બ્લેક એન્ડ વ્હાઈટ:જ્યારે ફિલ્મસ્ટાર્સને ફફડવાનો વારો આવે...

આશુ પટેલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મસ્ટાર્સ, પ્રોડ્યુસર્સ કે ડિરેક્ટર્સને ધમકી મળે એવા કિસ્સાઓ સમયાંતરે બનતા જ રહે છે અને ક્યારેક તો ફિલ્મસ્ટાર્સને વિચિત્ર કારણોથી ધમકીઓ મળતી હોય છે

થોડા દિવસ અગાઉ ફિલ્મસ્ટાર્સ વિકી કૌશલ અને કેટરીના કેફને ખૂનની ધમકી મળી. કેટરીના અને વિકીને કોણે ધમકી આપી એ તો હજી બહાર આવ્યું નથી, પણ ફિલ્મસ્ટાર્સને કે ફિલ્મ પ્રોડ્યુસર્સને કે ડિરેક્ટર્સને ધમકી મળે કે તેમના પર હુમલા થાય એવા કિસ્સાઓ સમયાંતરે બનતા રહે છે. થોડા દિવસો અગાઉ જ સલમાન ખાન અને તેના લેખક પિતા સલીમ ખાનને પણ ધમકી મળી હતી. સલમાન ખાનને તો અનેકવાર ધમકી મળી ચૂકી છે. આ અગાઉ ગયા વર્ષે મહેશ ભટ્ટ અને તેમની પુત્રી આલિયા ભટ્ટને પણ ધમકીઓ મળી હતી. મહેશ ભટ્ટની ઓફિસ પર તો ડોન રવિ પુજારીએ ફાયરિંગ પણ કરાવ્યું હતું. જોકે, એ વખતે મહેશ ભટ્ટ ઓફિસમાં નહોતા. આવો જ કિસ્સો 1997માં બન્યો હતો. રાજીવ રાયની ‘ગુપ્ત’ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ એ પછી તેમને ધમકીઓ મળવા લાગી હતી. રાજીવ રાયે એ ધમકીઓ અવગણી એટલે અંડરવર્લ્ડના ગુંડાઓએ રાજીવ રાયની ઓફિસમાં જઈને ફાયરિંગ કર્યું હતું. એ પછી રાજીવ રાય ડરીને લંડન જતા રહ્યા હતા અને છેક 14 વર્ષનો પરદેશવાસ ભોગવીને 2011માં પાછા ભારત આવ્યા હતા! અગાઉ ફિલ્મસ્ટાર્સ, પ્રોડ્યુસર્સ કે ડિરેક્ટર્સને ખંડણીઓ માટે બહુ ધમકી મળતી હતી. થોડાં વર્ષો અગાઉ તો કોઈ પ્રોડ્યુસર કે ડિરેક્ટરને કોઈક ચોક્કસ હીરો-હિરોઈનને સાઈન કરવા માટે પણ ધમકી મળે એવા કિસ્સાઓ પણ બનતા હતા. અક્ષયકુમારને પણ આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. 2013માં રવિ પુજારીએ અક્ષયકુમારને ધમકી આપી હતી. એ વખતે જોકે અક્ષયકુમારને વિચિત્ર કારણ માટે ધમકી મળી હતી. અક્ષયકુમારે તેના ઘરમાંથી એક નોકરાણીને કાઢી મૂકી એટલે રવિ પુજારીએ અક્ષયકુમારને ધમકી આપી હતી! મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પણ ધમકીઓ મળી ચૂકી છે. 2010માં એક બ્લોગર અમિતાભ બચ્ચનને અને તેમના કુટુંબને ધમકી આપતો હતો. એ પછી અમિતાભ બચ્ચનને તેમના પર્સનલ મોબાઈલ નંબર પર ધમકીઓના મેસેજ મળવા લાગ્યા ત્યારે તેમણે મુંબઈ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ‘હેપ્પી ન્યૂ યર’ ફિલ્મની રિલીઝ અગાઉ શાહરુખ ખાનને ફિલ્મના સેટ પર ધમકી મળી હતી. તેને એવી ધમકી આપતો પત્ર મળ્યો હતો કે શાહરુખ ખાન અમારો હવે પછીનો શિકાર છે. એ પછી થોડા દિવસો બાદ તેની ઓફિસ પર કોલ આવ્યો હતો. એમાં કહેવાયું હતું કે ટૂ જી સ્કેમ અને મની લોન્ડરિંગ કેસના આરોપીઓ એવા મોરાની બ્રધર્સ સાથે કામ કરવાનું બંધ કરી દે. એ ધમકીને કારણે શાહરુખ ખાને કરોડો રૂપિયા ખર્ચીને બુલેટપ્રૂફ અને બોમ્બપ્રૂફ કાર ખરીદવી પડી હતી (એ સમયમાં ‘હેપ્પી ન્યૂ યર’ના અભિનેતાઓ બોમન ઈરાની અને સોનુ સુદને પણ ધમકીઓ મળી હતી). ટોચની અભિનેત્રી કંગના રનૌતની બહેન રંગોલી પર 2007માં કોઈએ તેજાબ ફેંક્યો હતો અને એ જ વ્યક્તિએ પછી કંગનાનું ખૂન કરી નાખવાની ધમકી પણ આપી હતી. એ વખતે કંગનાએ પોલીસની મદદ માગવી પડી હતી. ફિલ્મ પર્સનાલિટીઝને અવનવા કારણોથી ધમકીઓ મળતી હોય છે. પ્રિયંકા ચોપરાની કઝીન મીરાં ચોપરાએ દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા જુનિયર એનટીઆર વિશે કહ્યું કે હું તેને જાણતી નથી ત્યારે તેને રેપ કરવાથી માંડીને ખૂન કરવા સુધીની કેટલીય ધમકીઓ મળી હતી. આમીર ખાનને પણ આ રીતે ધમકીઓ મળી ચૂકી છે. આમીર ખાનનો ટીવી શો ‘સત્યમેવ જયતે’ પ્રસારિત થયો એ પછી આમીર ખાનને અનેક ધમકીઓ મળી હતી. એ પછી આમીર ખાને દસ કરોડ રૂપિયા ખર્ચીને બુલેટપ્રૂફ અને બોમ્બપ્રૂફ મર્સીડિઝ બેન્ઝ એસ-600 કાર ખરીદવી પડી હતી. આમીર ખાને એ કાર લીધી ત્યારે બુલેટપ્રૂફ અને બોમ્બપ્રૂફ કારનો ઉપયોગ કરનારો એ ત્રીજો ભારતીય બન્યો હતો. એ અગાઉ એ સમયના વડાપ્રધાન મનમોહન સિંહ અને વિખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જ બુલેટપ્રૂફ અને બોમ્બપ્રૂફ કાર વાપરતા હતા. ફિલ્મસ્ટાર્સ, પ્રોડ્યુસર્સ કે ડિરેક્ટર્સને ધમકીઓ મળતી હોય છે એમાંથી દરેકે દરેક ધમકીઓ પોકળ નથી હોતી. ઘણી વખત અંડરવર્લ્ડના ગુંડાઓ એ ધમકીઓ અમલમાં પણ મૂકતા હોય છે. ફિલ્મ અભિનેતા-નિર્માતા રાકેશ રોશને તેમના દીકરા રિતિક રોશનને લોન્ચ કરવા માટે ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મ બનાવી. એ ફિલ્મ રિલીઝ થઈ એ પછી તેને પ્રચંડ સફળતા મળી એના પગલે તેમને ધમકીઓ મળવા લાગી હતી. જોકે તેમણે એ ધમકીઓને ગણકારી નહોતી એટલે 21 જાન્યુઆરી, 2000ની સાંજે મુંબઈના સાંતાક્રુઝ ઉપનગરમાં તિલક રોડસ્થિત તેમની ઓફિસની બહાર તેઓ કારમાં બેસવા જતા હતા એ વખતે અંડરવર્લ્ડના બે શૂટર્સ ત્યાં ધસી આવ્યા હતા અને તેમણે રાકેશ રોશન પર ફાયરિંગ કર્યું હતું. એ વખતે રાકેશ રોશનને એક ગોળી ડાબા હાથમાં અને બીજી છાતીમાં વાગી હતી. જોકે તેઓ બચી ગયા હતા. રાકેશ રોશન પર ફાયરિંગ થયું એનાં ત્રણ વર્ષ અગાઉ ગુલશનકુમારને ધમકીઓ મળતી હતી. ગુલશનકુમારને મુંબઈ પોલીસ પર ભરોસો નહોતો. એટલે તેમણે ઉત્તર પ્રદેશ પોલીસ પાસેથી પ્રોટેક્શન મેળવ્યું હતું. પરંતુ એક દિવસ ઉત્તર પ્રદેશ પોલીસે તેમને આપેલો બોડીગાર્ડ ક્યાંક બહાર ગયો હતો અને એ દિવસે સવારે નિયમિત રીતે ગુલશનકુમાર મુંબઈના અંધેરી ઉપનગરના પશ્ચિમ વિસ્તારના જીતનગર સ્થિત જીતેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા કરવા માટે ગયા હતા. એ વખતે તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કરીને તેમની હત્યા કરી દેવાઈ હતી. એ વખતે ગુલશનકુમારને કુલ 16 ગોળીઓ વાગી હતી!{

અન્ય સમાચારો પણ છે...