મનદુરસ્તી:જ્યારે સંતાન અવગણનાનું ગણિત ગણે ત્યારે…

ડૉ. પ્રશાંત ભીમાણી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાયપર એક્ટિવ બાળકોની વધુ પડતી ચંચળતા એમના અભ્યાસ પર વિપરીત પરિણામો આપે છે

ડોક્ટર, આ અમારો મોટો દીકરો દર્શ છે. એ પાંચમા ધોરણમાં છે. એની સ્કૂલમાંથી સતત ફરિયાદો આવે છે. એ ક્લાસરૂમમાં શાંતિથી જપીને બેસતો જ નથી. કોઇ ને કોઇ રીતે બીજાને હેરાન કરે. હમણાં તો ગણિતમાં નાપાસ થયો છે. ટીચર કંઇ બોલે તો ટીચર સામે ગુસ્સો કરે. હમણાંથી તો ઘરમાં પણ ગુસ્સો કરવા માંડ્યો છે. હજુ ગયા વર્ષ સુધી એનું વર્તન ખૂબ સરસ હતું. એકદમ આજ્ઞાંકિત અને ડાહ્યો લાગે. લોકો પણ એના વખાણ કરતા થાકતા નહોતા. મને લાગે છે લોકોની નજર લાગી ગઇ, મારા દર્શ ઉપર! એ નહીં ભણે તો આ એન્જિનિયરિંગ ટૂલ્સ મેન્યુફેક્ચરિંગનો આટલો મોટો બિઝનેસ કોણ સંભાળશે? એના ડેડી સમીપે તો યુ.એસ.થી એમ.બી.એ. કરેલું છે. હું પણ ઓનલાઇન બૂટીકનો બિઝનેસ કરું છું. અમારે ગયા વર્ષે જ એક દીકરી પણ આવી. જો દર્શ આવું ને આવું કરશે તો એના ભવિષ્યનું શું? અત્યારે અમે 60-70 જણને સેલેરી આપીએ છીએ, એવું તો નહીં થાય ને કે, દર્શ પોતે જ ક્યાંક ઓછી સેલેરી પર ભવિષ્યમાં કામ કરતો હોય?’ પૂર્વાએ આંખોમાં પાણી સાથે વાત રજૂ કરી. એ સ્પષ્ટ હતું કે, દર્શને બેધ્યાનપણાની સમસ્યા હતી. યેનકેન પ્રકારેણ એવો ઉત્પાત મચાવતો કે જેથી એના પર તરત ધ્યાન જાય જ. હાયપર એક્ટિવ બાળકોની વધુ પડતી ચંચળતા એમના અભ્યાસ પર વિપરીત પરિણામો આપે છે. અલબત્ત, એમનો I.Q. ઓછો હોય તેવું જરૂરી નથી. પરંતુ, જો યોગ્ય સારવાર ન મળે તો આગળ-ઉપર અન્ય અભ્યાસલક્ષી અને વ્યાવસાયિક કાર્યો પર અસર પડી શકે છે. ઘણી વાર ઉતાવળે કોઇ માનસિક વિકૃતિનું મસમોટું લેબલ આપવા કરતાં વર્તનનાં કારણોની સર્વાંગી સમજ વધુ ઉપયોગી નીવડે છે. ‘જામા સકાયટ્રી’ જર્નલમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર જો કે.જી. દરમ્યાન બાળકમાં ધ્યાન કેન્દ્રિત કરવાની અક્ષમતા અને આક્રમકતા જોવા મળે તો એ બાળક પુખ્ત વયનું થાય ત્યારે એની આવક અન્ય બાળકોની સરખામણીમાં ઓછી જોવા મળે છે. કેનેડાના ક્યુબેક શહેરનાં 5થી 6 વર્ષનાં 2,850 કે.જી.નાં બાળકો પર એક દીર્ઘકાલિન અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ બાળકો જ્યારે 28થી 30 વર્ષનાં થયાં ત્યારે તેમના સરકારી ટેક્સ રિટર્ન અન્ય લોકો સાથે સરખાવવામાં આવ્યાં. આમાં I.Q., પારિવારિક સમસ્યાઓ અને અન્ય પાસાંઓને લક્ષમાં લીધા પછી સંશોધકોને એવું જાણવા મળ્યું કે, છોકરાઓ અને છોકરીઓ બંને માટે કે.જી.માં એ બાળકો દ્વારા પ્રદર્શિત થયેલું બેધ્યાનપણું, તીવ્ર ચંચળતા અને આક્રમકતા મોટી ઉંમરે પણ નકારાત્મક અસરો દર્શાવે છે. જ્યારે વિશેષ કરીને છોકરાઓમાં માતા-પિતાનો વિરોધ કરવો, સૂચનાઓનું પાલન ન કરવું, અન્ય બાળકોને પોતાનો નાસ્તો કે વસ્તુ શેર ન કરવા, તેમજ પોતાની નિષ્ફળતા માટે બીજાઓ પર દોષારોપણ કરવાની વૃત્તિ જોવા મળે છે. આ બધું પ્રમાણમાં છોકરીઓમાં ઓછું જોવા મળે છે. પ્રથમ દૃષ્ટિએ આ વાત સાવ સાદી લાગે પણ જ્યારે વૈજ્ઞાનિક સંશોધનની આ વર્તન સમસ્યા પર મહોર લાગે ત્યારે આ પ્રશ્નને ગંભીરતાથી લેવો જોઇએ. અહીં ખાસ સ્પષ્ટતા એ છે કે, આ બાળકો સંપૂર્ણ A.D.H.D.થી પીડાતાં નહોતાં. માત્ર થોડી ચંચળતા અને બેધ્યાનપણું હતું. એટલે ‘બિનજરૂરી તીવ્ર નિદાન’થી બચવું જોઇએ સાથે જ વર્તન સમસ્યાની અવગણના પણ ન થવી જોઇએ. દર્શનું સમસ્યાયુક્ત વર્તન દૂર કરવા એને પૂરતું ધ્યાન મળે તે જરૂરી તો હતું જ સાથે માતા-પિતાએ પણ બે બાળકોના ઉછેરમાં સંતુલન જળવાય એ માટે પ્રથમ બાળકને બીજા બાળકના જન્મ પહેલાંથી માનસિક રીતે તૈયાર કરવું જોઇએ એવી સમજ સ્પષ્ટ કરવામાં આવી. આવનાર બીજું બાળક પોતાનો પ્રેમ છીનવી લેશે તેવા ભયને બદલે પરિવાર મોટો થશે તો પ્રેમ વધશે તે બાબત મોટા સંતાનમાં પુષ્ટ થાય તે જરૂરી છે. આ માટે એને વાર્તાઓ દ્વારા કે અન્યનાં ઉદાહરણો દ્વારા સમજાવી શકાય. નાના બાળકની સાર-સંભાળ રાખવામાં મોટા બાળકની જવાબદારીવાળી ભૂમિકા નક્કી કરી શકાય. આનાથી મોટા સંતાનમાં આત્મગૌરવ વધે છે. એ પોતાને પરિવારનો મહત્ત્વનો હિસ્સો સમજતું થાય છે. દર્શની આક્રમકતા મનોચિકિત્સાથી દૂર થઇ. એનામાં સલામતી અને પ્રેમ વધ્યાં. આ સારવાર દરમિયાન માતા-પિતાની ધીરજ એક મહત્ત્વનું પરિબળ હોય છે. વિનિંગ સ્ટ્રોક : બાળકોને તો ઠીક પણ કેટલાંક મોટાઓને પણ અવગણના નડે છે, જે અન્ય વર્તનો દ્વારા છતી થતી હોય છે.⬛ drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...