કહે છે કે, ગુન્હેગાર કોઈ પણ લેવલનો હોય, સામે પોલીસ જોઈને એની ચડ્ડી ફાટે જ છે, ભલે પોલીસે એને કોઈ ગુન્હાસર નહીં, અમથી એની બીડીની માચિસ લેવા રોક્યો હોય! આખી ઉંમર અમદાવાદમાં કાઢી છતાં આજ સુધી એકેય વાર મારે પોલીસ-સ્ટેશન જવું પડ્યું નથી. એવા કોઈ મનોરથ પણ નથી. મને પ્રવાસનો શોખ જ નહીં. મારી સામે તો કોઈ પોલીસવાળો સામાજીક સ્માઈલ આપતો હોય તોય હું ફફડી ઊઠું છું કે, (1) આ સ્માઈલના મારે કેટલા ચૂકવવા પડશે? (2) મારી સામે તો એ નાનકડી એક ઘાંટી પાડે તોય ધ્રૂજી જઉં એવો પોચીયો છું. (3) ફફડાટ આજેય રહે છે કે, કોઈ ભાગતા ફરતા ખૂની સાથે મારો ચહેરો મળતો તો નહીં આવતો હોય ને? (4) આ લોકો હજાર-બે હજારમાં તો માને નહીં, અત્યારે ઘટનાસ્થળે જ મારી પાસે 80-90 હજાર માંગશે તો હું મારા ઘેર તો ઠીક, આ પોલીસવાળાનેય મોઢું બતાવવા જેવો નહીં રહું! (5) મારું જડબું તો આમેય કચકડાના રમકડાં જેવું છે. ધમકાવવા-ફમકાવવા સુધી ઠીક છે, પણ સાલો હાથ તો નહીં ઉપાડે ને? (આ વાક્યમાં ‘સાલો’ શબ્દ ભૂલમાં વપરાઈ ગયો છે... એને બદલે વાચકો ‘પૂજનીય’ કે ‘પરમ વંદનીય’ જેવા આધ્યાત્મિક શબ્દો વાપરજો : રિક્વેસ્ટ પૂરી!) પોલીસ શબ્દ જ આપણાં ઘરોમાં વાપરવાનો આવતો નથી, એ હિસાબે એનું સામાજીક હોવું જલદી સ્વીકારી શકાતું નથી. આપણે વળી પોલીસનું શું કામ પડે? ભલે ઓળખીતો હોય, પણ યુનિફોર્મ પહેરીને આપણા ઘરે ચા-પાણી માટે આવે, તો આજુબાજુમાં ગુસપુસ શરૂ થઈ જાય છે. એક મોટા નેતા મારે ઘેર અમસ્તા ચા-પાણી માટે આવ્યા હતા, પણ ‘ટોંટોંટોં...’ની સાયરન વગાડતી પોલીસવેન અને સાથે 8-10 હથિયારબંધ અંગરક્ષકો સાથે આવ્યા. અચાનક આખા નારણપુરા ચાર રસ્તા ઉપર સોપો પડી ગયો. હજી કોઈ સમજેસાણે એ પહેલાં તો આખા એરિયામાં ધાક પડી ગઈ, ‘અશોક દવેને ત્યાં પોલીસની રેડ પડી... રેડ પડી...!’ હું તો ગભરાઈને અરીસાનેય મોઢું બતાવી શકતો નહોતો. એ તો ગયા અને નીચે બધાના દેખતા મને ભેટીને એમણે હસતે મોઢે ‘આવજો’ કર્યું, ત્યારે બીજાઓને તો ઠીક, મને શાંતિ થઈ! ‘પૈસા પડી ગયા... આપણે માનતા’તા એવું કશું ન નીકળ્યું!’ મેં આજ સુધી કોઈ ગુન્હો કર્યો નથી અને આવનારાં બાવીસ વર્ષ સુધી એકેય ગુન્હો કરવાનો ન હોઉં, તો એકમાત્ર પોલીસની બીકે! નહીં તો બેન્ક લૂંટવાનું કોને મન ન થાય? કરોડોના હીરાઓ જ્વેલર્સની શોપમાંથી લૂંટીને ભાગી જવાનાં કોને મનો ન થાય? (જવાબ : પકડાવાની વ્યવસ્થા ન હોય તો કેવળ પોલીસની બીકે!... ને એમાં ને એમાં જ હું મિડલ-ક્લાસીયો બનીને જીવી રહ્યો છું. નહીં તો મારાય અરમાનો હતા, મનેય મારા પોતાના વિમાનો હોવાના સપના આવે છે, હુંય અંબાણી કે અદાણી નહીં તો અશોક ‘દવાણી’ બનવાના ખ્વાબો જોઉં છું, પણ અમસ્તોય ચાર રસ્તે ઊભેલો કોઈ ટ્રાફિક-પોલીસ યાદ આવે છે, તો પાટલૂન સૂકું નથી રહેતું! હકી ઘણીવાર ટોણા મારે કે, ‘આજ સુધી એકેય પોલીસવારો તમને ઓરખતો નથ્થી? તમારી જિંદગી ધુરધાણી થઈ ગઈ...! કોક ’દિ આપણને અચાનક કામ પઈડું તો ઓરખાણું હોય તો કામમાં આવે...’ ‘પ્રભુને પ્રાર્થના કર કે, આપણે આખી જિંદગીમાં એમનું કે એમને આપણું કોઈ કામ ન પડે! યાદ છે, ફિલ્મ ‘જ્હોની મેરા નામ’માં દેવ આનંદ કહે છે, ‘યે પુલિસવાલે હૈં... ન ઈનકી દોસ્તી અચ્છી ન દુશ્મની!’ વળી, આપણે એ લોકોનું કામેય શું પડે? જો, હું જીવીશ ત્યાં સુધી કોઈ ખૂન-ખૂન કરવાનો નથી કે જેલમાં જવાનો નથી. આ ઘરમાં તારી પાસે મને જેલ જેવી જ પૂર્ણ અનુભૂતિ થાય છે. મારે બીજા પ્રવાસો કરવાની જરૂર નથી... પોલીસો તો ન ઓળખે ત્યાં સુધી સારું!’ પણ કબૂલ કરું છું કે, અમસ્તો એકવારેય ચાર રસ્તે કોઈ પોલીસવાળો મને રોકે છે, તો કાર એની નજીક પહોંચવાની 8-9 સેકન્ડમાં આઠ-દસ બહાનાં શોધી કાઢું છું. ‘સર, હું ફોન પર વાતો નો’તો કરતો... મારી વાઈફે મને કર્યો હતો. મને તો ખબરેય નહીં કે, ફોન એનો હશે... નહીં તો હું ઉપાડું?’ અથવા ‘સર-જી, આપને કશીક ભૂલ થઈ લાગે છે. મને તો કાન ઉપર ખંજવાળ આવતી’તી, એટલે મોબાઈલ કાન ઉપર ઘસતો હતો... ફોન તો કર્યો જ નથી!’ અને છેલ્લે, ‘સાહેબ, આજે લાઈફમાં પહેલીવાર જ ચાલુ ગાડીએ ફોન આવ્યો... મેં તો બધાને કહી જ દીધું છે કે, હું ગાડી ચલાવતો હોઉં ત્યારે મને ફોન નહીં જ કરવાનો! સર, બોલો, બીજા કોઈ મને ફોન કરે તો મને ખબર પડવાની છે? મારે ઉઠાવવો તો પડે જ ને?’ બસ. લેખ લખવાનું એકમાત્ર કારણ ‘સેફ્ટી’ પૂરતું છે. ક્રિકેટર રિષભ પંતનો આટલો ગંભીર અકસ્માત થયો એ પછી 4-5 વાતો શેર કરવાનું મન થાય છે. (1) સાંજે 7 પછી હાઈ-વે પર ગાડી ન જ લઈ જવાય. નાઈટ-ડ્રાઈવિંગ ભારે ખતરનાક છે. સામેથી આવતાં વાહનો ફુલ લાઈટ રાખતા હોય છે, જેમાં તમારે ઈશ્વર ભરોસે જ પસાર થઈ જતી એ 3-4 સેકન્ડ પતાવવાની હોય છે. (2) ગાડીમાં માથા ટેકવાની જગ્યાએ બે જોડેલાં ઓશિકાઓ હોય છે. એ ખેંચી લેવાથી લોખંડના બે સળિયા નીકળશે, જે ઈમરજન્સીમાં બારીના કાચ તોડવાના કામમાં આવશે. ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલ તો ‘ઓફ’ જ રાખો. અકસ્માત થવા માટે એક ક્ષણ જ કાફી છે. તમને બે-ત્રણ મિનિટ પહેલાં જાણ થતી નથી. (3) કોઈ નોનસેન્સ તરીકાથી તમને ઓવરટેક કરી ગયો, તો ભલે કરી ગયો... એને બતાવી દેવાની જરૂર નથી. (4) હાઈ-વે ઉપરેય સ્પીડ તો 70થી કોઈ કાળેય વધવી ન જોઈએ. ગાડીમાં તમારી સાથે બેઠેલાઓ માટે હીરો બની ન જાઓ. એ લોકોનું જીવન તમારી દયા ઉપર શું કામ હોવું જોઈએ? (5) શહેરમાં પણ ટ્રાફિક સિગ્નલ ઉપર તમને જોખમમાં મૂકનારા ટૂ-વ્હિલર્સવાળા છે. એમનો કોઈ ભરોસો નહીં, ક્યારે તમારી ડાબી બાજુથી ઓવરટેક કરીને જમણી બાજુ વળી જશે. એક્સિડન્ટ પછી એક જ દિવસ માટે દાખલ થવું પડે, ત્યારે દુનિયાભરના ભગવાનો યાદ આવી જાય છે. ઈશ્વરને યાદ કરવા માટે આખી જિંદગી પડી છે.{ ashokdave52@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.