ્રેશને નોકરીમાંથી કઢાવીને જ રહી. તો ચંદ્રેશ જાણતી હતી કે વિદ્યાને લીધે પોતે નોકરી અને પ્રેમી ગુમાવ્યાં છે એટલે તેણે આ રીતે વેર વાળ્યું? સવાલ દેખાય છે એટલો સીધો અને સરળ નથી. પોલીસે તપાસ કરાવી તો ખબર પડી કે ચંદ્રેશને નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ ડો. જૈને તેની સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું નહોતું. દિલ્હી છોડીને 1972માં અંબાલા જતી રહેલી ચંદ્રેશ સાથે તેમણે સ્નેહ-સેતુ જાળવી રાખ્યો હતો. એટલું જ નહીં, એ નિયમિતપણે સારી એવી રકમ મોકલતા હોવાની જાણકારી પણ પોલીસે ડોક્ટર સાહેબના બેન્ક ખાતા થકી મેળવી. શું ડો. જૈન માત્ર માનવધર્મ નિભાવતા હતા? સંબંધ-ધર્મ કે મામલો કંઈક અલગ જ હતા? અલબત્ત, ડો. નરેન્દ્ર સિંહ જૈન એટલું ખોટું બોલ્યા હતા કે પોલીસે છાશ તો ઠીક, કોલ્ડકોફીય ફૂંકી ફૂંકીને પીવી પડે એમ હતું. પોલીસ ચર્ચામાં એક બાબત નીચે લાલ શાહીની અંડરલાઈન થઈ રહી હતી કે યેનકેન પ્રકારેણ વિદ્યા જૈન હત્યાકાંડમાં ચંદ્રેશ શર્માનો હાથ લાગે છે. અને જો એવું જ હોય તો પોતે ફરી ફરીને હતા ત્યાં ને ત્યાં આવી જવાના. ડો. નરેન્દ્ર સિંહ જૈનને સીધેસીધું કંઈ પૂછી ન શકાય. એમના વિશે તપાસ કરવાની હતી એ પણ ચૂપચાપ. આ તપાસ કરવાનો એકમાત્ર રસ્તો હતો ચંદ્રેશ શર્મા. ચંદ્રેશ વિશે શક્ય એટલી જાણકારી મેળવવી પડશે. એ ઘાસની ગંજીમાં જ ક્યાંક કામની સોય મળી આવશે. પોલીસે તપાસનું સંપૂર્ણ ફોકસ ચંદ્રેશ પર માંડ્યું. આ ચંદ્રેશનો કેડો પકડવામાં જ પોલીસને કેસની અત્યંત મહત્ત્વની કડી મળી, જેનું નામ હતું રાકેશ કૌશિક. એ ચંદ્રેશનો મિત્ર હતો અને કામકાજે હવાલદાર. હા, દિલ્હી કેન્ટોનમેન્ટમાં હવાલદાર તરીકે નોકરી કરતા રાકેશ સાથે ચંદ્રેશે સંપૂર્ણપણે ગેરકાયદે કામગીરીની વાતચીત શરૂ કરી હતી. આ કામગીરી એટલે હત્યા. વિદ્યા નરેન્દ્ર સિંહ જૈનને રસ્તામાંથી હટાવવા માગતી હતી ચંદ્રેશ શર્મા.{ (ક્રમશ:) praful shah1@gmail.com

અન્ય સમાચારો પણ છે...