તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપણી વાત:કોનું જીવન વધુ કિંમતી ગણાય?

વર્ષા પાઠક8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સારવારનાં સાધનો ઓછાં છે ત્યારે પહેલી ચિંતા વૃદ્ધોની કરવી કે બાળકોની?

કોવિડનો ભોગ બની ગયેલી એક વ્યક્તિ વિશે ઘરમાં વાત થઇ રહી હતી. ‘કેટલી ઉંમર હતી?’ ઓગણત્રીસ વર્ષના દીકરાએ પૂછ્યું. ‘બાંસઠ વર્ષ’ મમ્મીએ કહ્યું. તો છોકરાએ સહજભાવે કહી દીધું, ‘ઓહ, તો ઠીક હૈ.’ આ સાંભળીને ડઘાઈ ગયેલી માતાએ પછી મારી સાથે એ પ્રસંગ યાદ કરતા કહ્યું કે, ‘આ લોકોને મન બાંસઠ એટલે જાણે વૃદ્ધાવસ્થાને પણ પાર કરી ગયેલાં લોકો, જેમનાં ગુજરી જવાનો ખાસ આઘાત ન લાગવો જોઈએ. આપણે તો કોઈ પાંસઠ વર્ષનું માણસ મરી જાય તોયે કહીએ કે, ‘અરેરે, નાની ઉંમરે, અકાળ મરણ થયું, કોણ જાણે આ છોકરાં શું માનતાં હશે?’ સાંભળીને મેં એની સાથે સહમતિ દર્શાવી, પણ પછી તરત યાદ આવ્યું કે વેક્સિન લેવા માટે ગઈ ત્યારે સેન્ટરમાં કોઈના ટેકે ડગુમગુ આવેલા, સિત્તેર-એંસીની ઉંમર વટાવી ગયા હોય, એવા વૃદ્ધોને જોઈને મેં કહેલું કે, ‘હવે આ લોકોને કેટલું જીવવું છે?’ હું પોતે કંઈ નાની નથી. પૂરાં 61 વર્ષની છું. તોયે મને જો મારાંથી દસ-પંદર વર્ષ મોટાં લોકો નોકરીમાંથી જ નહીં, દુનિયામાંથી પણ રિટાયર થઇ જવાને લાયક લાગતાં હોય તો મારાંથી અડધી ઉંમરના પેલા છોકરાના પ્રતિભાવથી શું કામ ખરાબ લાગવું જોઈએ, અરે, આશ્ચર્ય પણ શું કામ થવું જોઈએ? દિવ્ય ભાસ્કરના કટારલેખક નગીનદાસ સંઘવી હવે આપણી વચ્ચે નથી રહ્યા, પણ ઉંમરની સેન્ચુરી ફટકારી દેનારા સંઘવીસાહેબે કહેલી ઘણી વાતો, ખાસ કરીને તો જે સાંભળીને અમને મિત્રોને ભારે રમૂજ થયેલી એ યાદ રહી ગઈ છે, એમાંથી એક હતી- ‘મારા માટે સિનિયર, વૃદ્ધ કે વડીલ કોણ, તો કહું કે મારાથી ઉંમરમાં મોટાં હોય તે. પછી ભલેને એક કે અડધો વરસ જ મોટાં હોય.’ આજે કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, વેક્સિનની અછત વર્તાઈ રહી છે, ખરેખર નાની ઉંમર કહેવાય એવાં નાનાં બાળકોને પણ આ ખતરનાક વાઇરસ પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે, ત્યારે જોકે ક્રૂર લાગે એવો વિચાર આવી જાય કે અત્યારે ટાંચા સાધનોવાળી પરિસ્થિતિમાં કોને બચાવવાની વધુ જરૂર છે, અને કોને ગુડબાય કહી દઈએ તો વાંધો નહીં? સાવ નજીકના મારા પરિવારમાં પચીસ વર્ષથી નાનાં બે જણ અત્યારે કોરોના પોઝિટિવ છે, એક જણને તો એના જન્મદિવસે જ મ્યુનિસિપલ કોર્પોરેશને ફોન કરીને વધાઈ આપી દીધી. એ નિખાલસતાભેર કબૂલી લે છે કે, ‘હું તો ઓવરકૉન્ફિડન્સમાં હતો કે મને કોઈ દિવસ એવો રોગ થાય જ નહીં. હવે ફ્રેન્ડલોકોને પણ કહું છું કે બી કેરફુલ’. આદત અનુસાર એણે તો પછી કોરોના અને પોતાની સ્થિતિને મજાક બનાવીને મને હસાવી, પણ સાચું કહું છું, આ બંને સાથે વાત કર્યા પછી મને વિચાર આવવા લાગ્યો કે મારાં જેવાં અનેક સિક્સ્ટી પ્લસ લોકો વેક્સિનના બબ્બે ડોઝ લઇ આવ્યા, એ પ્રોટેક્શન આ નાની ઉંમરનાં લોકોને મળ્યું હોત તો વધુ સારું નહોતું? મારા અમદાવાદવાસી કઝીનનો દીકરો બેંતાલીસ વર્ષની વયે કોરોનાના ખપ્પરમાં હોમાઈ ગયો. એ તો દેશનું ભવિષ્ય ગણાતા વર્ગમાં હતો, હવે ભૂતકાળ થઇ ગયો. આવા તો બીજાં અનેક હશે. ઘર, સમાજ, દેશ માટે એ વધુ જરૂરી હતાં અને છે. રસીકરણમાં સિનિયર સિટિઝન્સને પ્રાથમિકતા આપવા પાછળ ઘણાં કારણો અપાય છે- મોટી ઉંમરે આ વાઇરસ જલદી વળગી જાય અને એની સામે લડવાની શક્તિ શરીરમાં ઓછી હોય, નાની ઉંમરે રોગપ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત હોય એટલે એમને મોડેથી વેક્સિન મળે તો ખાસ વાંધો નહીં વગેરે. પરંતુ હવે દેખાઈ રહ્યું છે કે આ ભયાનક વાઇરસ ભેદભાવ કરતો નથી. નાની ઉંમરનાં લોકોની સંખ્યા હજી ઓછી છે, એ સાચું પણ એમને ચેપ લાગ્યા પછી બહુ ઝડપથી અસર કરે છે. કોવિડ પછી કોઈ વાર લાગી જતી ફંગસ એમની દૃષ્ટિ ઝૂંટવી લે છે. આવા જ પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશનના ભોગ બનેલા માત્ર બાવીસ વર્ષના છોકરાનો જીવ બચાવવા માટે મુંબઈની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરે ઇમરજન્સી ઓપરેશન કરીને એની બંને આંખો કાઢી લેવી પડી. જાણ થઇ તો બાપ છાતીફાટ આક્રંદ કરતો ડોક્ટર સાથે ઝઘડી પડ્યો. આ ઉંમરે આંધળા થઇ ગયેલા છોકરાની જિંદગી શું કામની? એને મરવા દેવો હતો ને.... આવું બોલનાર બાપ કદાચ કોઈને ક્રૂર લાગે, પણ વિચારી જુઓ કે, ગામડેથી આવેલો, માંડ-માંડ પરિવારનું પેટ ભરતો ગરીબ માણસ જીવનથી કેટલી હદે થાક્યો હશે કે આવું બોલી ગયો? બાકી મા-બાપો તો પોતાની ઉંમર એમનાં સંતાનોને મળી જાય એવી પ્રાર્થના કરતાં હોય. આવા સંજોગોમાં મારી જેમ બીજાંને પણ વિચાર આવતો હશે ને કે અમારી પહેલાં આ યુવાનોને વેક્સિન આપવાની જરૂર હતી. આટલું વાંચીને તમે કહી શકો કે વેક્સિનના બે ડોઝ લઇ લીધા બાદ આવું જ્ઞાન લાધ્યું? હું કબૂલીશ કે ભૂલ થઇ ગઈ. પગ તળે રેલો આવ્યો ત્યારે બીજી ઘણી બાબતોની જેમ આ પણ સમજાયું. વેક્સિનેશન માટે સરકારી નીતિ છે, એ સાચું, પણ એક સિનિયર સિટિઝન હોવાના નાતે કમસે કમ એવો વિચાર તો આવવો જોઈતો હતો કે વેક્સિન જ નહીં, હોસ્પિટલના બેડ અને સારવાર પર પણ પહેલો અધિકાર કોનો હોવો જોઈએ.⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...