આપણી વાત:ધરતી પર ઈશ્વરદર્શન માટે કોની પરમિશન લેવાની?

12 દિવસ પહેલાલેખક: વર્ષા પાઠક
  • કૉપી લિંક
  • ધર્મસ્થાનકોમાં જાતપાતના આધારે લોકોને પ્રવેશતા રોકનાર લોકો જ કદાચ ધર્મના સહુથી મોટા દુશ્મન છે

આખું એક વર્ષ બસ ભારતમાં ફરવું છે’ એવું નક્કી કરીને ઘણા સમય પહેલાં મુંબઈમાંથી બહાર નીકળેલી. એ રખડપટ્ટી દરમ્યાન જાતજાતની જગ્યાઓએ ભાતભાતનાં લોકો જોયાં. હવે પ્રવાસની બાબતમાં લોકોના જુદા જુદા અનુભવ અને અભિપ્રાય હોય. સદ્નસીબે મને કોઈ ખાસ ખરાબ કહેવાય એવા અનુભવ નહોતા થયા. બાકી નાની-મોટી તકલીફો તો ઘરઆંગણે પણ ક્યાં નથી પડતી? અને ‘દસમાંથી આઠ સારા લોકો મળે તો પછી બાકીના બે નઠારા લોકોનું કોઈ મહત્ત્વ નથી રહેતું અને એને જ યાદ રાખીને બાકી મળેલા આનંદ પર શું કામ ધૂળ નાખવી’ આ મંત્ર મને અત્યાર સુધી તો બહુ કામ લાગ્યો છે.

આ પ્રવાસ દરમ્યાન મળેલા એક યુવાન ગાઈડે બહુ સરસ વાત કહેલી. ‘ભગવાન પણ ઈચ્છે છે કે લોકો ઘરમાં પુરાઈ રહેવાને બદલે બહાર ફરે, એટલે જ આપણે ત્યાં સહુથી પવિત્ર ગણાતા ચાર ધામ ચાર દિશામાં છે. પૂર્વમાં જગન્નાથપુરી, પશ્ચિમમાં દ્વારકા, ઉત્તરમાં બદ્રીનાથ અને દક્ષિણમાં રામેશ્વરમ.’ કમનસીબે એ ગાઈડનું નામ ભુલાઈ ગયું, પણ એણે કહેલી આ વાત મને બરાબર યાદ રહી ગઈ છે અને આપણે ત્યાં આ સાચું પણ છે. ભારતમાં ડોમેસ્ટિક ટુરિઝમમાં સહુથી વધુ ફાળો ધાર્મિક યાત્રા પર નીકળતા લોકો આપે છે. બાર જ્યોતિર્લિંગ, અષ્ટવિનાયક, ચારધામ (જેનો અર્થ મોટેભાગે બદ્રી, કેદાર, ગંગોત્રી, યમનોત્રી, એવો કરાય છે) આ બધી યાત્રાએ નીકળેલાં લોકો કેટલું બધું ફરે છે. અને કોઈપણ પ્રવાસ સાથે ધર્મ, આસ્થાને જોડી દો, પછી કોઈ ટીકાટિપ્પણ નહિ, બસ આનંદ ને આનંદ.

હવે બીજી વાત. અંગ્રેજીમાં એક ઉક્તિ છે કે Man Proposes, God Disposes. અર્થાત્ માણસ ગમે તેટલું ઈચ્છે, યોજનાઓ ઘડે, પણ આખરે ધાર્યું ધણીનું એટલે કે ઈશ્વરનું થાય. આપણા ભવ્ય પ્લાનિંગ પર ભગવાન ઈચ્છે તો પાણી ફેરવી દે. પરંતુ ધાર્મિક બાબતોમાં ઘણીવાર કહેવું પડે કે God Proposes, Man disposes. ભગવાને તો કહી દીધું કે આવો, ચારે દિશામાં મારા દરવાજા બધાં માટે ખુલ્લા છે, પણ પછી ધરતી પર ખુદને સવાયા ભગવાન માનવા લાગેલા લોકોના હાથમાં સત્તા આવી અને એ નક્કી કરવા લાગ્યાં કે પ્રાર્થનાસ્થળે કોણ આવી શકે, કોણ નહિ.

અત્યારે કેરળમાં જાણીતી ફિલ્મ એક્ટ્રેસ અમલા પૉલ અને એની માતાને એક હિંદુ મંદિરમાં પ્રવેશ કરતા અટકાવાઈ એમાંથી વિવાદ જાગ્યો છે. મંદિરની મેનેજિંગ કમિટીએ એમાં પ્રાચીન પરંપરા બતાવી. ખ્રિસ્તી અમલાએ છેવટે બહાર રસ્તા પર ઊભા રહીને હાથ જોડી લીધા. હા, મંદિરની ઓફિસમાં પૈસા ભરીને પ્રસાદ મળી શક્યો. સદ્નસીબે, આ વખતે કટ્ટર હિન્દુવાદી ગણાતાં ઘણાં લોકોએ પણ આ ભેદભાવનો વિરોધ કર્યો. અહીંના જાણીતા હિંદુ ઐકયવેદી લીડર આર. વી. બાબુએ કહ્યું કે ‘Kerala hindu places of public worship act’ તરીકે ઓળખાતો કાનૂન તો વર્ષ 1965માં આવ્યો. અર્થાત્ એની પહેલાં બિનહિન્દુઓને મંદિરમાં આવવા પર નિષેધ નહોતો. હવે આ સાચું હોય તો હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માટે આપણે અમસ્તાં જ બધો દોષ અંગ્રેજોને આપીએ છીએ. આ ભેદભાવને કાનુની સ્વીકૃતિ સ્વતંત્ર ભારતમાં મળેલી. ખરેખર એવું છે? મેં મારી રીતે આ કાયદો વાંચવાની, સમજવાની કોશિશ કરી, તો માત્ર એટલી સમજ પડી કે એમાં હિન્દુ દર્શનાર્થીઓ, (જેમાં જૈન અને બૌદ્ધ આવી જાય) સાથે જાતપાત, ઊંચનીચના આધારે ભેદભાવ કરવા પર પ્રતિબંધ છે, પણ બીજા ધર્મનાં લોકોનું શું? કદાચ એ સ્પષ્ટતા નથી એટલે ધાર્મિક સ્થળોના સંચાલકો મનમાની કરી લે છે.

અલબત્ત, માત્ર હિન્દુ ધર્મસ્થળોએ એવું નથી થતું. બીજા ધર્મ સંપ્રદાયોમાં પણ એવું ચાલે છે. દાખલા તરીકે સહુથી શાંત, મોડર્ન ગણાતા પારસીઓ આ બાબતે ભયંકર સંકુચિત માનસ ધરાવે છે. ફાયર ટેમ્પલ કે અગિયારીમાં પારસી છોકરાને પરણેલી બિનપારસી પુત્રવધૂ પણ પ્રવેશી નથી શકતી, એટલું જ નહિ બીજી જ્ઞાતિમાં પરણેલી પારસી છોકરીના અંતિમ સંસ્કાર પણ પરંપરાગત પારસી વિધિથી કરવા સામે સખત વિરોધ છે. બીજા ધર્મોનો મને ખાસ અભ્યાસ નથી એટલે લખાય નહિ. અને હા, અહીં બીજા દેશોમાં શું થાય છે, એની પંચાતમાં પડવું નહિ. વાત સાંપ્રદાયિક બંધારણ ધરાવતા આપણા ભારત દેશની છે.

અન્ય સમાચારો પણ છે...