આપણી વાત:‘મફત’ શબ્દ કોને મીઠો નથી લાગતો?

વર્ષા પાઠક4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક જમાનામાં આઇફોનને સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવાતો હતો, પણ મારા જેવા સામાન્ય લોકો પણ ખરીદવા લાગ્યા ત્યારથી એનું સ્થાન ડગમગી ગયું. કદાચ એટલે જ એની જન્મદાતા એપલ કંપની દર વર્ષે નવા નવા, વધુને વધુ મોંઘા ફોન માર્કેટમાં મૂકે છે અને આપણા વડાપ્રધાનના આઇટી સેલ જેટલું જ જોરદાર એપલનું પ્રચારતંત્ર છે. જેટલીવાર એ નવી યોજના, આઈ મીન આઇફોનનું નવું મૉડેલ લૉન્ચ કરે ત્યારે એટલી ચર્ચા જગાવે કે જાણે પૃથ્વી પર નવો ફોન નહીં, પણ પરગ્રહવાસી સુપર ઇન્ટેલિજન્ટ એલિયન ઊતરી આવ્યું હોય, જેની સાથે કોમ્પિટિશન કરવાની કોઈની હેસિયત જ ન હોય. એની જ જમાતના, પણ સહેજ જૂના આઈફોન વાપરનારની પણ નહીં. નવો આઇફોન ખરીદીને હરખાઈ રહેલાં લોકોને એક જ વર્ષની અંદર, ક્યારેક તો થોડા મહિનામાં પોતાની હેસિયત સમજાઈ જાય. થોડા સમય પહેલાં મારો ફોન ખોવાઈ ગયો (વારતહેવારે ફોન તો શું, ભલભલી ચીજો ખોઈ નાખવાની સુપર ટેલેન્ટ મારામાં છે) મન મક્કમ કરીને ઇએમઆઇ પર આઇફોન-12 લઇ આવી. હજી તો માંડ મહિનો થયો હશે, ત્યાં પરિવારના એક શેતાન બચ્ચાનો ફોન આવ્યો, ‘આઈફોન-13 આવી ગયો છે, જૂનું ડબલું વેચી નાખો.’ હવે મારે ગુસ્સો કોના પર કરવો, એ છોકરા પર કે એપલ પર? એપલ પ્રોડક્ટ્સના ભાવ ઉપરાંત બીજા દુર્ગુણો વિશે પણ ટીકા થાય છે અને એમાંથી એક વિશે તો હું પોતે પણ વર્ષોથી કકળાટ કરતી આવેલી કે એન્ડ્રોઇડ ફોનની તુલનાએ આઇફોનવાળા ફ્રી ઍપ્સ આપવામાં સખત કંજૂસી કરે છે. ગણીગાંઠી ફ્રી એપ્લિકેશન્સ સિવાય કંઈ પણ નવું માંગો એટલે કંપની કોઈ શરમ વિના સામેથી પૈસા માંગે. એન્ડ્રોઇડ ફોનમાં ઘણી એપ્સ સરળતાભેર મફતમાં ડાઉનલોડ કરી શકાય છે, પણ આઈફોનમાં નહીં, કારણ કે એની સિસ્ટમ સપોર્ટ નથી કરતી. અફકોર્સ, એવું કરવા માટે એ લોકો સિક્યુરિટીનું બહાનું આગળ ધરે છે. અમુક અંશે એ સાચું છે, પણ બીજાંને મફત મળતું હોય એ આપણને ન મળે તો ખોટું તો લાગે જ ને. ત્રણેક મહિના પહેલાં વિદેશથી મુંબઈ આવેલા એક મિત્ર પાસે મેં આ જૂની ફરિયાદ કરી. એપલ પ્રોડક્ટ્સના એ ખૂંખાર વફાદાર ગ્રાહકે પહેલાં તો શાંતિથી સાંભળી લીધું અને પછી પૂછ્યું, ‘એવી કઈ એપ છે, જે ખરીદ્યા વિના તારું કામ અટકી પડ્યું? મને એવું કંઈ યાદ આવ્યું નહીં. પછી બીજો હુમલો આવ્યો, ‘એપલવાળા તારા આઇફોન, આઇપેડ અને મૅકબુક પર જેટલી ફ્રી ઍપ્સ આપે છે, એમાંથી તું કેટલી વાપરે છે, અરે, ઘણી ઍપ્સ તો ત્રણ મહિના માટે ફ્રી વાપરવાની પણ ઑફર થતી રહે છે, એમાંથી તેં કેટલી યૂઝ કરી?’ અહીં પણ મને જવાબ સૂઝ્યો નહીં. મિત્રએ કહ્યું, ‘બસ, આ જ પોઇન્ટ છે. મફત મળે એ બધું કામનું હોય છે, કે લઇ જ લેવું જોઈએ? જેની જરૂર નથી એ ખરીદીને કે મફતમાં પણ લઈને શું કામ ફોનમાં કચરો ભરવો છે? પછી બૂમ પાડવાની કે ફોન સ્લો થઇ ગયો.’ વાત સાંભળતાની સાથે ત્યારે તો સહમત થઇ ગઈ. આમ તો હું પોતે માનું છું અને હાલતાં ને ચાલતાં લોકોને કહેતી રહું છું કે જીવનમાં, ઘરમાં અને કબાટમાં બને એટલી ઓછી ગિરદી કરવી, ટ્રાવેલિંગ વખતે તો ખાસ હળવા રહેવું. તો પછી ફોનની બાબતમાં કેમ મારામાં સંઘરાખોર વૃત્તિ જાગી ગઈ? બીજાંને મફત મળતું જોઈને મારે પણ કૂદી પડવાનું? આ જોકે માનવસહજ વૃત્તિ છે. જરૂરી હોય કે ન હોય, પણ મફતમાં મળતી હોય એ વસ્તુ લેવાની. પછી ભલે એ વપરાય નહીં કે સડી જાય. સાદો દાખલો જોઈએ. રેસ્ટોરાંમાં આપણાં પૈસે જમવા જઈએ, ત્યારે ઓર્ડર આપતી વખતે બને એટલું ધ્યાન રાખીએ છીએ. કંજૂસી નથી કરતા, પરંતુ બગાડ પણ નહિવત કરીએ છીએ, પરંતુ કોઈ શુભ પ્રસંગે જમણવાર યોજાયો હોય ત્યાં કેટલા જણ આવી સમજદારી દાખવે છે? અન્નનો ભયાનક વ્યય થાય છે. એમાં જોકે યજમાન પણ ઘણા અંશે જવાબદાર હોય છે. લગ્નપ્રસંગ જાણે વિશાળ ફનફેર હોય એમ ડઝનબંધ વાનગીઓના સ્ટૉલ્સ રાખે. એક જગ્યાએ પ્લેટમાં પંજાબી વાનગી લઈને નીકળેલા મહેમાન બીજા ખૂણે ઇટાલિયન ફૂડ જુએ એટલે પસ્તાય. એક પ્લેટ ફેંકીને બીજી હાથમાં લે. ત્યાં ક્યાં પૈસા ચૂકવવાના છે? અને ફૂડ જેટલો જ, બલ્કે એનાથીયે વધુ બગાડ થાય છે, આપણે ત્યાં ટિશ્યૂ, પેપર નેપકિન્સનો. રેસ્ટોરાંના ટેબલથી માંડીને એરપોર્ટના વોશરૂમ્સમાં જોયું છે કે એકની જરૂર હોય, ત્યાં ડિસ્પેન્સરમાંથી ચાર-પાંચ ટિશ્યૂઝ ખેંચી કઢાય. પછી ડસ્ટબિનમાં જાય. અને આ લોકો પાછાં પર્યાવરણ બચાવવાની વાત કરે. મફતમાં મળે તો લેવાનું જ, એનો બગાડ કરવામાંય વાંધો નહીં. આ જ વસ્તુનો ચાર્જ લેવાતો હોય તો સૌ જવાબદાર નાગરિકના રોલમાં આવી જાય. પ્લાસ્ટિકવિરોધી ચળવળ શરૂ થઇ, સ્ટોરવાળા પેપર બેગ માટે પણ પૈસા લેવા લાગ્યાં, ત્યારથી આપણે સૌએ ડાહ્યાં થઈને ઘેરથી થેલા લઇ જવાનું શરૂ કર્યું. બાકી એવાં ઘણાં ઘર જોયાં છે, જ્યાં મફત મળેલી પ્લાસ્ટિક બેગ્સના ભંડાર હોય. સ્ટોરમાંથી એક્સ્ટ્રા માંગી માંગીને ઘરમાં જમા કરી હોય. ભલે પછી વપરાય નહીં. શાકવાળા ફેરિયા પાસેથી તો હજીયે પાતળી પ્લાસ્ટિકની થેલીઓ મંગાય છે. મફત મળે છે ને. પણ હમણાં તો ફોનની વાત બાજુએ રાખો. ફેબ્રુઆરી-માર્ચમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી છે. એ લોકોને ઘણું બધું મફતમાં આપવાનું ચાલુ થઇ જશે. કદાચ થઇ ગયું હશે. સૌએ બાજનજર રાખવાની છે. આપણે ત્યાં ચૂંટણી આવે ત્યારે એમને મળ્યું એ બધું અહીં પણ મળવું જોઈએ મફત, સાવ મફત. ⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...