તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અગોચર પડછાયા:હું ક્યાં તમને નુકસાન પહોંચાડવાની છું?

જગદીશ મેકવાન6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેટલાયે વખતથી બૂમો પાડતી હતી ને કે માણસ નથી ખાધો... માણસ નથી ખાધો...

હજી પણ રોજ રાત્રે મારી મમ્મી મારી પથારી પાસે આવીને બેસે છે અને મને ગુડનાઈટ કહે છે.’ ‘તો તમે પણ એમને ગુડનાઈટ કહો.’ ‘દસ દિવસ પહેલાં જ એનું મૃત્યુ થયું છે.’ સ્ટેલાએ ફાટેલા સ્વરે કહ્યું. એનો ચહેરો આતંકિત હતો અને અવાજમાં ડર હતો, પણ ડોકટર જેમ્સને સ્ટેલાની વાત સાંભળીને જરા પણ આશ્ચર્ય ના થયું, કારણ કે એ સાયકોલોજિસ્ટ હતો. આવા ભૂતો દેખાતા હોય એવા કેસ તો એની પાસે ઘણી વાર આવતા અને થોડા અઠવાડિયાની સારવાર પછી એ લોકોને ભૂત દેખાતાં બંધ પણ થઈ જતાં. જોકે, હાલમાં તો ડોકટર જેમ્સને જ એક સાયકોલોજિસ્ટની જરૂર હતી. એની ગર્લફ્રેન્ડે એને તરછોડી દીધો હતો. પોતે એક સાઇકોલોજિસ્ટ હોવા છતાં બ્રેકઅપના આ સમયગાળાને સહન કરવામાં એને તમ્મરિયાં આવી રહ્યાં હતાં. બીજાનો ઈલાજ કરનાર જાતે સાવ નિ:સહાય, લાચાર હતો. એ હદે કે હજી તો ગઈ કાલે રાત્રે જ એણે સ્લીપિંગ પિલ્સ લઈને આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પણ કોઈ ફાયદો ના થયો. એ તો સવારે રોજની માફક જ ઊઠી ગયો. કાંઈ ના સૂઝતાં એ પોતાના ક્લિનિક પર ગયો. રોજ એની પહેલાં આવી જતી રિસેપ્શનિસ્ટ આજે આવી ન હતી. એણે એના ઘરે કોલ કર્યો તો એને જાણવા મળ્યું કે એ તો એના બોસના ફ્યુનરલમાં ગઈ છે. એ સાંભળીને જેમ્સને આશ્ચર્ય થયું, કેમ કે એનો બોસ તો એ જાતે હતો. જેમ્સને ખ્યાલ આવી ગયો કે રિસેપ્શનિસ્ટ એના નામે ચરી ખાય છે. એ પણ એના પતિને છેતરતી હશે. અડધો કલાક થયો અને કોઈ પેશન્ટ ના આવ્યું. કોઈ અપોઇન્ટમેન્ટવાળો દર્દી પણ ના આવ્યો. એટલે એ કંટાળ્યો અને એવા સમયે આ વિચિત્ર કેસ આવ્યો. સ્ટેલાના ચહેરાની માસૂમિયત અને ખૂબસૂરતી જોઈને ડોકટર જેમ્સના ઘાયલ દિલમાં એક વિચિત્ર હલચલ મચી. આ પ્રકારની લાગણી એમના વ્યવસાયના આદર્શની વિરુદ્ધની બાબત હતી અને એટલે જ, એ જેમ બને તેમ સ્ટેલાને પોતાની કેબિનમાંથી રવાના કરવા માંગતો હતો. જોકે, એ પણ એના વ્યવસાયના આદર્શની વિરુદ્ધની બાબત હતી. દર્દીની બીમારીનું સાચું નિદાન અને ઈલાજ કરવો એ એની ફરજ હતી. એટલે એણે સ્ટેલાને દવા આપી અને જવાની સૂચના આપી, પણ સ્ટેલા એ હદે ડરી ગઈ હતી કે એકલી ઘરે જવા તૈયાર ન હતી. એણે ડોક્ટર જેમ્સને પોતાની સાથે આવવાનો આગ્રહ કર્યો. સામાન્ય સંજોગોમાં તો જેમ્સ તૈયાર ના થાય, પણ એના ભગ્ન હૃદયને એક સહારાની જરૂર હતી. એટલે એને થયું કે જો એક ખૂબસૂરત સંગાથ મળશે તો એ બહાને થોડું ખુશ થવાશે અને આમેય એક પુરુષ, છેવટે તો પુરુષ જ હોય છે. કદાચ સ્ટેલા સાથે હમબિસ્તર પણ થઈ શકાય એવી આશાએ એ સ્ટેલા સાથે એના ઘર સુધી જવા માટે તૈયાર થયો. બંને જેમ્સની કારમાં ગોઠવાયા. કારમાં બેસતાની સાથે જ જેમ્સને ખ્યાલ આવી ગયો કે એ એક ભૂત સાથે બેઠો છે, કેમ કે એણે જ્યારે સાઈડ મિરર સેટ કરવાની કોશિશ કરી ત્યારે એને એમાં સ્ટેલાનું પ્રતિબિંબ દેખાયું નહીં. એ ધ્રૂજી ઊઠ્યો. એના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. ‘તમને ખબર પડી ગઈ કે હું ભૂત છું?’ સ્ટેલાએ એ જ માસૂમિયતથી સવાલ કર્યો, પણ જેમ્સની એવી હાલત જ નહોતી કે એ કાંઈ બોલી શકે. સ્ટેલાએ એ જ સવાલ ફરીથી દોહરાવ્યો. જેમ્સે માંડ માંડ માથું હલાવીને હા પાડી. ‘ મારાથી બીશો નહીં. મને મારા પ્રેમીએ છોડી દીધી હતી એટલે મેં આત્મહત્યા કરી હતી. તમે ચિંતા ના કરો. હું તમને કોઈ નુકસાન નહીં પહોંચાડું. મને ખાલી મારા ઘર સુધી પહોંચાડી દો.’ સ્ટેલાએ એકદમ માસૂમિયતભર્યા સ્વરે વિનંતી કરતી હોય એમ કહ્યું. ‘તો જેમ તું આવેલી એમ જ જઈ પણ શકે ને?’ ડોક્ટરે બીકથી ધ્રૂજતા કહ્યું. ‘ પ્લીઝ... હું તમને કોઈ નુકસાન નહીં પહોંચાડુ. જો હું તમને નુકસાન જ પહોંચાડવા માંગતી હોત તો અત્યાર સુધીમાં પહોંચાડી દીધું હોત. મારા તૂટેલા દિલને થોડા સહારાની જરૂર છે.’ બોલીને સ્ટેલા રડી પડી. ભૂત પણ જો નારી જાતિનું હોય તો પુરુષને પીગળાવી શકે છે એ જેમ્સને હવે સમજાયું. એ સ્ટેલા સાથે જવા માટે તૈયાર થયો. બંનેએ રસ્તામાં ખૂબ જ વાતો કરી. જેમ્સને થયું કે ક્યાંક એ એક પ્રેતના પ્રેમમાં તો નહીં પડી જાય ને? સ્ટેલાની દોરવણી મુજબ બંને જણ એક ઘર પાસે પહોંચ્યા. સ્ટેલાએ જેમ્સને ઘરમાં આવવાનો આગ્રહ કર્યો. પહેલાં તો જેમ્સે થોડી આનાકાની કરી, પણ પછી પીગળી ગયો. બંને જણ ઘરમાં પ્રવેશ્યા. ડ્રોઈંગરૂમમાં એક ડોશી બેઠી હતી. એને દર્શાવીને સ્ટેલાએ કહ્યું, ‘આ મારી મમ્મી છે. એ પણ ભૂત છે. મમ્મી...’ પોતાની માતા પાસે જઈને, એના ગળે બે હાથ વીંટાળીને સ્ટેલાએ એની માતાને કહ્યું, ‘લે... લઈ આવી તારા માટે માણસ. કેટલાયે વખતથી બૂમો પાડતી હતી ને કે માણસ નથી ખાધો... માણસ નથી ખાધો... હવે ખા.’ આ સાંભળતાં જ જેમ્સના મોતિયા મરી ગયા. એ રડમસ અવાજે બોલ્યો, ‘ તેં કીધેલું. તું મને નુકસાન નહીં પહોંચાડે.’ ‘તો હું ક્યાં તમને નુકસાન પહોંચાડવાની છું? મારી મમ્મી પહોંચાડશે.’ બોલીને સ્ટેલા ખડખડાટ હસી પડી અને એકદમ જ એનો માસૂમ ચહેરો એક ભયંકર બિહામણા ચહેરામાં પરિવર્તિત થઈ ગયો. એની માતા ઊભી થઈ. જેમ્સ તરફ આગળ વધી. જેમ્સ બીકનો માર્યો બે ડગલા પાછળ હટ્યો, પણ આ શું? સ્ટેલાની મમ્મી ગભરાઈને એકદમ જ પાછળ હટી ગઈ અને બોલી ઊઠી, ‘ આ છોકરો તો આપણી જેમ જ ભૂત છે. એણે હજી ગઈકાલે જ આત્મહત્યા કરી છે. હજી રાતના બાર નથી વાગ્યા. જેવા રાતના બાર વાગશે કે તરત જ એની ભૂખ ઊઘડશે અને એ સૌથી પહેલો હુમલો આપણા પર કરશે. ભાગ...’ બોલીને સ્ટેલાની મમ્મી ગાયબ થઈ ગઈ. એની પાછળ પાછળ ગભરાયેલી સ્ટેલા પણ ગાયબ થઈ ગઈ અને બાકી બચ્યો ત્યાં એકલો જેમ્સ. એના ચહેરા પર આઘાતના ભાવ હતાં. તે હજી પણ બીકથી ધ્રૂજી રહ્યો હતો. સ્ટેલાની માતાની વાત એના માનવામાં નહોતી આવતી. છેવટે હિંમત કરીને એ ઘરમાં રહેલા આયના આગળ ગયો. એમાં નજર પડતાં જ એ ભડક્યો. એનું પ્રતિબિંબ એ આયનામાં દેખાતું ન હતું. હવે એને ખ્યાલ આવ્યો કે એણે આત્મહત્યા કરવા માટે જે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લીધો હતો. એના લીધે એનું મરણ થયું હતું. એનો આત્મા ડિસ્પેન્સરી પર ગયો હતો. એની રિસેપ્શનિસ્ટ નહોતી આવી, કારણ કે એ તો જેમ્સના ફ્યુનરલમાં ગઈ હતી. અને... એકદમ જ એના શરીરમાં જાણે આગ લાગી હોય એવા દાહનો એને અનુભવ થયો. એણે ઘડિયાળ પર નજર નાખી. બાર વાગી ચૂકયા હતાં. એના ચહેરા પર એક ભયાનક મુસ્કાન તરી આવી. ⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો