તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લેક એન્ડ વ્હાઈટ:શુક્રને કોણ નડ્યું હશે?

આશુ પટેલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક સમયે પૃથ્વી સાથે સામ્ય ધરાવતો શુક્ર કયાં પરિબળોને કારણે ‘પાણી વિનાનો’ થઈ ગયો હશે એ જાણવાનો ‘નાસા’નો પ્રયાસ

જૂન, 2021ના પ્રથમ સપ્તાહમાં અમેરિકાની અવકાશી સંસ્થા ‘નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન’ (નાસા)ના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને જાહેર કર્યું કે- ‘નાસા’ના ડિસ્કવરી પ્રોગ્રામ અંતર્ગત અમે શુક્રના અભ્યાસ માટે ‘દવિંચી’ અને ‘વેરિટાસ’ નામનાં બે મિશન 2028 અને 2033માં શુક્ર ગ્રહ પર મોકલીશું. અમે આ મિશન દ્વારા એ જાણવાની કોશિશ કરીશું કે શુક્ર ગ્રહ પર સતત દાવાનળ જેવું વાતાવરણ કેમ છે. સૌરમંડળના નિર્માણ વખતે કદાચ શુક્ર પૃથ્વી જેવો જ હતો. એ પૃથ્વીની જેમ માનવીઓ માટે રહેવાલાયક હતો, કારણ કે ત્યાં પૃથ્વીની જેમ જ સમુદ્રો હતા અને પૃથ્વી જેવું જ વાતાવરણ હતું, પણ પછી એ ગ્રહ કયાં પરિબળોને કારણે ‘પાણી વિનાનો’ થઈ ગયો? નાસાનું શુક્ર ગ્રહના સંશોધન માટેનું છેલ્લું મિશન ‘મૅગલન’ હતું. એ અવકાશયાન 1990ના વર્ષમાં પૃથ્વી પર પાછું આવી ગયું હતું (એણે લગભગ ચાર વર્ષ સુધી શુક્રનું નિરીક્ષણ કર્યું હતું). હવે ‘નાસા’એ ફરી વાર શુક્ર પર બે મિશન મોકલવાની તૈયારી કરી લીધી છે. એમાંથી ‘દવિંચી’ (DAVINCI+) શુક્ર ગ્રહના વાયુમંડળનો અભ્યાસ કરશે. એ સમજવાની કોશિશ કરશે કે શું અહીં પણ સમુદ્ર હતો કે નહીં. તો ‘વેરિટાસ’ શુક્ર ગ્રહની સપાટીનો અભ્યાસ કરશે, એનો ભૌગોલિક ઈતિહાસ જાણવાની કોશિશ કરશે અને એ સમજવાનો પ્રયાસ કરશે કે કયાં પરિબળોને કારણે શુક્ર પૃથ્વી કરતાં જુદા પ્રકારનો થઈ ગયો. કયાં કારણોથી અને કેવી રીતે એનો વિકાસ પૃથ્વીથી જુદી રીતે થયો. પૃથ્વી અને શુક્ર ઉત્પત્તિના સમયે લગભગ સમાન વાતાવરણ ધરાવતાં હોવાનું મનાય છે, પણ શુક્ર પર કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ વધી જવાને કારણે ત્યાં તાપમાન અંદાજે 470 અંશ સેલ્શિયસ અથવા 900 અંશ ફેરનહિટ છે. ખગોળવૈજ્ઞાનિકો એવું માને છે કે શુક્ર ગ્રહ ઉપર 200 કરોડથી વધુ વર્ષ અગાઉ પાણી હતું, પણ 70 કરોડ વર્ષ પહેલાં ત્યાં અચાનક કશુંક પરિવર્તન આવ્યું અને બધું પાણી નાશ પામ્યું (જ્યાં લોખંડ પણ ઓગળી જાય એટલી ગરમી હોય ત્યાં પાણીનું અસ્તિત્વ શક્ય જ ન બને). શુક્ર અત્યંત ગરમ થઈ ગયો અને ત્યાં પાણી ગાયબ થઈ ગયું એની પાછળનું કારણ જ્વાળામુખીનો મહાવિસ્ફોટ હોવાનું અનુમાન કરાય છે. ઝેરી વાયુની વાતાવરણ પર થતી અસરનો અભ્યાસ કરવા માટે શુક્ર ગ્રહ ઉત્તમ ગણાય છે. રશિયા (એ વખતના સોવિયેત સંઘ) દ્વારા 1960ના દાયકા અને 1980ના દાયકામાં શુક્રનો મોટા પાયે અભ્યાસ હાથ ધરાયો હતો. 1970માં રશિયાએ શુક્રનો ઊંડો અભ્યાસ કરવા માટે ‘વીનેરા-સેવન’ અવકાશયાન મોકલ્યું હતું, પણ એ અવકાશયાન તૂટી પડ્યું હતું, જોકે, એ અવકાશયાને પૃથ્વી પર શુક્રનો 20 મિનિટ સુધીનો ડેટા મોકલ્યો હતો. બાય ધ વે, અત્યારે દુનિયાના દેશો પૈકી માત્ર જાપાનનું સ્પેસક્રાફ્ટ ‘આકાસુકી’ જ આ ગ્રહની પ્રદક્ષિણા કરી રહ્યું છે. છેલ્લે એ જાણી લઈએ કે બાર વર્ષે બાવો બોલે એમ અમેરિકા અચાનક ત્રીસ વર્ષે શુક્ર ગ્રહ પર મિશન મોકલવા માટે અચાનક કેમ જાગ્યું છે. ચીન સ્પેસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. મે, 2021માં ચીનનું 21 ટનનું સ્પેસક્રાફ્ટ તૂટી પડ્યું હતું એ વખતે પણ ભારે વિવાદ થયો હતો. સ્પેસ ક્ષેત્રે સંશોધન કરી રહેલા તમામ દેશો કેટલાક નિયમોનું પાલન કરે છે, પણ ચીન તમામ નિયમોને ઘોળીને પી રહ્યું છે અને નફ્ફટ બનીને બેશરમીપૂર્વક વર્તી રહ્યું છે. એ સ્પેસ ક્ષેત્રે પ્રભુત્વ જમાવીને દુનિયાને ડરાવવા ઈચ્છે છે (સ્પેસ ક્ષેત્રે આગળ વધવાથી ચીન કઈ રીતે બીજા દેશોને દબાવી શકે કે ખંડણી પણ ઉઘરાવી શકે એ વિશે ક્યારેક વાત કરીશું). ચીન સ્પેસ ક્ષેત્રે અક્લ્પ્ય ઝડપે આગળ વધી રહ્યું છે (અત્યારે જુદા-જુદા દેશોનું સંયુક્ત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એની સામે ચીન પોતાનું અલગ સ્પેસ સ્ટેશન બનાવી રહ્યું છે) એટલે અમેરિકાને પોતાનો ગરાસ લૂંટાઈ રહ્યો હોય એવું લાગે છે. ચીનના ડરને કારણે અમેરિકા સહિતના દેશો પોતાના અંતરિક્ષ કાર્યક્રમોમાં વધારો કરવામાં લાગી ગયા છે. ચીને મે, 2021માં જ મંગળ ગ્રહ પર પોતાનું ઝુરોન્ગ રોવર ઊતાર્યું હતું. મંગળ પર અમેરિકા પછી કોઈનું રોવર હોય એવો બીજો દેશ ચીન છે (રશિયાએ રોવર મોકલ્યું હતું, પણ એ લેન્ડ થયું એ પછી થોડી સેકન્ડ્સમાં જ એનો સંપર્ક છૂટી ગયો હતો). હવે અમેરિકાએ શુક્ર પર મિશનની જાહેરાત કરી એ પછી એનું પગેરું દબાવીને ચીન પણ શુક્ર વિશે સંશોધન માટે મિશનની જાહેરાત કરે એવી પૂરી શક્યતા છે.{

અન્ય સમાચારો પણ છે...