આપણી વાત:જ્ઞાતિગંગામાં ડૂબકી કોણ મારશે?

વર્ષા પાઠક11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદારો ખરેખર પોતાની જ્ઞાતિ કે પેટાજ્ઞાતિ જોઈને જ મત આપતાં હશે? અને માની લો કે મત આપ્યો, એ ઉમેદવાર જીતી જાય તો એ પછી મારી જ્ઞાતિનો ઉદ્ધાર કરી નાખશે, એવું માનવાનું?

ફિલ્મ એન્ડ વેબસિરીઝ ડિરેક્ટર, ગીતકાર, વાર્તાકાર, અને અત્યંત લોકપ્રિય સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે જાણીતા વરુણ ગ્રોવરે વર્ષ 2019ની સંસદીય ચૂંટણી વખતે એના એક શોમાં લગભગ બધા મોટા રાજકીય પક્ષો અને એમના નેતાઓની મજાક ઉડાવેલી. અત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયે ફરી એ શોની નાની વિડીયો ક્લિપ ફરતી થઇ છે. સ્વાભાવિક રીતે જ એડિટેડ ક્લિપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખીલ્લી ઉડાવતા હિસ્સા પર કતાર ફેરવાઈ ગઈ છે. એનીવે, ગ્રોવરે આ શોમાં કાસ્ટ એન્ડ પોલિટિક્સ વિષે વાત કરેલી. એનું કહેવું હતું કે આપણે ત્યાં ચૂંટણીના સમીકરણમાંથી કાસ્ટ એટલે કે જાતિ-જ્ઞાતિની બાદબાકી કરી નાખો તો ભારતીય મતદાર મૂંઝાઈ જાય. પરેશાન થઈને પૂછે કે હેં, જાતિના આધારે નહીં તો કામના આધારે વોટ આપવાનો હોય? એવું તો કેમ... વાત ભલે રમૂજના સૂરે કહેવાઈ હોય પણ સાચી છે. ભારત ભલે સત્તાવાર ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર કહેવાય, પરંતુ આપણે ત્યાં વર્ષોથી ધર્મ અને રાજકારણની ભેળસેળ થતી આવી છે. પરંતુ દરેક ચૂંટણી વખતે આપણને ફરીથી જ્ઞાન મળે કે મતદારો માટે ધર્મથીયે વધુ મહત્ત્વ આવા સમયે જ્ઞાતિનું હોય છે. સામાન્ય દિવસોમાં ભલે હિન્દુ, મુસ્લિમ,ખ્રિસ્તી વગેરે બધાય ધર્મ-સંપ્રદાયનાં લોકો પોતપોતાના વાડા બાંધીને એકમેક સામે શોરબકોર કરતા હોય. જુદા જુદા રાજકીય પક્ષો પણ સામસામે ઘુરકિયાં કરતા હોય, પણ ચૂંટણી વખતે એક જ સંપ્રદાય કે પક્ષનાં લોકો પણ અંદરોઅંદર એકમેક સામે કાતિલ હરીફાઈમાં ઉતરી પડે. અને એમાં મોટું હથિયાર હોય જ્ઞાતિગૌરવ. હમણાં એક ભાઈને ચૂંટણી લડવા માટે ટિકિટ નહીં મળે એવું લાગ્યું તો એમણે કહી દીધું કે હું ભલે બળવો ન પોકારું, પણ મારી ટિકિટ કપાય એમાં મારા સમાજનાં લોકોને એમનું અપમાન થયાનું લાગશે. એમણે કહ્યું નમ્ર અવાજે પરંતુ એમાં ધમકી હતી કે મારી જ્ઞાતિનાં લોકો બીજા ઉમેદવારને વોટ નહીં આપે. અહીં દૂર બેઠા મને ખબર નથી કે પછી એમનું શું થયું, પણ એટલી ખાતરી છે કે પક્ષના મોવડીમંડળે આ મુદ્દે ગંભીર ચર્ચાવિચારણા કરી જ હશે. અને આવું થાય ત્યારે મને હંમેશાં વિચાર આવે કે કોઈપણ રાજકીય પક્ષ માટે ચૂંટણી વખતે કોને ટિકિટ દેવી, એ નક્કી કરવાનું કેટલું અઘરું હશે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં ચૂંટણી થાય ત્યારે ગુજરાતી ઉમેદવારને જ ટિકિટ અપાય એટલું તો સમજ્યા, પણ પછી એ કઈ જ્ઞાતિના છે, અને એના મતવિસ્તારમાં એ જ્ઞાતિના કેટલા મતદાર છે એની ગણતરી માંડવાની અને જ્ઞાતિમાં પણ કેટલી પેટા જ્ઞાતિ હોય. ધારી લો કે કોઈ સીટ પર પટેલ ઉમેદવારની પસંદગી કરાય, પણ વાત એટલેથી પૂરી ન થાય. એમાં પાછા કડવા, લેઉઆ, કોળી પટેલોમાંથી કોને કેટલું ખોટું લાગી શકે એ જોવાનું. ઘણીવાર આપણા નેતાઓની શૈક્ષણિક લાયકાત વિષે ટીકા-ટિપ્પણો થાય છે. અભણ લોકો ભણેલા પર રાજ કરે છે, એવી ફરિયાદ થાય છે. પણ આ અભણ ગણાતા નેતાઓ પણ ચૂંટણી વખતે જ્ઞાતિઓને લગતા કેવા કેવા અઘરાં કેલ્કયુલેશન્સ કરી શકે છે, એ જુઓ તો એમનાં ગણિતજ્ઞાન વિષે વાહ પોકારી જવાય. હવે બીજો વિચાર એ આવે કે મતદારો ખરેખર પોતાની જ્ઞાતિ કે પેટાજ્ઞાતિ જોઈને જ મત આપતાં હશે? અને માની લો કે મત આપ્યો, એ ઉમેદવાર જીતી જાય તો એ પછી મારી જ્ઞાતિનો ઉદ્ધાર કરી નાખશે, એવું માનવાનું? ઉલટું જ્ઞાતિને આગળ કરીને ટિકિટ મેળવનાર અને પછી જીતી જનાર રાજકારણીએ પછીના દિવસોમાં પોતે જ્ઞાતિવાદમાં માનતા નથી અને દરેક સમાજને સમાન દૃષ્ટિએ જુએ છે, એ પુરવાર કરવા માટે કેટલી મહેનત કરવી પડે છે, એ તો આપણે જોઈએ છીએ. અર્થાત આપણા ગણાતા જ્ઞાતિબંધુ કે ભગિનીને ટિકિટ મળે, કે એ જીતી જાય ત્યારે જ્ઞાતિગૌરવના નામે ખુશ થવાનું. ઘણી જ્ઞાતિઓમાં ‘જ્ઞાતિગંગા’ શબ્દ વપરાય છે. અને આપણો ગંગાપુત્ર જીતી જાય તો આનંદ થવો સ્વાભાવિક છે, પણ થોડા સમય બાદ વિચાર આવે કે આપણી ગંગામાં કોણ હાથ ધોઈ ગયું? પછી વારતહેવારે ફરિયાદ કરવાની કે આપણા માણસે આપણાં માટે તો કંઈ કર્યું નહીં. પણ બીજીવાર ચૂંટણીની જાહેરાત થાય એટલે પાછાં જ્ઞાતિગીતો ગાવા માટે તૈયાર.⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...