બ્લેક એન્ડ વ્હાઈટ:કોણ છે આ જમાલ ખાશોગી?

આશુ પટેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેના ખૂનને કારણે સાઉદી અરેબિયાએ અમેરિકા સામે બાંયો ચડાવી છે અને આપણાં ખિસ્સાં ખાલી થઈ શકે એમ છે એવા સાઉદી પત્રકાર વિષે થોડી રસપ્રદ, રોમાંચક અને રહસ્યમય વાતો

સાઉદી અરેબિયાના એક પત્રકારના ખૂનને કારણે સાઉદી અરેબિયા અને અમેરિકા સામસામે આવી ગયા છે અને પેટ્રોલનું ઉત્પાદન વધારવા-ઘટાડવા માટે જાહેર થયા વિનાનું આર્થિક યુદ્ધ શરૂ થઈ ગયું છે અને એ સ્થિતિ કદાચ વાસ્તવિક યુદ્ધ તરફ પણ ઘસડી જઈ શકે એમ છે. એ પત્રકાર એટલે જમાલ અહમદ ખાશોગી. એ પત્રકાર જીવતો હતો ત્યારે પણ વિવાદમાં ઘેરાયો હતો અને તેના ખૂન પછી તો અકલ્પ્ય વિવાદ થયો. ખાશોગી વિષે દુનિયાભરનાં મીડિયામાં ઘણું લખાઈ રહ્યું છે અને ટીવી ચેનલ્સ પર પ્રસારિત થઈ રહ્યું છે ત્યારે તેના અને તેના કુટુંબના છેડા ભારતના અંડરવર્લ્ડથી માંડીને બ્રિટનના શાહી કુટુંબ સુધી કઈ રીતે પહોંચતા હતા એ વિષે થોડી રસપ્રદ, રોમાંચક અને રહસ્યમય વાતો જાણવા જેવી છે. જમાલ ખાશોગીનો જન્મ 13 અૉક્ટોબર, 1958ના દિવસે સાઉદી અરેબિયાના મદીના શહેરમાં થયો હતો. તેમના દાદા મહમ્મદ ખાશોગી ડૉક્ટર હતા. તેઓ તુર્કીના વતની હતા અને સાઉદી અરેબિયાના રાજા અબ્દુલઅઝીઝ અલ સાઉદના પર્સનલ ડૉક્ટર હતા. એક સમયમાં શસ્ત્રસોદાગર તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત (ખરેખર તો કુખ્યાત!) બનેલા અદનાન ખાશોગી જમાલ ખાશોગીના કાકા થાય અને જમાલ ખાશોગીનાં ફઈ સમીરા ખાશોગી સુધારાવાદી સાઉદી અરેબિયન લેખિકા હતાં. તેમણે લંડનના વિખ્યાત ‘હેરોડ્સ’ સ્ટોર થકી જગવિખ્યાત બનેલા ઇજિપ્શિયન બિલિયોનેર મોહમ્મદ અલ;ફાયેદ સાથે લગ્ન કર્યાં હતાં. સમીરા મોહમ્મદ ફાયેદના પ્રથમ પત્ની હતાં. તે બંનેનો દીકરો હતો ડોડી ફાયેદ. એટલે કે જમાલ ખાશોગી અને ડોડી કઝીન (મામા-ફઈના દીકરા) હતા. ડોડી ઇજિપ્શિયન ફિલ્મ પ્રોડ્યુસર તરીકે થોડો જાણીતો હતો, પણ 1997માં બ્રિટનના શાહી પરિવારનાં પુત્રવધૂ એટલે કે પ્રિન્સ ચાર્લ્સના પત્ની, પ્રિન્સેસ ઓફ વેલ્સ લેડી ડાયેના સાથે તેના લવ અફેરને કારણે તે ડાયેનાના પ્રેમી તરીકે વધુ જાણીતો થયો અને 31 ઓગસ્ટ, 1997ના દિવસે તેને આખી દુનિયા ઓળખતી થઈ ગઈ હતી (એ દિવસે તે પ્રિન્સેસ ડાયેના સાથે પેરિસમાં પાપારાઝીઓથી (પીછો કરનારા ફોટો જર્નલિસ્ટ્સથી) બચવા માટે મર્સિડીઝ કારમાં અકલ્પ્ય ઝડપે પ્રવાસ કરી રહ્યો હતો એ વખતે તેમની કારનો એક ટનલમાં ભયંકર અકસ્માત થયો હતો અને પ્રિન્સેસ ડાયેના સાથે તે કમોતે માર્યો ગયો હતો. એ પછી તેના પિતા મોહમ્મદ ફાયેદે આક્ષેપ કર્યો હતો કે બ્રિટિશ જાસૂસી સંસ્થા એમઆઈસિક્સના એજન્ટ્સે મારા દીકરા અને ડાયેનાની હત્યા કરાવી છે!) અમેરિકાને અત્યારે જમાલ ખાશોગી પર બહુ વહાલ ઊભરાય છે, પણ તેઓશ્રી પ્રાંત;સ્મરણીય કહેવાય એવા સજ્જન કે દૈવી પુરુષ નહોતા. તેઓ વિદેશ રહેતા ત્યારે તેમના પર એવા આક્ષેપો થયા હતા કે તેઓ સાઉદી અરેબિયાના જાસૂસ તરીકે કામ કરતા હતા. જમાલ ખાશોગીનો સંબંધ આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઓસામા બિન લાદેન સાથે પણ હતો. એક તબક્કે ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેન અને સાઉદીના શાહી પરિવાર વચ્ચે વાંધો પડ્યો હતો ત્યારે ખાશોગીએ સાઉદીના શાહી પરિવાર અને લાદેન વચ્ચે સમાધાન કરાવ્યું હતું! જમાલ ખાશોગીએ જ ઓસામા બિન લાદેનનો પ્રથમ ઈન્ટરવ્યૂ કર્યો હતો (અને એ પછી તેમણે લાદેનના ઘણા ઇન્ટરવ્યૂઝ કર્યા હતા. એંસીના અને નેવુંના દાયકા દરમિયાન તેઓ લાદેનના ઇન્ટરવ્યૂઝ કરવા માટે અનેક વાર અફઘાનિસ્તાનના પૂર્વ વિસ્તારની ‘તોરા બોરા’ ગુફાઓમાં ગયા હતા. એ વિસ્તારમાં અફઘાની મુજાહિદ્દીનોનો અડ્ડો હતો. એ સમયમાં અફઘાની મુજાહિદ્દીનો રશિયા સામે લડતા હતા અને તેમને સાઉદી અરેબિયાથી માંડીને અમેરિકા સુધીનું પીઠબળ મળતું હતું. ખાશોગી સાઉદીની ઇન્ટેલિજન્સ એજન્સીની મદદથી લાદેન સુધી પહોંચતો હતો. એક વાર લાદેને ખાશોગીને ઇન્ટરવ્યૂ આપવા માટે સુદાન પણ બોલાવ્યા હતા). ખાશોગીએ લીધેલા ઇન્ટરવ્યૂઝ થકી દુનિયા ઓસામા બિન લાદેનને ઓળખતી થઈ હતી. લાદેને અમેરિકા પરના 9/11ના આતંકવાદી હુમલા પહેલાં (અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ફૂંકી મારતા અગાઉ) ખાશોગીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘હું અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ફૂંકી મારવાનો છું.’ જોકે ત્યારે ખાશોગીએ લાદેનની વાતને ગંભીરતાથી લીધી નહોતી. અને પછી લાદેને ખરેખર અમેરિકા પર આતંકવાદી હુમલો કરાવ્યો એ પછી જમાલ ખાશોગીને (તેમના કહેવા પ્રમાણે) અફસોસ થયો હતો કે મેં લાદેનની વાતને ગંભીરતાથી ન લીધી એને કારણે હું પણ આડકતરી રીતે એ હુમલાઓ માટે નિમિત્ત બન્યો. એ પછી જમાલ ખાશોગીને ખબર પડી હતી કે લાદેને અમેરિકામાં આતંકવાદી હુમલો કરાવ્યો એમાં સાઉદી અરેબિયાના શાહી પરિવારે તમામ પ્રકારની મદદ કરી હતી. એને કારણે (તેના કહેવા પ્રમાણે) તેણે ઓસામા બિન લાદેન તથા સાઉદી અરેબિયાના શાહી પરિવાર સાથેના સંબંધો પર અંત આણી દીધો હતો અને તેણે અમેરિકાને સાઉદી અરેબિયાના શાહી પરિવાર વિરુદ્ધ પુરાવાઓ આપ્યા હતા. ખાશોગી સાઉદીમાં ‘અલ આરબ ન્યૂઝ’માં એડિટર ઇન ચીફ અને ‘અલ વતન’ દૈનિકના તંત્રી હતા. અને પ્રિન્સ સલમાન સાથે તેમના અંગત સંબંધો હતા. પ્રિન્સ સલમાનને તેઓ સમર્થન પણ આપતા હતા. પરંતુ ઓસામા બિન લાદેને કહ્યું કે અમેરિકા પર આતંકવાદી હુમલો કરવા માટે શાહી પરિવારે અને પ્રિન્સ સલમાને મને મદદ કરી હતી એ બધું ખાશોગીએ મીડિયામાં જાહેર કર્યું એટલે ખાશોગી અને સાઉદીના પ્રિન્સ સલમાન વચ્ચે દુશ્મની થઈ ગઈ હતી. અને એ દુશ્મનીના પરિણામરૂપે 2 ઑક્ટોબર, 2018ના દિવસે ખાશોગીને ટૉર્ચર કરીને મારી નખાયો અને તેના શરીરના ટુકડા કરી દેવાયા! જે માણસના ખૂન પછી જામેલા પાવરવોરને કારણે દુનિયાભરમાં પેટ્રોલના ભાવમાં ભડકો થઈ શકે એમ છે અને આખી દુનિયામાં તંગ વાતાવરણ ઊભું થઈ શકે એવી શક્યતા છે એ માણસ વિષે એક લેખમાં વાત કરવી મુશ્કેલ છે એટલે વધુ વાત આવતા અઠવાડિયેે કરીએ.{

અન્ય સમાચારો પણ છે...