તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- ડૉ. પ્રશાંત ભીમાણી
‘ડૉક્ટર, સાચું કહું તો અમારે બંનેને કાઉન્સેલિંગની જરૂર છે. મેરેજને સાત વર્ષ થયા. આમ તો લગ્ન પહેલાંના ચાર વર્ષથી અમે એકબીજાને જાણીએ છીએ, પણ હજુ સુધી સાચી રીતે ઓળખી શક્યાં નથી. મારી દરેક વાત પર શીતી ઘૂરકિયા કરે છે અને નાની નાની વાતે ચિડાઈ જાય છે. ટોન્ટ મારે છે. મારાથી ધીમે ધીમે એ દૂર થતી જતી હોય એવું લાગે છે.’ શનયે વાતચીતનો દોર શરૂ કર્યો. વચ્ચેથી અટકાવતા જ શીતિ બોલી.
‘સાવ એવું નથી, તું પણ મારી ક્યાં રિસ્પેક્ટ રાખે છે. તારા પેરન્ટ્સ મને ગમે તેમ બોલે તો ક્યારેય તે મારી સાઈડ લીધી છે? હંમેશાં મને જ ધમકાવે છે અને કીધા કરે છે કે, ‘તારે જ સમજવું પડશે, એ લોકો નહીં સમજે’ અરે યાર, મારો તો સ્વભાવ છે. સાચાને સાચા અને ખોટાને ખોટા કહેવાનો. હું તો મારા પેરન્ટ્સને પણ મોં પર જ કહી દેતી. હું તો કોઈની શરમ રાખું જ નહીં! અને શનય, તું યાદ કર. આપણે જ્યારે પહેલાં મળતા ત્યારે ગ્રૂપમાં તને મારી આ કોન્ફિડન્ટ બોલ્ડનેસ તો ગમી ગઈ હતી. એ વખતે કેવા વખાણ કરતો હતો અને હવે એ જ વસ્તુ ઘરમાં થાય ત્યારે તને જ નથી ગમતું. ધીસ ઈઝ નોટ ફેર! એટલે જ મને તારી પર ચીડ આવે છે.’ ‘અને ડોક્ટર, છેલ્લા આઠ-નવ મહિનાથી અમારી વચ્ચે કોઈ ફિઝિકલ રિલેશન્સ પણ નથી. હું જ્યારે જ્યારે એની નજીક જઉં ત્યારે મને હંમેશાં ઇગ્નોર કરે અથવા હડધૂત કરે. પછી મને પણ ગુસ્સો આવે અને એ પછી આખો દિવસ ચાલુ રહે.’ શનય બોલ્યો.
‘તમે જ કહો ડોક્ટર, જ્યાં મન જ મળેલાં ન હોય ત્યાં તન કેવી રીતે મળે?’ શીતિએ ફિલોસોફીકલ ફુલસ્ટોપવાળો સવાલ પૂછતાં કહ્યું. શીતિની વાતમાં પૂર્ણ તથ્ય હતું. બે વ્યક્તિઓ પરસ્પર ઈમોશનલી નજીક આવે તો જ ફિઝિકલી નજીક આવી શકે, બાકી તો સેક્સ એ માત્ર મિકેનિકલ પ્રક્રિયા થઈને રહી જાય છે. એટલે વાત અહીં બેઝિક એડજસ્ટમેન્ટ અને સ્વીકારની છે. ઘણી વાર આપણે વ્યક્તિની જે વિશેષતાથી તીવ્ર પણે આકર્ષાઈએ છીએ, તે જ બાબત તીવ્ર પણે પાછળથી ખૂંચે એવું પણ બને. આવી સ્થિતિમાં સૌ પ્રથમ સંબંધની સાયકોલોજી મજબૂત કરવા પોતે પોતાના વ્યક્તિત્વને ઓળખવું જોઈએ અને પોતાની નબળાઈઓ, ક્ષતિઓ અને શક્તિઓને તટસ્થ રીતે સમજવા જરૂરી છે. જો આપણે એ સ્વીકારી શકીએ તો જ સામેની કે પોતાની વ્યક્તિને પણ પૂર્ણ રૂપે સ્વીકારી શકીએ.
સૌથી મોટી જરૂરિયાત ‘સ્વસ્થ સંવાદ’ની છે. આપણે ઘણીવાર સમજ્યા વગર વિવાદમાં ઝડપથી સરી પડીએ છીએ. પછી એના દુષ્પરિણામોની પરંપરામાં ઝઘડો, ચીડ, નકારાત્મકતા અને તિરસ્કાર ઊભા થાય છે. સામેવાળાને શાંતિથી સાંભળીને એણે કયા સંજોગોમાં અમુક-તમુક વાક્યો કહ્યાં હશે કે પગલાં ભર્યા હશે એ સમજવાની ક્ષમતા વિકસાવવા જેવી છે. ઝઘડાળુ થઈને કૂદી પડવાની કુટેવમાંથી બચવા જેવું છે અને ‘માત્ર મારે જ સમજવાનું?’ એવા નિરાશાજનક ગુસ્સાને બદલે ‘મારે પણ સમજવું પડશે’ એવી હકારાત્મક માનસિકતા સંબંધને બચાવે છે. જોકે, ‘કન્ડિશન્સ અપ્લાય’ બંને માટે છે, એ ભૂલવું ન જોઈએ. વાસ્તવમાં સેક્સ પહેલાંનો ફોર-પ્લે એ ઈમોશનલ નિકટતા વધારવાની પ્રક્રિયા હોય તો મન અને પછી તન એમ બંને મળી શકે. અને જ્યાં સુધી એકબીજાને સંપૂર્ણ ઓળખવાની વાત છે. એ જરા વધારે પડતી આદર્શવાદી છે. એ ‘સંપૂર્ણ’ ઓળખવામાં એનર્જી બગાડ્યા કરતાં થોડી ગણી સમજ પડે એ પછી એડજસ્ટમેન્ટમાં પ્રયાસ કરીએ તો જીવવાની વધુ મજા આવે છે. પતિ-પત્ની કે પાર્ટનરના આનંદના પાયામાં ‘પ્રેમ’ હોય છે એ ભૂલાય નહીં. આ એવી માનવીય ક્વોલિટી છે જે અન્ય શરતોને ઓગાળી નાંખે છે અને અરસ-પરસ સ્વીકાર કરવામાં પાયાનું કામ કરે છે. પ્રેમને અભિવ્યક્ત કરવો અને પ્રેમ અનુભવવો એ બંને માનવીની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો છે અને સેક્સ એની અભિવ્યક્તિની એકાદ રીત માત્ર છે. બાકી હાથમાં હાથ પરોવીને પણ અંગત અનુભૂતિ થઈ શકે. વિનિંગ સ્ટ્રોકઃ સંબંધમાં અસહમતિ શક્ય છે, પણ અસહમતિ સાથે આખે આખી વ્યક્તિનો અસ્વીકાર હોવો તે સંબંધની એક મોટી અપરિપક્વતા છે. drprashantbhimani@yahoo.co.in
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.