તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીવાન-એ-ખાસ:કોરોનાની આગાહીના ગપગોળા કોણ રોકશે?

3 મહિનો પહેલાલેખક: વિક્રમ વકીલ
  • કૉપી લિંક
  • હમણાંના સમયમાં તો દેશના નામી જ્યોતિષીઓ પણ કોરોનાની આગાહી કરવાથી દૂર રહે છે, ત્યારે કોઈપણ ઐરોગૈરો સમાચારમાં પોતાનું નામ ચમકાવવા ઠોકમઠોક કરતો રહે છે!

શેરબજાર અને ઇન્વેસ્ટમેન્ટ સાથે સંકળાયેલાં બધાંને રાકેશ ઝુનઝુનવાલાનું નામ ખબર જ હશે. શેરબજારમાં ઇન્વેસ્ટ કરનારાંઓ માટે રાકેશ ઝુનઝુનવાલાની સલાહ બ્રહ્મવાક્ય ગણાય છે. તેમણે હમણાં અર્ધમજાકમાં એવું કહ્યું કે કોરોનાની ત્રીજી વેવ આવવાની કોઈ શક્યતા નથી. આ બાબતે તેઓ કોઈની પણ સાથે શરત મારવા તૈયાર છે. શરતમાં તેઓ પોતાની તમામ મિલકતો પણ લગાવી દેવા તૈયાર છે! રાકેશ ઝુનઝુનવાલાએ તો આ વાત કદાચ અર્ધમજાકમાં કરી હશે, પરંતુ એમની હકારાત્મકતા બાબતે તો એમને દાદ આપવી પડે. બધાં જ જાણે છે કે ઝુનઝુનવાલા કોઈ વાઈરોલોજિસ્ટ કે નિષ્ણાત નથી. એટલે એમની કોઈપણ રોગ બાબતની આગાહીને ગંભીરતાથી લઈ શકાય પણ નહીં. છેલ્લા થોડાક દિવસોથી કોરોનાની ત્રીજી વેવ વિશે આગાહી કરનારાઓમાં, જેઓ વાઈરોલોજિસ્ટને પણ નહીં જાણતા હોય કે વૈજ્ઞાનિક પણ નહીં હોય એમણે પણ વહેતી ગંગામાં હાથ ધોઇને બેફામ આગાહીઓ કરી છે. આપણે બધાં જાણીએ છીએ કે બેન્કરોને વાઈરોલોજી કે વિજ્ઞાન સાથે ભાગ્યે જ કોઈ લેવાદેવા હોય છે. આમ છતાં થોડા દિવસો પહેલાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના અધિકારીઓનાં નામે એવી આગાહી કેટલાંક મીડિયામાં પ્રકાશિત થઈ હતી કે કોરોનાની ત્રીજી વેવ 98 દિવસ ચાલશે અને એ અગાઉની બંને વેવ કરતાં ફલાણા ગણી વધારે ઘાતક હશે. આ સમાચાર બહાર આવ્યાને આજે લગભગ બે અઠવાડિયાં થઈ ગયાં હશે, પરંતુ કોઈ સરકારી તંત્રએ કે જવાબદાર વ્યક્તિએ બેન્કના અધિકારીઓને પૂછ્યું નથી કે કયા વૈજ્ઞાનિક રિસર્ચને આધારે એમણે આ આગાહી કરી હતી? બીજી વાત, દુનિયાનો કોઈપણ નિષ્ણાત, કોરોનાની કોઈપણ વેવ ચોક્કસપણે કેટલા દિવસ રહેવાની છે એ આગાહી કઈ રીતે કરી શકે? એસબીઆઇના અતિઉત્સાહી અધિકારીઓએ 97 નહીં, 99 પણ નહીં, પરંતુ ચોક્કસ 98 દિવસ સુધી જ કોરોનાની વેવ રહેશે એવી આગાહી કરી નાખી અને બધાંએ માની પણ લીધી! એ જ રીતે આઇઆઇટી (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી) કાનપુરના પ્રોફેસર રાજેશ રંજન અને મહેન્દ્ર વર્માએ કોરોનાની ત્રીજી વેવ વિશે એવી આગાહી કરી છે કે આવતા સપ્ટેમ્બર–ઓક્ટોબર મહિનામાં કોરોનાની ત્રીજી વેવ ચરમસીમાએ હશે. આ જ કહેવાતા સંશોધકોએ ત્રીજી વેવ સંબંધે કેટલીક સંભાવનાઓ પણ વ્યક્ત કરી નાખી છે! આઇઆઇટીના આ પ્રોફેસરો વાઈરોલોજિસ્ટ કે કોરોના નિષ્ણાત ક્યાંથી બની ગયા? આપણા દેશની કમનસીબી છે કે દેશના કોઈપણ રાજ્યના ખૂણેથી કોઈ પણ વ્યક્તિ બકવાસ જેવી આગાહી કરી નાખે છે અને કેટલાંક એને બ્રહ્મવાક્ય માનીને એ આગાહીનો ફેલાવો કરે છે. આગાહી નકારાત્મક હોય તો લોકોમાં કારણ વગર ડર ફેલાઈ જાય છે. બીજા કોઈપણ દેશમાં આ પ્રકારની ખોટી આગાહીઓ કરનારની સામે કાયદાકીય પગલાં લઈને એમને જેલ ભેગાં કરી દેવામાં આવે! હમણાંના સમયમાં તો દેશના નામી જ્યોતિષીઓ પણ કોરોનાની આગાહી કરવાથી દૂર રહે છે, ત્યારે કોઈપણ ઐરોગૈરો સમાચારમાં પોતાનું નામ ચમકાવવા ઠોકમઠોક કરતો રહે છે! સામાન્ય માણસ તો સમજ્યા, પરંતુ સરકારમાં ઉચ્ચ હોદ્દા પર બેઠેલા પણ આવી જ આગાહીઓના ભરોસે પોતાના નિવેદન તૈયાર કરાવતા હોય છે. જે રીતે અમદાવાદથી મુંબઈ ફુલ સ્પીડમાં જતી મોટરને ભરૂચ નજીક જ અકસ્માત થશે એવી આગાહી કરવાનું શક્ય બને નહીં એ જ રીતે કોરોનાની ત્રીજી વેવ કઈ તારીખે આવશે અને કયા દિવસે એ સમાપ્ત થશે એ કહેવું નર્યું બેવકૂફી જ નહીં ગુનાહિત પણ છે!⬛ vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...