તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજવાળાનો ઓટોગ્રાફ:આપણે કોણ છીએ?

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દરેક કૃત્ય, શબ્દ કે વિચાર વખતે યાદ રાખવાનું છે કે આપણે માનવતાના પ્રતિનિધિ છીએ

- ડૉ. નિમિત્ત ઓઝા

ફાઈનલી 2020નું વર્ષ પૂરું થશે. વીતી ગયેલી પીડાઓ અને હેરાનગતિ પર ચિંતન કરીએ તો સમજાય કે આ આખાય એપિસોડનો ઈરાદો વેક્સીન લાવવાનો નહીં, સમજણ લાવવાનો હતો. રંગ, જાતિ, વ્યવસાય અને રાષ્ટ્રીયતાથી વિભાજીત થઈ ગયેલા આપણે સૌ, હકીકતમાં એક જ વૈશ્વિક ચેતનાના વિખરાઈ ગયેલા ટુકડાઓ છીએ. એવા ટુકડાઓ જે દેખાય છે અલગ, પણ એકબીજા સાથે જોડાયેલા છે. નવા વર્ષમાં પ્રવેશતાં પહેલાં એ વાતનું સામૂહિક આત્મનિરીક્ષણ ફરજિયાત છે કે આપણે કોણ છીએ?

મજબૂરીમાં હજારો કિ.મી. પગપાળા ચાલી નીકળેલા ભૂખ્યા-તરસ્યા અને ઉનાળાની ગરમીમાં રસ્તા પર શેકાયેલા શ્રમિકો એટલે આપણે. એમના સોજી ગયેલા પગમાં પડેલા ફોડલા અને ચાંદામાંથી નીકળેલું લોહી એટલે આપણે. દિવસ આખો ચાલીને થાકી જવાથી ઔરંગાબાદના રેલવે-ટ્રેક પર સૂઈ ગયેલા પેલા ‘મૂરખ’ હિજરતીઓ આપણે હતાં અને આપણે જ હતાં એ માલગાડી, જે એમના કટકા કરીને પસાર થઈ ગયેલી. એમના પોટલામાંથી ઢોળાયેલી અને મૃતદેહો સાથે પાટા પર પડેલી સૂકી રોટલીઓમાં આપણે હતાં. ખીચોખીચ ભરાઈને ઘર તરફ જઈ રહેલી ‘શ્રમિક ટ્રેઈન’માં પણ આપણે જ હતાં. પગાર, બોનસ કે નોકરી છીનવી લેનારા એમ્પ્લોયર આપણે હતાં, તો રોજગાર માટે રસ્તે રઝળતા દુ:ખી અને લાચાર કર્મચારીઓ પણ આપણે જ હતાં. રોજ સવારે સ્વચ્છતા અભિયાનનું ગીત વગાડતી નગરપાલિકાની ગાડીમાં બેઠેલા જણ એટલે આપણે. મોઢા પર માસ્ક કે રૂમાલ બાંધીને એમાં કચરો ઠાલવનાર સોફિસ્ટિકેટેડ રહીશો પણ આપણે. લારીઓ કે નાની દુકાનોમાં તપ કરી રહેલા વેપારીઓ આપણે. ભાવ-તાલ કરાવી એમાંથી ખરીદનારાં ગ્રાહકો પણ આપણે.

સુમસામ રસ્તાઓ પર માસ્ક પહેરીને ભૂખ્યા-તરસ્યા ફરજ બજાવી રહેલા પોલીસ એટલે આપણે. એમને ચા-પાણી-નાસ્તો પહોંચાડનારા નાગરિકો પણ આપણે. હજાર રૂપિયાનો દંડ ટાળવા, માસ્ક ન પહેર્યાના હજાર બહાનાંઓ કાઢનાર આપણે, લાખો શ્રમિકોને સહી-સલામત વતન સુધી પહોંચાડનાર સોનુ સૂદ જેવા લોકો પણ આપણે. દિવસ-રાત કોવિડ-વોર્ડમાં ડ્યુટી કરી રહેલા ડોક્ટર્સ, નર્સીસ અને વોર્ડબોય એટલે આપણે. ઓક્સિજન માટે વલખાં મારતા વેન્ટિલેટર પર રહેલા દર્દીઓ પણ આપણે. રોગ પણ આપણે, ઉપચાર પણ આપણે. આવનારું વર્ષ રસીકરણનું હોય, તો ગત વર્ષ ‘પ્રતીતિકરણ’નું હતું. પ્રતીતિ એ વાતની કે અર્થોપાર્જન માટે આત્મનિર્ભર રહેલાં આપણે સૌ, હર્ષોપાર્જન માટે કાયમ એકબીજાં પર ડીપેન્ડન્ટ જ રહેવાનાં. આ સૃષ્ટિ પર વસતો દરેક સજીવ બીજા પર આધારિત છે, એ સત્ય જો અત્યારે નથી સમજાયું તો ક્યારેય નહીં સમજાય. દરેક કૃત્ય, શબ્દ કે વિચાર દરમિયાન એ યાદ રાખવાનું છે કે આપણે માનવતાના પ્રતિનિધિ છીએ. માણસાઈનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની જવાબદારી નિભાવતા કુદરતના કર્મચારીઓ છીએ. આપણે ‘હું’ કે ‘તમે’ નથી, આપણે ‘આપણે’ છીએ. vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો