તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફબીટ:વરસાદ પડે ત્યારે...

અંકિત ત્રિવેદીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

FM પર વરસાદનાં ગીતો આવે. નળિયાં, છાપરાંને જીભ ફૂટે. છતને ટપકવાનું મન થાય. પાણી ચૂવતી ધરતીમાંથી સોડમ મહેકે. વાછટ બારીના પડદાને ભીનો કરે. ભેજ સાંજની લાલીમા જેવો દીવાલ પર સહી કરે. ખાડા ખાબોચિયાં બની જાય. ઉંમર રીવાઈન્ડ થઈને સોળ ઉપર સ્થિર થઈ જાય. કુંડાંના છોડને વગડાનું સરનામું મળે. પ્રકૃતિ જાણે લીલા રંગના ગોગલ્સ પહેરે! વરસાદ પડે ત્યારે... આંખોનાં આંસુને ઓરમાયું ના લાગે! ભીંજાતી વખતે વિરહના અગ્નિમાં આહૂતિ અપાતી હોય. તબક્કા પ્રમાણે વરસાદ સેટ થઈ ગયો હોય છે. શ્વાસના પાસપોર્ટ ઉપર ઉંમરે થપ્પો માર્યો હોય ત્યારે વર્ષે વિદેશથી ફરવા આવતો વરસાદ કાયમ બદલાઈ ગયેલો લાગે! બાળપણમાં ઊની-ઊની રોટલી અને કારેલાંનું શાક ખાઈને–ગાઈને ઊજવાતું! યુવાનીમાં વરસાદ પહેરીને ફરતાં હોય એવી અદાયગી હતી. ઉંમરની સાથે વરસાદને પણ બદલાઈ જવું પડે છે. વરસે છે ત્યારે બહુ ગમે છે. એમ થાય કે, વાદળાંને ભેટી પડીએ. એમ થાય કે, આની જેમ જ વરસી જઈએ. એમ થાય કે, બધું લીલું છે એને વધારે લીલું કરી દઈએ. એમ થાય કે, વહી નીકળીએ એ જ રસ્તા પર જ્યાં નદીઓ મળે છે. એમ થાય કે, વરસવાનું બંધ કરે તો એને ચાતકના સોગંધ આપીએ! આપણને થાય એવું એને થાય? એની તરજમાં કોણ લખે શબ્દો? એમાં ને એમાં છાંટાને ટીપાંનો પરસેવો વળે છે. એમ થાય કે, બધું જળબંબાકાર થઈ જાય તો ભલે! આકાશને હેઠું આવવાનું મન તો થશે! રેઢાં મૂકેલાં વાદળો ધરતીનાં ધણ સુધી તો પહોંચે! એમ થાય કે, કશું થાય જ નહીં! બારી પાસે બેસીને આપણું નામ વટાવતો લાગે છે. વાયદો પૂરો કરવા છેલ્લી વાર વરસ્યો હોય એવું લાગે છે. વરસાદ જેને માફક આવ્યો એ બધાં આભની જેમ ઘેરાઈ જવાની તાલાવેલી જગવીને બેઠાં. જેને માફક નથી આવ્યો એ લોકોનો સ્વભાવ થોડો ચામાં ઉમેરાતાં ગરમ મસાલા જેવો બન્યો. માફક આવ્યો છે એવાં લોકો પણ ક્યાં ઓછાં છે? સ્હેજ વાછટથી પણ અકળાઈ જાય, ઘરના આંગણેથી ગાડીમાં બેસતાં સુધીનું ભીંજાવું પણ ના ખપે! ભીનો હોય તો પણ ચાલુ રહે છે એવા મોબાઈલને પલળતો સહન ન કરી શકે. પોતે ટફનગ્લાસ જેવાં બની જાય. વરસાદ પડે ત્યારે આલ્બમ ખૂલે છે એવું, જેમાં ફોટા જ નથી હોતા! મૂકવાના રહી ગયા હોય છે એવું પણ નથી. બધું જ પૂર્ણ છે અને તસવીરમાં સમાઈ શકે એમ નથી એવી અવસ્થાનું આલ્બમ ખૂલે છે. ધબકારા ભીંજાઈ ગયા છે એની ખબર ખુલ્લાં બારી-બારણેથી વાછટ થઈ આવતા વરસાદથી પડે છે. ચશ્માં પર લાગેલા ભેજમાં કોરા દસ્તાવેજ પર કરેલી સહી ઊપસે છે. વધુ દોડવાનું છે અને ક્યાંય પહોંચવાનું નથી એની બાતમી મળે છે. કાગળની હોડી સુકાઈને એ જ આલ્બમમાં સ્થિર છે જ્યાં કોઈ સેલ્ફી, પેનોરમા કે પોટ્રેટના મોડ નથી. વરસાદ છે. રાજા જેવું કામ છે એનું! બધાંને વરસતાં-વરસતાં વરસવાનું રજવાડું આપી જાય! ઊઘાડી અને ઊગાડી જાય ભીતરને... થાય તો થવા દેવાનું ચૂપચાપ... વરસાદ પડે ત્યારે...⬛ ઑન ધ બીટ્સ ‘હતાં કંઈ તરબતર એવા સુરાલયમાંથી નીકળીને, જુએ કોઈ તો સમજે જાય છે વરસાદ પ્હેરીને.’ - મરીઝ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...