અજવાળાનો ઓટોગ્રાફ:હાર્ટ-બ્રેક પછી આપણે મૂવ-ઓન કેમ નથી થઈ શકતા?

12 દિવસ પહેલાલેખક: ડૉ. નિમિત્ત ઓઝા
  • કૉપી લિંક
  • પર્પઝ વિનાના જીવતરમાં પ્લેઝરનું મહત્ત્વ હંમેશાં વધારે હોય છે

મેડિકલ કૉલેજમાં થયેલા મારા પહેલા બ્રેક-અપ પછી હું ખૂબ રડેલો. સાથે વિતાવેલો સમય, હાસ્ય અને ફ્લર્ટિંગની એ યાદગાર ક્ષણો, સાથે જોયેલા સૂર્યાસ્ત અને સુખી ભવિષ્યનાં સપનાં. કોઈ કઈ રીતે ભૂલી શકે? એ સમયે મમ્મીને વળગીને હું ખૂબ રડેલો. એના ખભા પર માથું મૂકીને, મેં તેને જિંદગીએ મારી સાથે કરેલા ‘અન્યાય’ની ફરિયાદ કરી’તી. ત્યારે મમ્મીએ કહેલી એક વાત મને આજીવન યાદ રહેશે. તેણે કહેલું, ‘એને ગુમાવી દીધાનું દુઃખ તને એટલા માટે થાય છે કારણ કે તારી નજરમાં એ સ્પેશિયલ હતી. મને રડવું નથી આવ્યું કારણ કે મારી નજરમાં તે એક સાધારણ છોકરી હતી. તારી કલ્પનામાંથી બહાર નીકળી, એ છોકરીને તું મારી કે અન્ય કોઈ વ્યક્તિની નજરથી જોઈશ, તો તને રડવું નહીં આવે.’ મમ્મીના આ વાક્યએ મને વિચાર કરતો કરી મૂકેલો કે ‘એને સ્પેશિયલ કોણે બનાવી?’ એ પ્રશ્નનો સૌથી પ્રામાણિક અને દેખીતો ઉત્તર હતો, ‘મેં. મારા મને. મારી કલ્પનાએ. એની સાથે ગાળેલા સમય પરથી મેં ધારી લીધેલા ભવિષ્યએ.’ મારા માટે એ વ્યક્તિ સ્પેશિયલ એટલા માટે હતી, કારણ કે કોઈ એક જમાનામાં એણે મને ખુશીઓ આપેલી. અને આનંદની આવી ક્ષણો હવે પછી મને બીજે ક્યાંય, ક્યારેય કે કોઈની સાથે નહીં મળે, એ વિચારથી મને રડવું આવતું. અચાનક આ વાત એટલા માટે યાદ આવી કારણ કે બ્રેક-અપ પછી મૂવ-ઓન થવા માટેની તદ્દન આવી જ એક ફિલોસોફી, મેં હમણાં એક બેસ્ટસેલર પુસ્તકમાં વાંચી. અને ત્યારે મારી એક વર્ષો જૂની માન્યતા વધુ દૃઢ થઈ કે દરેક મમ્મી આ દુનિયાની શ્રેષ્ઠ ફિલોસોફર અને સેલ્ફ-હેલ્પ બુક છે.

મૂવ-ઓન થઈ શકવાની અસમર્થતા કે નિષ્ફળતા પાછળનું મુખ્ય કારણ છે, ડોપામીન શોટ્સ અને આનંદનું વળગણ. ચલો, વિગતવાર સમજીએ. મૂવ-ઓન ન થઈ શકવા પાછળનું મુખ્ય કારણ એ છે કે એમની સાથેની રિલેશનશિપ જ આ પૃથ્વી પરનું સર્વોચ્ચ સુખ છે અને એવું સુખ બીજે ક્યાંય નહીં મળે, એવી આપણી માન્યતા. આવું આપણને એટલા માટે લાગે છે કારણ કે ભૂતકાળમાં એમની સાથે વિતાવેલા સમયે આપણને અઢળક આનંદ આપ્યો છે. એમની વાતો, સ્પર્શ કે સથવારાથી આપણને જે અનુભૂતિ થઈ’તી, એ જ ફીલિંગ સર્વશ્રેષ્ઠ છે એવું સમજી બેઠેલું નાદાન મન બીજે ક્યાંય ફોકસ નથી કરી શકતું. હવેનું વાક્ય ધ્યાનથી વાંચજો. પર્પઝ વિનાના જીવતરમાં પ્લેઝરનું મહત્ત્વ હંમેશાં વધારે હોય છે. જેમના જીવનમાં કોઈ ઉદ્દેશ્ય, લક્ષ્ય કે હેતુ નથી હોતો, તેઓ સુખની શોધમાં ભટકતા રહે છે.

જ્યાં સુધી આપણા જીવનનું લક્ષ્ય માત્ર સુખી, આનંદિત કે પ્રસન્ન થવા પૂરતું મર્યાદિત રહેશે, ત્યાં સુધી આપણે હેપ્પીનેસનો પીછો કરતાં રહીશું. એ જ હેપ્પીનેસ, જે આપણા પ્રિયજનના સથવારાથી મળતી. હવે જ્યારે ફાઈનલી એમણે સંપર્ક તોડી જ નાંખ્યો છે, ત્યારે આનંદ નામના નશાથી એડિક્ટ થયેલા આપણે ફરી એકવાર પ્લેઝરનો શોટ મેળવવા માટે એમની ગલીઓ, પ્રોફાઈલ કે ઈનબોક્સમાં ભટક્યા કરીએ છીએ. એ આનંદ, મોજ અને મસ્તીની ક્ષણો પાછી આપી દેવા માટે આપણું સ્વમાન નેવે મૂકીને કરગરીએ છીએ. બ્લોક, રિજેક્ટ, ઈગ્નોર કે અપમાનિત થયા પછી પણ એ પ્રિયજન પાસેથી પ્લેઝર મેળવવા માટે, આપણે એ રીતે ધમપછાડા કરીએ છીએ જાણે કોઈ બંધાણી નશો મેળવવા માટે કરતો હોય. એનું કારણ ફક્ત એટલું જ છે કે આપણે ઓલમોસ્ટ કન્વિન્સ થઈ ચૂક્યા હોઈએ છીએ કે આવી સુખદ ક્ષણો આપણને બીજે ક્યાંય નહીં મળે. અને માટે જ, પીડા ભોગવીને પણ આપણે સંબંધ ટકાવી રાખવાના પ્રયત્નો કરીએ છીએ.

આપણે એમને એટલા માટે મિસ કરીએ છીએ કારણ કે એક જમાનામાં તેમણે આપણને ખુશ કરેલા. આપણે એ ખુશી મિસ કરીએ છીએ, એ વ્યક્તિને નહીં. જો એવી જ ખુશી આપણને બીજી કોઈ વ્યક્તિ કે પ્રવૃત્તિમાંથી મળવા લાગે, તો આપણે બહુ સરળતાથી એ વ્યક્તિને ભૂલી જઈશું, કારણ કે આપણે તો સુખદ ક્ષણોના બંધાણી છીએ. એના સ્રોત સાથે આપણને કોઈ નિસબત નથી. આપણને એ સુખદ અનુભૂતિની જરૂર છે, વ્યક્તિની નહીં. આત્મ-સન્માનની જરૂર છે, આત્મીયતાની નહીં. જો થોડા સમય માટે આપણે એ આનંદ, મોજ કે પ્લેઝરના વળગણમાંથી મુક્ત થઈ શકીએ, તો મૂવ-ઓન કરી શકીએ.

જ્યારે વ્યક્તિઓમાંથી મળતી આહલાદક અનુભૂતિ બંધ થાય છે, ત્યારે એ જ સમય હોય છે આહલાદક પ્રવૃત્તિઓ તરફ વળવાનો. સુખનો સપ્લાય ક્યારેય કોઈ એક વ્યક્તિ પૂરતો મર્યાદિત નથી હોતો. એ તો ભવિષ્યમાં પણ મળશે જ. જરૂર હોય છે ફક્ત એ ‘સ્પેશિયલ’ વ્યક્તિની કલ્પના અને વિચારોમાંથી બહાર આવીને, પ્રેમ અને પર્પઝનાં વૈકલ્પિક ઠેકાણાં શોધવાની. એક દરવાજો બંધ થાય, ત્યારે બીજા ત્રણ-ચાર ખૂલી જતા હોય છે. બંધ થયેલા દરવાજા પર ટકોરા મારવાને બદલે, ખૂલી ગયેલા અન્ય દરવાજા વિશે વિચારી શકીએ, તો મૂવ-ઓન થઈ શકીએ. ‘આનાથી સારું તો મળશે જ નહીં’ જેવી જાત પાસે કરેલી છેતરામણી જાહેરાતોમાંથી બહાર આવી શકીએ, તો મૂવ-ઓન થઈ શકીએ. પડવાના, વાગવાના કે ઈજાગ્રસ્ત થવાના ભય કે દરકાર વગર ફરી એકવાર પ્રેમ કરવાની હિંમત કેળવી શકીએ, તો મૂવ-ઓન થઈ શકીએ.

અન્ય સમાચારો પણ છે...