દીવાન-એ-ખાસ:ખાઇબદેલી ઇકોસિસ્ટમ પર લગામ ક્યારે?

3 મહિનો પહેલાલેખક: વિક્રમ વકીલ
  • કૉપી લિંક

એક જમાનો હતો કે જ્યારે સામ્યવાદીઓની ડાબેરી ઇકોસિસ્ટમનું વર્ચસ્વ સમગ્ર દેશ પર હતું. જમણેરી ઝોક ધરાવતી એનડીએ સરકાર સત્તામાં આવ્યા પછી સ્યુડો સેક્યુલરિઝમ, ઇતિહાસકારોનાં જુઠ્ઠાણાં, લઘુમતીઓની ખોટી આળપંપાળ કરનારાઓ કે બહુમતી હિન્દુઓ માટે ઝેર ઓકનારાઓ કાબૂમાં આવ્યા. જોકે, આ ખતરનાક ઇકોસિસ્ટમ પેલા રાક્ષસની વાર્તાની જેમ રાત-દિવસ વધ્યા જ કરે છે. ઇકોસિસ્ટમ એટલે કોઈ એક ખોટી વિચારધારાને પ્રસિદ્ધિ આપવામાં આવે અને એ વિચારધારામાં માનતા અનિષ્ટ તત્ત્વો એક પછી એક એનો પ્રચાર શરૂ કરી દે. મહારાષ્ટ્રમાં શિવસેનાએ ત્વરિત લાભ માટે પોતાના આખા પક્ષનું અસ્તિત્વ જોખમમાં મૂકી દીધું. નારાજ થયેલા પક્ષના સર્મથકોએ પક્ષની નવી વિચારધારાને ફગાવી દઈ ફરીથી હિન્દુત્વને અપનાવ્યું અને સરકાર ઘર ભેગી થઈ ગઈ. કેટલાંકને થયું હશે કે હવે તો આ કહેવાતી સેક્યુલર વિચારધારા અને એમના નિર્ણયો પર મહારાષ્ટ્રમાં બ્રેક લાગી જશે. અંગત સ્વાર્થ ખાતર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને ઉદ્ધવ ઠાકરેની સરકારે ઘોંચમાં પાડ્યો હતો. સત્તામા આવ્યા પછી દેવેન્દ્ર ફડણવીસે તરત જ જાહેરાત કરી કે ગોરેગાંવની આરે કોલોનીમાં મેટ્રો ટ્રેન લાઇનનો શેડ બનીને જ રહેશે. મુંબઈની હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક તત્ત્વો પેલી ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા છે. એમણે ગણતરીની મિનિટોમાં જ પર્યાવરણના નામે કકળાટ શરૂ કરી દીધો કે ‘અમે કોઈપણ સંજોગોમાં આરએ કોલોનીમાં મેટ્રો શેડ બનવા દઈશું નહીં, કારણ કે એનાથી પર્યાવરણને ખતરો છે.’ દંભી પર્યાવરણ પ્રેમ એક અલગ વિષય છે. અહીં વાત કરીએ તો, પોતાને ગમતી વ્યક્તિની સરકાર ખરાબ રીતે તડીપાર થઈ હોવા છતાં કેટલાક હીરો–હિરોઇનોએ હાર માની નહીં અને નવીસવી બનેલી સરકારને તરત જ ચેલેન્જ કરવા માંડ્યા! બ્યુરોક્રસીથી માંડીને ન્યાયતંત્ર અને શિક્ષણથી માંડીને મીડિયા સુધી દરેક ક્ષેત્રમાં આ ઇકોસિસ્ટમના મૂળિયા ઊંડા છે. આપણા દેશમાં વક્રતા એ છે કે ફેક્ટચેકને નામે કેટલીક વેબસાઇટ શરૂ કરવામાં આવી છે, જે ખુદ જ ફેક્ટચેક કરવાને બદલે જુઠ્ઠાણાં ફેલાવે છે. આવી એક વેબસાઇટ ચલાવતા ઝુબેર નામની વ્યક્તિએ હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન થાય એવી કેટલીક પોસ્ટ ટ્વિટર પર મૂકી હતી. સ્વાભાવિક છે કે ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ હોવાથી દિલ્હી પોલીસે ઝુબેરની ધરપકડ કરી. ત્યાર પછી તો આ વેબસાઇટને પાકિસ્તાન અને સિરિયા જેવા દેશમાંથી મળેલા ગેરકાનૂની ફંડનું ભોપાળું પણ બહાર આવ્યું. આમ છતાં મીડિયાના એક ખાસ વર્ગે જાણે કોઈ મહાન પત્રકારની ધરપકડ થઈ હોય એવો હોબાળો મચાવી મૂક્યો. આખી ઇકોસિસ્ટમ ઝુબેરને બચાવવા મેદાનમાં આવી ગઈ. એ જ રીતે જ્યારે કહેવાતા પત્રકાર અને સમાજસેવક તિસ્તા સેતલવાડની ધરપકડ સુપ્રીમ કોર્ટના કહેવાથી ગુજરાત પોલીસે કરી ત્યારે પણ એને બચાવવા માટે ઇકોસિસ્ટમનું એક ટોળું બહાર આવી ગયું. વક્રતા એ છે કે દંગામાં પીડિત નિર્દોષ મુસ્લિમોએ જ તિસ્તા સેતલવાડ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. નિર્દોષ મુસ્લિમોને નામે ફંડ એકત્ર કરીને એનો સદુપયોગ નહીં કરવાનો આરોપ પણ તિસ્તા સેતલવાડ પર છે, છતાં એના બચાવમાં કેટલાક તત્ત્વો આવી જ જાય છે. એ જ રીતે જ્યારે વિકૃત અને જૂઠ્ઠા ઇતિહાસને બદલવાનો પ્રયત્ન કેટલાક તટસ્થ ઇતિહાસકારો કરે છે ત્યારે એમના કામને પણ બદનામ કરવા આવા તત્ત્વો તૈયાર જ બેઠા હોય છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક સુપરસ્ટારો પણ હવે આ ઇકોસિસ્ટમ સામે લડવા માટે ખૂલીને બહાર આવી રહ્યા છે. એ જ રીતે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમ જ મીડિયામાંથી પણ કેટલીક વ્યક્તિઓ હિંમત કરીને આ ઇકોસિસ્ટમ સામે લડવા માટે બહાર આવે છે. જોકે આ ઇકોસિસ્ટમને હરાવવાનું કામ દેખાય છે એટલું સહેલું નથી એનો અનુભવ આપણે કરી જ રહ્યા છીએ!⬛vikramvakil rediffmail.com

અન્ય સમાચારો પણ છે...