તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીવાન-એ-ખાસ:કોંગ્રેસની ડૂબતી નાવ કોણ બચાવશે?

એક મહિનો પહેલાલેખક: વિક્રમ વકીલ
 • કૉપી લિંક
 • રાહુલે કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારીને અપરિપક્વ એપ્રોચથી લીધી. કોંગ્રેસ છોડી ગયેલા નેતા ટોમ વડક્કને કહ્યું હતું એમ ‘જો તમારો નેતા તમને સત્તા અપાવી નહીં શકે તો રાજકારણીઓ એવા નેતાને છોડી જાય એમાં કોઈ નવાઈ નથી.’

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ’ ડૂબી રહી છે એ બાબતે ખુદ કોંગ્રેસીઓને પણ શંકા નથી. પાંચ અગત્યના રાજ્યોની ચૂંટણી માથા પર તોળાઈ રહી છે. પોંડેચરી જેવા નાના રાજ્યો સિવાય બીજા રાજ્યોમાં કોંગ્રેસની જીત વિશે કોઈ સ્વપ્નમાં પણ વિચારી શકતું નથી. ગુજરાતમાં સ્થાનિક પંચાયતો અને પાલિકાઓની ચૂંટણી પણ બહુ દૂર નથી. આમ છતાં આ લખાય છે ત્યાં સુધી કોંગ્રેસના યુવરાજ, ડી ફેક્ટો પ્રમુખ, રાહુલ ગાંધી ઇટાલીમાં રજાની મજા માણી રહ્યા છે. લાંબી બીમારીથી ખાટલા પર પડેલી કોંગ્રેસની સારવાર ગાંધી કુટુંબ પણ કરી શકતું નથી કે ગાંધી કુટુંબ સિવાયના નેતાઓ પણ કરી શકતા નથી. એમ લાગે છે કે જાણે ભાજપના સંગઠિત પાવર સામે કોંગ્રેસે શરણાગતિ સ્વીકારી લીધી છે.

કોંગ્રેસને લાગેલી ઉધઇ કોઈ નવી વાત નથી. છેલ્લાં 6 વર્ષથી કેન્દ્રમાં અને 25 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસે લડાયક ક્ષમતા જ ગુમાવી દીધી છે. લોકસભામાં હમણાં ભાજપના 303 જેટલા સાંસદોમાંથી 31 જેટલા સાંસદો અગાઉ કોંગ્રેસમાં હતા. 2015થી 2020 સુધીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા 120 જેટલા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. મોદીના વાવાઝોડાને કારણે 2014માં ફક્ત 44 બેઠકો મેળવી શકનાર કોંગ્રેસે 2019માં પણ ખાસ ઉકાળ્યું નહોતું. જ્યોતિરાદિત્ય સિંધિયાને સાચવી નહીં શકવાને કારણે 2018માં મધ્યપ્રદેશમાં મેળવેલી સત્તા પણ કોંગ્રેસે ગુમાવવી પડી. રાજસ્થાનમાં પણ કોંગ્રેસ કેટલો સમય સત્તા ટકાવી રાખશે એ કોઈ ખાતરીથી કહી શકે એમ નથી. 2019માં કર્ણાટકના 13 જેટલા કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કરીને ભાજપને સત્તા પર બેસાડી દીધું. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગોવા અને મણિપુરમાં નંબર 1 પક્ષ તરીકે ચૂંટાઈને આવ્યા છતાં પણ રાજકીય દાવપેચ રમીને ભાજપે સત્તા ગ્રહણ કરી. બિહારમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં નીતીશકુમારને પોતાની તરફ લાવવામાં પણ કોંગ્રેસ નિષ્ફળ ગયું. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર અને તામિલનાડુ જેવા રાજ્યોની 249 બેઠકોમાંથી કોંગ્રેસે ફક્ત 12 બેઠકો જ જીતી હતી. આ જ રાજ્યોની 1462 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસે ફક્ત 130 બેઠકો જીતી. આંધ્રપ્રદેશ, દિલ્હી, ત્રિપુરા, સિક્કીમ અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાં કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય ચૂંટાયો નથી. ફક્ત મહારાષ્ટ્રમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના ટેકાથી કોંગ્રેસ ગઠબંધન સરકારમાં છે.

પક્ષના ટ્રબલશૂટર અને કોંગ્રેસને સંકટમાંથી હંમેશાં બહાર કાઢનાર અહમદ પટેલના અવસાન પછી કોંગ્રેસ સુકાની વગરની નાવની જેમ આમથી તેમ ફંગોળાઈ રહી છે. કોંગ્રેસ એક અજીબ પ્રકારની અસમંજસમાં છે. પ્રમુખપદે જો ગાંધી કુટુંબમાંથી કોઈ નહીં હોય તો કોંગ્રેસના અસંખ્ય ટૂકડા થઈ જવાની બીક લાગે છે અને બીજી તરફ ગાંધી કુટુંબ હવે કોંગ્રેસને બચાવી શકે એવી સ્થિતિમાં નથી. રાહુલ ગાંધીને વારંવાર કોંગ્રેસે લોન્ચ કર્યા. 50 વર્ષની ઉંમરે પણ રાહુલ ગાંધીને યુવા નેતા તરીકે પ્રોજેક્ટ કર્યાં. કોંગ્રેસના લગભગ તમામ સિનિયર નેતાઓએ રાહુલ ગાંધીને પોતાના નેતા તરીકે સ્વીકારી લીધા હતા, પરંતુ જો જણનારીમાં જ જોર નહીં હોય તો સુયાણી શું કરે? રાહુલ ગાંધીએ પોતાનો હોદ્દો ક્યારેય ગંભીરતાથી લીધો નહોતો. 2004 અને 2009ની લોકસભા ચૂંટણી કોંગ્રેસ જીતી શકી હતી, એનું કારણ એ હતું કે અહમદ પટેલ, પ્રણવ મુખર્જી અને ચિદમ્બરમ જેવા નેતાઓએ ચૂંટણીની વ્યૂહરચના ઘડી હતી. જોકે, એ વખતે વિપક્ષી નેતા તરીકે અડવાણી હોવાને લીધે પણ કોંગ્રેસ માટે સરળતા રહી હતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે નરેન્દ્ર મોદી સાથે પનારો પાડવાનો હતો. નરેન્દ્ર મોદીની હિંદુવાદી નેતા તરીકે ઊભી થયેલી છાપને કારણે દેશ આખામાં તેઓ લોકપ્રિય હતા. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ વધુ પડતા આત્મવિશ્વાસમાં હતા અને એવું માનતા હતા કે ‘કોમવાદી’ નરેન્દ્ર મોદીને કદી લોકો વડાપ્રધાન તરીકે પસંદ નહીં કરે. 2014ની ચૂંટણીનું સુકાન રાહુલ ગાંધીએ પોતાના હાથમાં રાખ્યું હતું. રાહુલ ગાંધીના ચમચાઓ એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસીને કમ્પ્યૂટર દ્વારા જ આખી ચૂંટણીની સ્ટ્રેટેજી નક્કી કરતા હતા. અહમદ પટેલ અને પ્રણવ મુખર્જી જેવા સિનિયર નેતાઓને અવગણવામાં આવ્યા. પરિણામે કોંગ્રેસનું ધોવાણ થઈ ગયું.

કોંગ્રેસ એ વાત સ્વીકારી શકી નથી કે ભારતમાં હવે ચૂંટણી અમેરિકાના પ્રમુખપદની જેમ લડાય છે. જો નેતામાં દમ નહીં હોય તો લોકો એનો સ્વીકાર કરતા નથી અને છેવટે નુકસાન પક્ષને થાય છે. નરેન્દ્ર મોદી 24x7 રાજકારણી છે. સંઘના પ્રચારક રહ્યા હોવાના કારણે ભાજપમાં સંપૂર્ણ સમયનો હોદ્દો સ્વીકારતા પહેલાં તેઓ સામાન્ય કાર્યકર્તાઓ સાથે રહીને ઘડાયા છે. મોદીના દુશ્મનો પણ કબૂલ કરે છે કે રાજકીય વ્યૂહરચનામાં રાહુલ ગાંધી તો શું, મોદીને કોઈ પહોંચી નહીં શકે.

બીજી તરફ રાહુલ ગાંધીએ કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારીને સાવ જ અપરિપક્વ એપ્રોચથી લીધી. કોંગ્રેસ છોડી ગયેલા સિનિયર નેતા ટોમ વડક્કને એક વખત કહ્યું હતું એમ ‘જો તમારો નેતા તમને સત્તા અપાવી નહીં શકે તો રાજકારણીઓ એવા નેતાને છોડી જાય એમાં કોઈ નવાઈ નથી.’ 2019માં ચૂંટણીની હાર પછી રાહુલ ગાંધીએ પક્ષપ્રમુખ તરીકે રાજીનામુ તો આપ્યું, પરંતુ ત્યાર પછીનો એમનો વ્યવહાર પણ તેઓ જાણે પક્ષના પ્રમુખ હોય તેવો જ રહ્યો છે. એમના અંગત વર્તુળના ત્રણ-ચાર જણને બાદ કરતા તેઓ કોંગ્રેસના સિનિયર નેતાઓને પણ મળતા નથી. ભૂતકાળમાં ‘પપ્પુ’ તરીકે ચોંટી ગયેલી ઇમેજને સુધારવા માટે એમણે કોઈ પ્રયત્ન કર્યા નથી. તેઓ હજી પણ બોલવામાં એટલા બધા છબરડા વાળે છે કે જાહેરમાં એના પર જોક્સ બને છે. ગંભીર રાજકીય મુદ્દાને પકડી લેવાની ક્ષમતા પણ એમનામાં નથી. અદાણી–અંબાણી, ચોકીદાર ચોર હૈ... જેવા નિષ્ફળ ગયેલા મુદ્દાઓને પણ તેઓ પકડી રાખે છે. મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસે ત્રીજા કે ચોથા સ્થાનના પક્ષ તરીકેની પોઝીશન સ્વીકારી લઈને સંતોષ માનવો પડે છે. અખિલેશ યાદવ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે કે મમતા બેનર્જી અને માયાવતી જેવા નેતાઓ પણ કોંગ્રેસને દબાવી શકે છે. 2014ની હાર પછી સિનિયર કોંગ્રેસ નેતા એ કે એન્ટોનીએ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે ‘કોંગ્રેસની ઇમેજ હિંદુ વિરોધી જેવી થઈ જવાને કારણે લોકોએ કોંગ્રેસને નકારી છે.’ કોંગ્રેસની હાર માટે બીજા પણ કારણો આ રિપોર્ટમાં આપવામાં આવ્યા હતા. 6 વર્ષ પછી પણ કોંગ્રેસે આ રિપોર્ટ પર કોઈ મનોમંથન કર્યું નથી. પક્ષ હિંદુ વિરોધી નહીં હોવા છતાં લોકોમાં ઊભી થયેલી આવી ઇમેજ દૂર કરવા શું કરવું એની ખબર પણ કોંગ્રેસના સિનિયર નેતાઓને નથી. રાહુલ વિદેશમાં છે, સોનિયા ગાંધી બીમાર છે અને બીજા કોઈ નેતાઓ પાસે સત્તા નથી. ત્યારે કોંગ્રેસની ડૂબતી નાવ કોણ બચાવશે એનો જવાબ તો કદાચ ભગવાન પાસે પણ નહીં હોય! vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો