દીવાન-એ-ખાસ:કોંગ્રેસની ડૂબતી હોડીને કોણ બચાવશે?

વિક્રમ વકીલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસની નાવ ડૂબી રહી છે એ બાબતે તો કટ્ટર કોંગ્રેસીઓને પણ શંકા નથી. કેટલાક રાજકીય નિરીક્ષકોના મતે કોંગ્રેસના પતનની શરૂઆત 2014ની લોકસભા ચૂંટણી વખતથી થઈ ગઈ હતી. જોકે, આ નિરીક્ષણ પણ સંપૂર્ણ સાચું નથી. ખરેખર તો કોંગ્રેસનું કોફિન 2011થી જ તૈયાર થવા માંડ્યું હતું. શા માટે કોંગ્રેસના વફાદાર નેતાઓ એકાએક કોંગ્રેસથી વિમુખ થવા માંડ્યા એ જાણવું હોય તો એક સંપૂર્ણ પુસ્તક લખવું પડે. થોડા ફ્લેશબેકમાં જઈએ. તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ જ્યારે વિદેશ પ્રવાસે હતા ત્યારે રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સમાં એમના ચમચાઓ સાથે આવીને યુપીએ સરકારના એક વિધેયકને જાહેરમાં ફાડી નાંખ્યો હતો. આ ડ્રામાબાજીથી મોટા ભાગના કોંગ્રેસીઓ ચોંકી ગયા હતા. કોંગ્રેસની કોર કમિટીના નિર્ણય પછી જ આ વિધેયક પસાર કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ સસ્તી લોકપ્રિયતા માટે જે નાટકબાજી કરી એનાથી કોંગ્રેસની ઘોર ખોદાવાની શરૂઆત થઈ ગઈ હતી. સૌથી અગત્યની વાત એ છે કે રાહુલ ગાંધીને જ્યારે કોંગ્રેસની કમાન્ડ સોંપવામાં આવી ત્યારે (અને આજે પણ) રાહુલ ગાંધીની રાજકીય યોગ્યતા કેટલી છે, એ વિચારવામાં આવ્યું હતું ખરું? ફક્ત પુત્રપ્રેમને કારણે સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીને પ્રમોટ કર્યા હતા. સોનિયા ગાંધીની નજીકની વ્યક્તિઓ સમજતી હતી કે રાહુલ ગાંધીમાં કોઈ દમ નથી. એમનામાં ન તો નિર્ણય લેવાની ક્ષમતા છે કે ન તો યોગ્ય સમયે યોગ્ય વાત કરવાની! ગુલામનબી અઝાદથી માંડીને કપિલ સિબ્બલ સુધીના બધા નેતાઓ જાણતા હતા કે સોનિયા ગાંધી જો નિવૃત્તિ લેશે અને રાહુલ ગાંધીના હાથમાં કોંગ્રેસ ચલાવવાની જવાબદારી આવશે તો યોગ્ય થવાનું નથી. અટલબિહારી વાજપેયીની એનડીએ સરકારને હરાવીને 2004ના વર્ષમાં યુપીએએ કેન્દ્રમાં સરકાર બનાવી. 2004ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી સફળતા પાછળ અહેમદ પટેલ જેવા સિનિયર નેતાઓનો ખૂબ મોટો ફાળો હતો. સોનિયા ગાંધીએ વડાપ્રધાન નહીં બનવું જોઇએ અને કોઈ બિન વિવાદાસ્પદ વ્યક્તિને વડાપ્રધાન બનાવવા જોઇએ એનો નિર્ણય કોંગ્રેસની કોર કમિટીએ લીધો હતો. યુપીએ-1ની સરકાર વખતે તો બધું ઠીક ઠીક ચાલ્યું. 2009માં ફરીથી યુપીએની સરકાર સત્તામાં આવી ત્યારે શરૂઆતના સમયમાં તો કોઈ તકલીફ નહોતી. તકલીફ શરૂ થઈ રાહુલ ગાંધીની વધતી ચંચુપાત પછી. અનુભવે પણ રાહુલ ગાંધી સુધર્યા નહીં. કૂવામાં જ નહોતું તો હવાડામાં ક્યાંથી આવે! ભારતીય રાજકારણને સમજવાની કોઈ કોઠાસૂઝ રાહુલ ગાંધીમાં નહોતી. અહેમદ પટેલ જ્યાં સુધી સત્તાના કેન્દ્રમાં હતા ત્યાં સુધી એમણે કોંગ્રેસના બીજા સિનિયર નેતાઓ અને રાહુલ ગાંધી વચ્ચે બફર તરીકે કામ કર્યું હતું. 2011 પછી ધીમે ધીમે રાહુલ ગાંધીની કારણ વગરની દખલગીરીને કારણે કોંગ્રેસના સિનિયર નેતાઓ વિમુખ થવા માંડ્યા હતા. રાહુલ ગાંધીએ અહેમદ પટેલ ઉપરાંત પ્રણવ મુખર્જી જેવા નેતાઓને પણ પોતાના અસંતુલિત નિર્ણયોનો ભોગ બનાવ્યા હતા. સોનિયા ગાંધીની દરેક નજીકની વ્યક્તિને રાહુલ ગાંધી શંકાની નજરે જોતા હતા. 2012ના વર્ષમાં જ્યારે અન્ના હજારેનું આંદોલન ચરમસીમાએ હતું ત્યારે આંદોલન સામે કાઉન્ટર એટેક કરવા માટેની કોઈ સ્ટ્રેટેજી રાહુલ ગાંધી પાસે નહોતી. સોનિયા ગાંધીના માતૃપ્રેમ સામે કોંગ્રેસના સિનિયર નેતાઓ કંઈ કરી શકે એમ નહોતા. સચિન પાઈલટ, જ્યોતિરાદિત્ય સિંધિયા, મિલિન્દ દેવરા... જેવા પ્રતિભાશાળી યુવાન નેતાઓને પણ ઇર્ષ્યા અને અસલામતીને કારણે રાહુલ ગાંધીએ દૂર કરી દીધા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કોઈ લોકશાહી પક્ષના નેતાઓને બદલે રાજાશાહીના રાજકુમાર અને રાજકુમારીની જેમ વર્તન કર્યે રાખ્યું. 2019ની લોકસભાની ચૂંટણીમાં અને ત્યાર પછીની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના સતત થઈ રહેલા ધોવાણ પછી કોઈ પ્રતિભાશાળી નેતાને શોધવામાં આવ્યા નહીં. હવે જ્યારે એક પછી એક સિનિયર નેતાઓ કોંગ્રેસને ગુડબાય કરી રહ્યા છે ત્યારે હતાશ થઈ ગયેલો ગાંધી પરિવાર નિર્ણય લઈ શકતો નથી. કોંગ્રેસને બચાવવા માટે રાહુલ–પ્રિયંકા ચાલી શકે એમ નથી ત્યારે કોંગ્રેસની ડૂબતી હોડીને બચાવવા નેતા ક્યાંથી શોધવો?⬛ vikramvakil rediffmail.com

અન્ય સમાચારો પણ છે...