તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમયના હસ્તાક્ષર:જ્યારે એક ગુજરાતી આંતરરાષ્ટ્રીય પત્રકારે અમેરિકાની વિદેશનીતિને પ્રભાવિત કરી

10 દિવસ પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક

16મી સપ્ટેમ્બર તેમનો જન્મદિવસ છે. સાહિત્ય જગતમાં તેમની કવિ તરીકે પ્રતિષ્ઠા ખરી, પણ આંતરરાષ્ટ્રીય ફલક પર તેમણે પત્રકાર તરીકે જે મહત્ત્વનું પ્રદાન કર્યું તેની નોંધ ઓછી લેવાઈ એટલે ગુજરાતમાં તેમના વિશે લખાયું કે વિચારાયું પણ નહીં. બીજું કારણ એ પણ રહ્યું કે તેઓ જિંદગીના અંતિમ સમય સુધી ગુજરાતને બદલે દિલ્હીમાં રહ્યા. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ અને ઉપરાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણ સાથે તેમના એવા આત્મીય સંબંધ કે બે સંતાનોનાં નામકરણ આ મહાનુભાવોએ કરેલાં. એક અમર અને બીજી કવિતા. હા, કૃષ્ણલાલ શ્રીધરાણી. ઉત્તમ કવિ તો ખરા જ, પણ પત્રકારત્વ તેમનો પ્રાણ. ઉમાશંકર જોશી સાથે મજાકમાં તેમણે કહ્યું હતું કે હું વિરાસતમાં મારી પાછળ ‘અમર કવિતા’ છોડીને જઈશ, પણ પૂર્વે અમેરિકામાં અને પછી દિલ્હીમાં તેમની કલમ ચાલતી રહી. તેમનાં અહેવાલો અને કોલમ આટલાં અખબારોમાં પ્રકાશિત થતાં રહ્યાં. ભારતમાં કોલકાતાનું ‘અમૃત બજાર પત્રિકા’ અને વિદેશોમાં ‘એશિયા’, ‘ધ ન્યૂ રીપબ્લિક’, ‘વોઇસ ઓફ ઈન્ડિયા’, અમેરિકામાં પ્રકાશિત ‘ઈન્ડિયા ટુડે’, ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’, ‘ટોક્યો શિંબુન’, ‘વર્લ્ડ વાઈડ ન્યૂઝ સર્વિસ’ જેવાં માધ્યમોથી તેમણે એક અસરકારક પત્રકારત્વનો સમગ્ર વિશ્વને પરિચય આપ્યો. તેઓ અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટીમાં ‘ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નલિઝમ’ ભણ્યા ત્યારે મુંબઈમાં અમૃતલાલ શેઠના ‘ધ સન’ અખબારમાં અમેરિકાથી અહેવાલો મોકલતા. માસ્ટર ઓફ સાયન્સની પદવી મળી ત્યારે ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં લખવાનું શરૂ કરી દીધું. તેની સાથે જ ‘કરંટ હિસ્ટ્રી’, ‘ધ વેસ્ટ હામ્બુર્ગ’, ‘સેટરડે રિવ્યૂ ઓફ લિટરેચર’, ‘ટોક્યો શિંબુન’ અને ભારતમાં કોલકાતાથી પ્રકાશિત ‘અમૃત બજાર પત્રિકા’માં શ્રીધરાણી ચમકતા સ્તંભકાર અને પત્રકાર તરીકે સ્થાપિત થઈ ગયા હતા, પણ મહત્ત્વનો સવાલ એ હતો કે બ્રિટિશ સત્તા ભારતને કાયમ પોતાને હસ્તક રાખે તે માટે એક વ્યૂહરચના ઘડી કાઢી હતી. અમેરિકામાં તેનું અમલીકરણ ચાલુ હતું. ભારતીય પ્રજાનાં સ્વાતંય આંદોલનો, ભારતીય નેતાઓ અને સમાજ વિશે એટલો અપ-પ્રચાર હતો કે અમેરિકાનો બૌદ્ધિક વર્ગ અને રાજકીય નેતાઓ પણ તેની અસર હેઠળ બ્રિટિશ સત્તાનો બચાવ કરતા. તેની સામે લાલા હરદયાલ, તારકનાથ દાસ, મેડમ કામા વગેરેએ મોટા પ્રયત્નો કર્યા. વિદેશી ધરતી ઉપર પ્રકાશિત ‘વંદે માતરમ્’, ‘સ્વદેશ સેવક’, ‘ગદર પત્રો’, ‘ખાલસા હેરોલ્ડ’, ‘આર્યન’, ‘સર્ક્યુલર-એ-આઝાદી’, ‘હિન્દુસ્તાની’, ‘ફ્રી હિન્દુસ્તાન’ આટલાં અખબારો પ્રકાશિત થતાં, પણ તેમનું ક્ષેત્ર મર્યાદિત હતું. આવા સંજોગોમાં ‘વોઇસ ઓફ ઈન્ડિયા’નું પ્રકાશન પોતે જ એક મોટી ઘટના હતી, કેમ કે તેમાં જે લોકોએ એકત્રિત થઈને સાહસ કર્યું તે પોતાનાં ક્ષેત્રોમાં પણ પ્રભાવી હતાં. તેનાં નામો જાણવા જેવાં છે. ઈન્ડિયા લીગ ત્યાં કામ કરતી હતી. 1939માં વિશ્વના તખ્તા ઉપર બીજા વિશ્વયુદ્ધનાં વાદળો ઘેરાયાં ત્યારે આ તેજસ્વી મંડળી સક્રિય થઈ. ‘વોઇસ ઓફ ઈન્ડિયા’નો ઇરાદો જ અમેરિકન પ્રજા અને રાજકીય નેતાઓ, અમેરિકન પ્રમુખ સહિતના વગદાર સત્તાધારીઓને ભારતીય સ્વતંત્રતા જંગ વિશે સાચી હકીકત સમજાવવાનો હતો, જેથી ધૂર્ત બ્રિટિશ વ્યૂહરચના નિષ્ફળ જાય. શ્રીધરાણીની સાથે હરિદાસ મઝુમદાર, અનુપ સિંઘ, ગોવિંદ બિહારી લાલ, સઇદ હુસૈન પણ હતા. ગોવિંદ બિહારીને પત્રકારત્વ માટે પુલિત્ઝર પારિતોષિક મળ્યું હતું. સઇદ હુસૈન 1914માં ભારતમાં હતો. જવાહરલાલની સાથે કામ કરે. આનંદ ભવનમાં જ કુટુંબના સભ્યની જેમ રહેતો. વિજયાલક્ષ્મી સાથે પરિચય થયો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. નેહરુ કુટુંબમાં ખળભળાટ. મોતીલાલ ગાંધીજી પાસે સલાહ લેવા ગયા. તેમણે પણ ઘસીને ના પાડી. બોમ્બે ક્રોનિકલનો આ તેજસ્વી પત્રકાર પ્રેમભંગ થઈને અમેરિકા ચાલ્યો ગયો, ત્યાં હરિદાસ મળ્યા. ‘દૂર સુધી જેનું ખડખડાટ હાસ્ય સાંભળવા મળે’ તેવા હરિદાસ 1930માં દાંડીકૂચ સમયે આવ્યા અને વિદ્યાપીઠના તરુણ શ્રીધરાણીને મળ્યા, પછી આ ત્રણેયને અમેરિકામાં નિયતિએ એકબીજાને મેળવી આપ્યાં. અનુપ સિંઘ ચોથા સાથી. પાંચમા જે. જે. અર્થાત જગજીત સિંઘ. આ બધાએ અમેરિકામાં ‘નેશનલ કમિટી ફોર ફ્રીડમ’ની સ્થાપના કરી. જુદી-જુદી યુનિવર્સિટીમાં પદવી-પ્રાપ્ત પાંચ ડોક્ટરો પોતાનાં અખબારને સમગ્ર વિશ્વમાંથી સ્વતંત્રતાપ્રિય બૌદ્ધિકોના લેખો અને અભિપ્રાયોનો મંચ બનાવી દીધું. શ્રીધરાણીનું પુસ્તક ‘વોર વિધાઉટ વાયોલન્સ’ તો ભારત, સત્યાગ્રહ અને ગાંધીને સમજવા માટેનું અમેરિકનોના બાઇબલ તરીકે ખ્યાત થયું. ઉદારવાદી સેનેટરો અને રાષ્ટ્રપ્રમુખ ડી. રૂઝવેલ્ટ શ્રીધરાણી સાથે અંગત સ્વજન બની ગયા અને ભારત સાથેના અમેરિકન વલણ તેમજ વિદેશનીતિ માટે સલાહ અને અભિપ્રાય લેતા! 1911ની 16 સપ્ટેમ્બરે ભાવનગરના ઉમરાળા ગામે તેમનો જન્મ થયો અને 1960ની 23 જુલાઈએ નવી દિલ્હીમાં અવસાન થયું. ગુજરાત યુનિવર્સિટી 16મીએ એક કાર્યક્રમ યોજીને ‘શ્રીધરાણી એકેડેમિક ચેર’ (જ્ઞાનપીઠ) સ્થાપી રહી છે. અમેરિકામાં ભારતના ગુલામી કાળમાં બાર વર્ષ સુધી રાજકીય વિદેશનીતિ અને કૂટનીતિમાં પ્રભાવી રહેનાર આ પત્રકારને ઉચિત સ્મૃતિ અંજલિ છે. {vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...