વીદ્યાએ આજે કોઇ જ દેખીતા કારણ વગર જૉબમાંથી રાજીનામું આપી દીધું. એના બૉસ અને સ્ટાફને એણે આશ્ચર્યમાં મૂકી દીધાં. એની સૌથી નજીકની મિત્ર સાનિયાએ એને ખૂબ સમજાવી પણ વિદ્યા ટસની મસ ન થઇ. જાણે એના પર કોઇ પણ સારી-નરસી વાતની અસર થવાનું ઓલમોસ્ટ બંધ જ થઇ ગયું હતું.
ખબર નહીં, પણ એને કોઇ ઉપર વિશ્વાસ રહ્યો નહોતો. તે ઘણી વાર કન્ફ્યુઝ્ડ રહેતી અને સૌથી મોટી વાત બે વર્ષ પહેલાં ગત કોરોનામાં પોતાના હસબન્ડ મન્વેશને ગુમાવ્યા છતાં જાણે કંઇ બન્યું જ ન હોય તેમ તે વર્તન કરતી. અલબત્ત, કોઇપણ કહી શકે કે વિદ્યાનું આ વર્તન નોર્મલ નહોતું. સાનિયાને ચોક્કસ થયું કે વિદ્યાને કંઇક તો સાયકોલોજીકલ હેલ્પની જરૂર છે જ!
વિદ્યા સાનિયા સાથે ક્લિનિક પર આવી તો ખરી, પણ જાણે પોતાને પોતાની કશી પડી જ નથી, એવી રીતે! વિદ્યાનું ક્લિનિકલ એસેસમેન્ટ થયું. અલબત્ત, ડિપ્રેશન તો હતું જ પણ આ નિરાશા કંઇક જુદા જ પ્રકારની હતી. મન્વેશના મૃત્યુને બે વર્ષ થવા આવ્યાં છતાં વિદ્યા હજુ એ આઘાતમાંથી બહાર નીકળી શકી નહોતી. ‘આવું મારી સાથે જ કેમ થયું?’ એવા વિચાર-વમળમાં એ રહ્યા કરતી. મનોવિજ્ઞાનના છેલ્લાં વીસ વર્ષનાં સંશોધનોએ સામાન્ય દુઃખથી આ લાંબા ચાલતા જટિલ દુઃખની સ્થિતિને અલગ રીતે ઓળખી છે. આવા સતત ચાલતા અને નકારાત્મક દુઃખના વિચારોવાળી માનસિક સ્થિતિને ‘પ્રોલોંગ્ડ ગ્રીફ ડિસઓર્ડર’ મતલબ દીર્ધકાલીન દુઃખની વિકૃતિ કહેવાય છે. એમાં દર્દીની લાગણીઓ લગભગ બુઠ્ઠી થઇ જાય છે. વ્યક્તિ દ્વારા પોતાના નિકટના સ્વજનના મૃત્યુને સ્વીકારી શકાતું નથી. જોકે, એ સ્વજનને બચાવી નહીં શકવા માટે વ્યક્તિ પોતાને ક્યાંક ને ક્યાંક જવાબદાર ગણે છે. એટલે એ ક્યારેક તીવ્ર અપરાધભાવના કે ગુસ્સો પણ અનુભવે છે. એનામાં આનંદ અનુભવવાની અક્ષમતા સતત ચાલુ રહે છે.
સામાજિક ક્રિયાઓમાં કે પ્રસંગોમાં સામેલ થઇ શકાતું નથી. એમને જીવન અર્થહીન લાગે છે. આસપાસનાં લોકો પરત્વે અવિશ્વાસ વધતો જાય છે. પોતે વધુ પડતું કન્ફ્યુઝન અનુભવ્યા કરે છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરીને જીવનમાં આગળ વધવામાં અત્યંત મુશ્કેલી અનુભવે છે. આવાં લક્ષણોને ‘પર્સિસ્ટન્ટ કોમ્પલેક્ષ બિરીવમેન્ટ ડિસઓર્ડર’ પણ કહે છે. જો સતત એક વર્ષ સુધી ઉપર મુજબનાં લક્ષણો રહે તો આ ‘દીર્ધકાલીન દુઃખની વિકૃતિ’નું નિદાન કરી શકાય.
એ વાત યાદ રાખો કે આ વિકૃતિ અને સામાન્ય દુઃખ કે ડિપ્રેશનમાં ઘણો ભેદ છે. આ વિકૃતિથી પીડાતા દર્દીઓ પોતાના પ્રેમપાત્ર કે સ્વજનની યાદમાંથી મુક્ત થઇ
શકતા જ નથી. જ્યારે ડિપ્રેશનમાં આવી અનુભૂતિ કાયમ હાજર હોય તેવું બિલકુલ જરૂરી નથી. અલબત્ત, ડિપ્રેશનના દર્દીને તો બધી જ વાતમાંથી ધીમે ધીમે રસ ઉડવા માંડે છે. આ પ્રકારના દીર્ધકાલીન દુઃખની વિકૃતિ મોટેભાગે એડિક્શન જેવી હોય છે. મતલબ કે એવું જ લાગે કે દર્દીને જાણે દુઃખનું વ્યસન થઇ ગયું છે. અને ખાસ તો ક્લિનિકલ ડિપ્રેશનની જેમ એન્ટી ડિપ્રેસન્ટ દવાઓથી ખાસ સુધારો પણ નથી થતો, એવું ‘ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’માં સકાયટ્રીના પ્રોફેસર અને કોલંબિયા યુનિવર્સિટીના સ્કૂલ ઓફ સોશિયલ વર્કમાં આવેલા ‘સેન્ટર ફોર કોમ્પ્લિકેટેડ ગ્રીફ’ના ડિરેક્ટર ડૉ. એમ. કેથરીન શીયર જણાવે છે. આવા દર્દીઓમાં ‘ઇન્ટરપર્સનલ સાયકોથેરાપી’નાં સેશન્સ ખૂબ જ ઉપયોગી થઇ પડે છે. આમ, વિદ્યાને પણ મનોચિકિત્સા આપવામાં આવી. આ સારવાર પછી વિદ્યાએ ફરીથી જોબ જોઇન કરી. આ ઉપરાંત વિદ્યા એવું સમજી શકી કે, ગુમાવેલ વ્યક્તિનું હવે ઇમોશનલ અસ્તિત્વ માત્ર છે. એ વ્યક્તિ સદેહે તો નથી જ. હવે ભવિષ્યને જુદી નજરે જોવું જરૂરી છે. એમાં આનંદ, સંતોષ અને જીવનનો હેતુ પ્રયત્ન કરવાથી ચોક્કસપણે અનુભવી શકાય છે. અર્થપૂર્ણ જીવન માટે પોતાનાં જેવાં જ દુઃખી લોકોને સધિયારો આપવાથી પોતાને પણ માનસિક ઊર્જા પ્રાપ્ત થાય છે. વિદ્યા એવું સમજી શકી કે, કોઇ એક જ વ્યક્તિની આસપાસ પોતાનું સમગ્ર વિશ્વ કેન્દ્રિત હોય છે, તે માન્યતા અતાર્કિક છે. પોતાના જીવનમાં અન્ય લોકો પણ મહત્ત્વનાં હોય છે. એ લોકો માટે પણ સ્વસ્થ જીવન જીવવું એ પોતાની નૈતિક જવાબદારી છે.
આસપાસનાં લોકોએ પણ આવા દર્દીને ‘કોઇ મોટા માનસિક રોગી’નું લેબલ મારવાને બદલે વધારે સપોર્ટિવ બનવું પડે. જીવનમાંથી કોઇનું જવું, એ પછી મૃત્યુ હોય કે વિયોગ, એ બાબત સ્વીકારવા માટે ક્યારેક મનોવિજ્ઞાન મદદરૂપ બનતું હોય છે. આવા જટિલ દુઃખની સાદી સમજ એ છે કે ‘જીવન વિશાળ છે અને મન ફ્લેક્સિબલ છે.’ એને અન્યત્ર વાળવા માટે પ્રયત્ન કરવો પડે. કોઇપણ વ્યક્તિના ન હોવાથી દુનિયા કંઈ અટકી જતી નથી.
વિનિંગ સ્ટ્રોક : સ્વજનના મૃત્યુનો સ્વીકાર કરવો અઘરો છે પણ એય હકીકત છે કે, આ દુનિયામાં દરેક વ્યક્તિ મોટે ભાગે ઓપ્શનલ હોય છે, અનિવાર્ય નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.