તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજવાળાનો ઓટોગ્રાફ:કેટલા કલાક કામ કરવું, એ કોણ નક્કી કરે?

ડૉ. નિમિત્ત ઓઝા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક સમય હતો કે જ્યારે સમાજનાં ધારાધોરણો પ્રમાણે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નહોતો. નાણાં કમાવવા માટે, સમાજમાં સન્માનનીય બનવા માટે કે સફળતા મેળવવા માટે અથાગ મહેનત જરૂરી હતી. તમે કહેશો કે ‘હતી’ શું કામ? આજે પણ છે જ. અઠવાડિયાના છ દિવસ જે કામ-ધંધા-નોકરીમાં આપણે સવારથી સાંજ સુધી ગળાડૂબ રહીએ છીએ, રોજગાર માટેની એ મહેનત અનિવાર્ય છે. સાચી વાત. હું પણ એવું જ માનતો હતો પણ ચાઈનીઝ યુવાનો દ્વારા તાજેતરમાં શરૂ થયેલી ‘Lying flat movement’ આપણી પરંપરાગત માન્યતા અને રૂઢિચુસ્ત વિચારો સાથે ધડાકાભેર અથડાય છે અને આપણને એક નવી દિશામાં વિચારવા માટે મજબૂર કરે છે. શું છે આ ચળવળ? અને કેવી રીતે શરૂ થઈ? તો બન્યું એવું કે છેલ્લા ઘણા સમયથી નોકરી સંબંધિત સ્ટ્રેસ અનુભવતા એક ચાઈનીઝ યુવક લ્યુઓ હુઆઝહોંગે પાંચેક વર્ષ પહેલાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક ફોટો શેર કર્યો. એ ફોટામાં લ્યુઓ અંધારા ઓરડામાં પોતાના બેડ ઉપર સૂતો હતો. એ ફોટા સાથે તેણે પોતાની નોકરી સંબંધિત ચિંતાઓ, તણાવ અને સંઘર્ષોની વ્યથા રજૂ કરેલી. તેણે પોતાની નોકરી એ માટે છોડી દીધેલી, કારણ કે તેને લાગી રહ્યું હતું કે કામના વધારે પડતા કલાકોને કારણે તેનું શોષણ થઈ રહ્યું છે. ચાઈનીઝ વર્ક-કલ્ચર ‘996’નું છે એટલે કે સવારે નવથી રાતના નવ સુધી કામ કરવાનું અને એ પણ અઠવાડિયામાં છ દિવસ. લ્યુઓને આ મંજૂર નહોતું. કશું જ કર્યા વગર બેડ પર આરામ કરી રહેલા લ્યુઓએ પોતાના ફોટા સાથે કેપ્શન મૂક્યું, ‘Lying Flat Is Justice’. તેણે આગળ લખ્યું કે ‘મને નથી લાગતું કે આમાં કાંઈ ખોટું છે.’ બસ, આટલી જ વાત ! લ્યુઓની એ પોસ્ટ થોડા જ સમયમાં ચાઈનીઝ મિલેનિઅલ્સ અને જનરેશન ઝેડમાં વાઈરલ થઈ ગઈ. આ પોસ્ટનો એવો પ્રભાવ પડ્યો કે થોડા સમય પછી ‘Lying Flat’ એ ચાઈનીઝ યુવાનોનું સ્ટેટ્સ અને સ્ટેટમેન્ટ બનવા લાગ્યું. એક લોકપ્રિય ઈન્ટરનેટ ફોરમ પર ‘tangping’ નામનું ગ્રૂપ બનાવવામાં આવ્યું. ‘ટેંગ-પિંગ’નો અર્થ થાય કશું જ કર્યા વગર સૂઈ રહેવું. આ ગ્રૂપના રાતોરાત નવ હજાર મેમ્બર્સ બની ગયા અને એ હદે વધવા લાગ્યા કે ચાઈનીઝ ઓથોરીટીઝે એ ગ્રૂપને બળજબરીથી ડિલીટ કરાવવું પડ્યું, પણ હકીકત એ છે કે ત્યારથી યુવાનો દ્વારા શરૂ થયેલી ‘Lying Flat’ ચળવળ આજે પણ સક્રિય છે, જે ચીનના વિકાસને આંખમાં કણાની જેમ ખૂંચે છે. પ્રશાસન અને રૂઢિવાદી લોકો આ ચળવળને ‘શરમજનક’ ગણાવે છે, પરંતુ ચાઈનીઝ યૂથ એવું દૃઢપણે માને છે કે આ ઘટના ચીનનાં ભવિષ્ય માટે ‘ટર્નિંગ પોઈન્ટ’ છે. આ ચળવળનો મુખ્ય ઉદ્દેશ્ય આળસ કે વિદ્રોહ નથી. યુવાનીના દિવસોમાં કશું જ કર્યા વગર પડ્યા રહેવાનો કે ઐયાશી કરવાનો ઈરાદો પણ નથી. એમનો મુદ્દો ફક્ત એટલો જ છે કે અમારે કેટલા કલાક કામ કરવું? એનો નિર્ણય તમે નહીં, અમારી જરૂરિયાતો કરશે. દિવસના બાર કલાક કામ કરવાને બદલે તેઓ હવે એવું કામ કરવાનું પસંદ કરી રહ્યા છે, જેમાં તેમને આનંદ આવે. તેમને માટે દર મહિને મળતી નિશ્ચિત આવક કરતાં, મન પડે તે કરી શકવાની સ્વતંત્રતા વધારે મહત્ત્વની છે. સવારથી સાંજ સુધી કોઈ બંધ ઓફિસમાં ગોંધાઈ રહેવાને બદલે તેઓ ફરવા માંગે છે. નવાં લોકોને મળવા માંગે છે. નવી પ્રવૃત્તિઓ, નવાં સાહસો, નવી જગ્યાઓ એક્સ્પ્લોર કરવા માંગે છે. કોઈ આલિશાન બંગલો, ગાડી કે તગડું બેંક-બેલેન્સ બનાવવાને બદલે તેમને પ્રવાસમાં રસ છે. આ પેઢી અપરિગ્રહમાં માને છે. તેમને ભૌતિકતામાં નહીં, અનુભવોમાં રસ છે. એક સમયમાં એમનાં મમ્મી-પપ્પા જે રીતે અને જેટલું કમાયાં, એને પૂરો આદર આપીને એનાથી સાવ વિપરીત દિશામાં તેઓ કંઈક અલગ કરવા ઈચ્છે છે. આવક ભલે ઓછી કે મર્યાદિત હોય, પરંતુ નિજાનંદ આપે એવી કોઈ એક ગમતી પ્રવૃત્તિ, બીજી અઢળક ભૌતિક સમૃદ્ધિ કે વૈભવ-વિલાસ કરતાં વધારે અર્થસભર હોય છે એ વાત આજની પેઢી સમજી ગઈ છે. ફક્ત ચાઈનીઝ જ નહીં, વિશ્વભરના યુવાનોમાં આવેલી આ સમજણ એટલે ‘Lying Flat’ ચળવળ. જાતને યોગ્ય લાગે, દિવસના એટલા કલાકો મન ભરીને કામ કરી લો, પણ પછી કોઈની રોકટોક કે પરવાનગી વગર આરામ કરી લો. ન ‘નિશ્ચિત કલાકો’ની ગુલામી, ન મહત્ત્વાકાંક્ષાઓનું વજન. ન બોસને ખુશ કરવાના પ્રયત્નો, ન રજા મંજૂર કરાવવાની વિનંતી. જરૂરિયાતો જેટલી ઓછી, સ્વતંત્રતા એટલી જ વધારે. આ ચળવળ એ વાતની પ્રતીતિ છે કે આપણે નોકરી કોઈ સરકાર, બોસ કે કંપનીની નથી કરતા. આપણે નોકરી આપણી મહત્ત્વાકાંક્ષાઓ અને ઈચ્છાઓની કરતા હોઈએ છીએ, પણ જો એમ કરવામાં આપણું માનસિક સ્વાસ્થ્ય, સ્વતંત્રતા અને શાંતિ જોખમાય, તો જીવનમાં શું મહત્ત્વનું છે એની પ્રાયોરિટી આપણે જ નક્કી કરવાની છે. કશુંક પામવાની ‘ઈચ્છા’ નોકરી કરાવે છે, જ્યારે કશુંક અનુભવી લેવાની ‘જરૂરિયાત’ આપણને આવી સ્વતંત્રતાની ચળવળ તરફ લઈ જાય છે. આપણાં દરેકની અંદર ફાટી નીકળેલાં ‘વોન્ટ’ અને ‘નીડ’ વચ્ચેના યુદ્ધમાં કોણ જીતશે? એનો નિર્ણય તો આપણી અંદર રહેલો યોદ્ધો જ કરશે. ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...