તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લેક એન્ડ વ્હાઈટ:જ્યારે ઘરના મોભીની સાથે ઘર પણ ગુમાવવું પડે!

આશુ પટેલ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપણા દેશની તમામ સરકારો માટે આ શરમજનક હકીકત છે કે આવા કપરા સમયમાં પણ સંખ્યાબંધ દર્દીઓનું આર્થિક શોષણ થઈ શકે છે

કોરોના વાઈરસને કારણે આખી દુનિયા સામે ખતરો ઊભો થયો છે અને સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યાં છે એવી સ્થિતિમાં પણ ઘણાં વિકૃત લોકો બેફામ કમાણી કરવાની તક ઝડપી રહ્યાં છે એના કારણે કેટલાંય કુટુંબો આર્થિક રીતે બરબાદ થઈ રહ્યાં છે. આ સ્થિતિમાં મોટાભાગના ડોક્ટર્સ પોતાના જીવના જોખમે કોરોનાના દર્દીઓને બચાવવા ઝઝૂમી રહ્યા છે, પણ બીજી બાજુ ઘણી ખાનગી હોસ્પિટલ્સ અત્યારે માનવતા દાખવવાને બદલે બેફામ રકમના બિલ્સ દર્દીઓને કે તેમના કુટુંબોને પકડાવી રહી છે અને એ બિલ ચૂકવવા માટે દર્દીઓના કુટુંબોને ઘરેણાં, ઘર કે જમીન વેચવાની નોબત આવી હોય એવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. મહારાષ્ટ્રના યરવડામાં એક 86 વર્ષીય દર્દીની સારવાર માટે એક નામાંકિત હોસ્પિટલે બાર લાખ રૂપિયાનું બિલ પકડાવી દીધું. ઈન્શ્યોરન્સ કંપનીએ સાડા સાત લાખ રૂપિયા મેડિક્લેઈમ પેટે ચૂકવ્યા બાકીના પૈસા તે દર્દીના પિતાએ દેવું કરીને એકઠા કરવા પડ્યા હતા! તો મહારાષ્ટ્રમાં જ અન્ય એક હોસ્પિટલે એક દર્દીને એક દિવસનું એક લાખ રૂપિયાનું બિલ પકડાવી દીધું હતું! કર્ણાટકના માંડિયા જિલ્લાના શ્રીરંગપટના તાલુકામાં પિતાની સાથે ખેતી કરતા પચ્ચીસ વર્ષીય રમેશ ગૌડાના ભાઈ અને પિતાને કોવિડ-19 રોગ થયો. એ પછી તે યુવાને તેમને એક અત્યંત નામાંકિત હોસ્પિટલમાં દાખલ કર્યા, પણ તેણે એક જ સપ્તાહમાં ભાઈ અને પિતાને ગુમાવવા પડ્યા. તે ભાઈ અને પિતાને ગુમાવવાનું દુઃખ પચાવે એ પહેલાં તો મૈસૂરની અત્યંત પ્રતિષ્ઠિત એવી એ હોસ્પિટલે તેને 16 લાખ રૂપિયાનું બિલ પકડાવી દીધું! તે યુવાને તેના કુટુંબ પાસે હતી એ જ્વેલરી અને બીજી વસ્તુઓ વેચી. જોકે એમ છતાં બિલ ચૂકવવા માટે ઘણી રકમ ખૂટતી હતી એટલે નાછૂટકે તેણે તેની મૈસૂર-બેંગ્લુરુ હાઈવે પરની બે એકર જમીન વેચી દેવી પડી. તેણે બિલ ચૂકવ્યું એ પછી હોસ્પિટલે તેને તેના પિતાના અને ભાઈના ડેડબોડી આપ્યાં. રમેશ ગૌડાએ ભાઈ અને પિતાને ગુમાવી દીધા છે અને બીજી બાજુ તેના પર તેની નાની બહેન અને બીમાર માતાની જવાબદારી આવી પડી છે. અને હવે તેની પાસે નથી પૈસા, નથી બીજી કોઈ આવકનું સાધન! જુદાં-જુદાં રાજ્યોમાંથી આવા કેટલાય કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. બેંગ્લુરુની એક ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દી સુનીલકુમારનું મુત્યુ થયું. તેના કુટુંબે ખૂબ મથામણ કરીને તેમની સારવાર માટે ચાર લાખ રૂપિયા એકઠા કર્યા હતા, પરંતુ હોસ્પિટલે અગિયાર લાખ રૂપિયાનું બિલ પકડાવી દીધું! સુનીલકુમાર ઘરમાં એક માત્ર સભ્ય હતા જે કમાતા હતા અને બિલ ચૂકવવા માટે તેમના કુટુંબે ઘર વેચી દેવું પડ્યું. અમદાવાદમાં એક શોર્ટ ફિલ્મમેકર યુવાનને કોરોના લાગુ પડ્યો. કોરોનાને કારણે તેણે તેની માતાને ગુમાવવી પડી અને તે પોતે પણ કોરોનાને કારણે હોસ્પિટલાઈઝ થયો. એમાં તેને ખૂબ ખર્ચ થયો. તે યુવાન કોરોનામાંથી તો બચી ગયો, પણ પછી મ્યૂકરમાઇકોસિસને કારણે તેણે ફરી વાર હોસ્પિટલાઈઝ થવું પડ્યું અને હોસ્પિટલનું બિલ ચૂકવવા માટે તેણે પત્નીની જ્વેલરી વેચી નાખવી પડી, ઘર વેચી નાખવું પડ્યું અને ઉપરથી લાખો રૂપિયાનું દેવું કરવું પડ્યું! કોરોનાના દર્દીઓને મોટા બિલ્સ પકડાવવાને મુદ્દે (તમામ પક્ષોની) સરકારો બહુ ચિંતિત હોય એવું જણાતું નથી (અપવાદરૂપ કિસ્સામાં તેલંગાણાએ કોરોનાના દર્દીઓની સારવારમાં ગેરરીતિ આચરનારી, પ્રોટોકોલ્સ ન જાળવનારી અને કોરોનાના દર્દીઓને બેફામ બિલ પકડાવી દેનારી કેટલીક હોસ્પિટલ્સ સામે પગલાં લીધાં છે. જોકે તેલંગણા સરકાર પણ મોડે-મોડે જાગી હતી. તેલંગાણામાં 64 ખાનગી હોસ્પિટલ્સ સામે 88 ગંભીર ફરિયાદો થઈ હતી). આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે સરકારો આવાં ભ્રષ્ટ ડોકટર્સ અને ભ્રષ્ટ ખાનગી હોસ્પિટલ્સ સામે આકરાં (કે હળવાં પણ!) પગલાં લેતાં શા માટે અચકાતી હશે! આવા સમયમાં ખાનગી હોસ્પિટલ્સના સંચાલકો દર્દીઓને લૂંટતા હોય તો તેમનો કાન આમળવાની ફરજ સરકારોની છે અને એ મુદ્દે આપણા દેશની (તમામ પક્ષોની) સરકારો નિષ્ફળ સાબિત થઈ છે અથવા તો નિષ્ક્રિય રહી છે. અને કોર્ટે અનેક વખત સરકારોના કાન આમળવા પડ્યા છે. (આંધ્રપ્રદેશ હાઈકોર્ટે મે, 2021ના ત્રીજા સપ્તાહમાં આદેશ આપવો પડ્યો હતો કે કોરોનાના દર્દીઓને લૂંટાતા બચાવવા માટે કોરોનાના દર્દીઓનાં પેમેન્ટ્સ નોડેલ ઓફિસર થ્રૂ થવાં જોઈએ). આપણા દેશ માટે અને આપણા દેશની તમામ સરકારો માટે આ શરમજનક હકીકત છે કે આવા કપરા સમયમાં પણ સંખ્યાબંધ દર્દીઓનું આર્થિક શોષણ થઈ શકે છે કે તેમને યોગ્ય સારવાર મળી શકતી નથી. અને એથી વધુ મોટી કરુણતા એ છે કે જ્યારે સંખ્યાબંધ લોકો કોવિડ-19 કે લોકડાઉનને કારણે બરબાદ થઈ ગયાં છે - થઈ રહ્યાં છે ત્યારે જુદા-જુદા પક્ષોના સમર્થકો (અને સો કોલ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ્સ પણ) વિકૃતીની હદ સુધી જઈને સોશિયલ મીડિયા પર એકબીજાને (સરકારોને કે સરકારવિરોધીઓને) સામસામે ગાળો દેવામાં વ્યસ્ત છે! આપણા દેશમાં લોકોના જીવ કરતાં આઈડિયોલોજી વધુ મહત્ત્વની છે!{

અન્ય સમાચારો પણ છે...