દર વર્ષે રંગેચંગે ઊજવાતો ઉત્તરાયણનો તહેવાર હવે ચાર્મ ગુમાવી રહ્યો છે, એવું લગભગ દરેક માની રહ્યાં છે. કોરોનાને કારણે બે વર્ષ ફિક્કી રહેલી ઉત્તરાયણ આ વખતે ડબલ ઉત્સાહથી ઊજવાશે એમ બધાં માનતાં હતાં, પરંતુ બન્યું એનાથી વિપરીત જ. જોખમી ગણાતા કાચ માંજેલા દોરા ઘાતક નીવડી શકે છે એની ના નહીં. બહુ તેજ અને ધારદાર દોરાથી પતંગ ચગાવતાં પહેલાં સો વાર વિચારવું જોઇએ એ પણ એટલું જ સાચું,
પરંતુ આ વખતે પતંગ ચગાવવા વિરોધી જે કેમ્પેઇન ચાલ્યું એની અસર યુવાનો પર ખાસ જોવા મળી. થોડાં વર્ષો પછી કદાચ ફટાકડા વગરની દિવાળીની જેમ, પતંગ વગરની ઉત્તરાયણનાં સૂત્ર પણ ગાજવા માંડે તો નવાઈ નહીં. ખાસ કરીને લિબરલ ગણાતી પ્રજા દરેક હિન્દુ તહેવાર વખતે એકદમ સતર્ક થઈ જાય છે. દિવાળી અને ઉત્તરાયણ જેવા તહેવારોએ એમનો સૂઈ રહેલો પ્રાણીપ્રેમી આત્મા જાગી ઊઠે છે. હા, એ અલગ વાત છે કે, જે તહેવારોમાં અસંખ્ય બકરા-મરઘા કપાય છે એની સામે કેમ્પેઇન ચલાવવાની હિંમત તેઓ કરી શકતાં નથી!
દિવાળીની વાત જ લઈએ. આજથી દસ વર્ષ પહેલાં દિવાળીના તહેવાર વખતે લાઇટિંગ, દીવા કે રંગોળી ઉપરાંત ફટાકડા ફોડવા એ મસ્ટ ગણાતું હતું. દેશની ગ્રીન ટ્રિબ્યુનલો, પ્રાણી પ્રેમીઓ અને કટ્ટર ડાબેરીઓ, ફટાકડા વિરુદ્ધ આંદોલન ચલાવીને પ્રતિબંધિત કરીને જ જંપ્યા.
જે ચિબાવલાઓ એમ કહે છે કે દિવાળીમાં ફટાકડા ફોડવાથી પ્રદૂષણ વધે છે, એમાંથી ઘણાં પોતાની ડીઝલ મોટરકારોનો બેફામ વપરાશ કરતા ખચકાતાં નથી. સરકારો અને ન્યાયતંત્ર પણ આવા ફેશનેબલ ચળવળીયાઓને ધ્યાનથી સાંભળે છે. આપણા દેશમાં જ નહીં વિશ્વ આખામાં સિઝનલ પર્યાવરણ પ્રેમીઓની ખોટ નથી. મુંબઈ જેવાં શહેરોમાં ખૂબ જરૂરી એવી મેટ્રો ટ્રેન સેવા માટે જ્યારે વૃક્ષો કાપવા જરૂરી બને છે ત્યારે એમને સામાન્ય મુંબઈવાસી કરતાં થોડાં વૃક્ષોની ફિકર વધુ સતાવે છે. આ પર્યાવરણવાદી ચળવળ વિકસિત દેશોમાંથી શરૂ થઈ છે, જ્યાં બધાંનાં પેટ ભરેલાં છે. (પર્યાવરણની ચળવળ કેટલું મોટું તૂત છે એ વિશે તો અલગ લેખ લખી શકાય.)
બાય ધ વે, તહેવારો અને આનંદની વાત પર પાછાં આવીએ. ધુળેટી પણ આપણે પહેલાં જેટલી ઇન્ટેન્સીટીથી રમીએ છીએ? રંગનાં કેમિકલ, પાણીનો બગાડ... જેવાં કારણો આગળ કરીને હવે ધુળેટી પર પ્રતિબંધ મૂકવાની વાત પણ કેટલાંક કરી રહ્યાં છે. લાકડાંના બગાડને બહાને હોળી પ્રાગટ્ય પણ કદાચ બંધ કરવામાં આવશે! ધ્વનિ પ્રદૂષણનું કારણ આગળ ધરીને ભવિષ્યમાં નવરાત્રિ પર પ્રતિબંધ મૂકવાની પીઆઇએલ થાય અને કેટલાંક સોગીયાઓ સ્ટે ઓર્ડર લઈ આવે તો પણ નવાઈ પામવા જેવું નથી!
દરેક દેશ, રાજ્ય, જ્ઞાતિ, સમાજ, કોમ... માટે આનંદની વ્યાખ્યા અલગ છે. આપણે અહિંસક અને બાપુના ગુજરાતમાં રહીએ છીએ. અહીં બિયર, વ્હિસ્કી, પબ, ડિસ્કોથેક, કેસિનો, ઘોડારેસ...ની મઝા વિશે વિચાર કરવો એ પણ ગુનો છે. અહીં થર્ટી ફસ્ટની રાત્રિએ જેટલી પોલીસ પીધેલાઓને પકડવા માટે ભેગી કરવામાં આવે છે એટલી પોલીસ કદાચ આતંકવાદી હુમલા વખતે પણ જોવા નહીં મળે! તામિલનાડુમાં મદુરાઈ નજીક પોંગલના તહેવાર વખતે જલીકટ્ટુનો તહેવાર યોજાય છે. આ તહેવારમાં ભેંસોની રેસ થાય છે અને આખલાઓ સાથે કુસ્તી કરવામાં આવે છે. કેટલાંક અહિંસકોનાં દિલ દુભાઈ જાય એવાં દૃશ્યો અહીં સર્જાય છે અને દર્શકો કિકિયારીઓ પાડીને રમતની મઝા લે છે. સ્પેનની બુલફાઇટની જેમ જ! ગુજરાતના કાચાપોચા મંત્રીઓને જોવાલાયક આ ખેલ નથી.
એમ જોવા જઇએ તો જાનનું જોખમ કઈ રમતમાં નથી? અમેરિકન ફૂટબોલ (જેમાં લંબગોળ આકારનો બોલ હાથમાં લઈને દોડવાનું હોય છે) રમતી વખતે અમેરિકામાં દર વર્ષે 5-10 ખેલાડીઓ મરતાં જ રહે છે. બોક્સિંગની રમતમાં પણ પ્રતિસ્પર્ધીઓ એકબીજાને લોહીલુહાણ કરતાં રહે છે. આ તો અમેરિકનોનાં નસીબ સારાં છે કે ત્યાંની ન્યાયાલયોએ હજી સુધી ‘ક્રૂર’ ફૂટબોલ અને બોક્સિંગ પર પ્રતિબંધ નથી મૂક્યો!
ગુજરાતના સત્તાધીશોને ‘નિર્દોષ આનંદ’ શબ્દ ખૂબ ગમે છે. તીનપત્તીના જુગારથી માંડીને તાડી સુધીની વાતો સાંભળીને એમનો આત્મા દુભાઈ જાય છે. હેગર બોમ્બ કે સેન્ડવિચ મસાજની વાત તો કરશો જ નહીં!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.