મનદુરસ્તી:તમે ગમે તે કરો પણ મારે ઊંઘવું જ નથી

13 દિવસ પહેલાલેખક: ડૉ. પ્રશાંત ભીમાણી
  • કૉપી લિંક
  • અતાર્કિક ભયને અચેતન મનમાંથી કેથાર્સિસ દ્વારા ઉલેચવામાં આવે છે અને થેરેપી દ્વારા દૂર કરવામાં આવે છે

રોમાંચની આંખો લાલ હતી. આંખ નીચે કાળાં કુંડાળાં હતાં. તે વારંવાર હાથમાં રહેલી સ્માર્ટ વોચ જોયા કરે. કમરમાં ટાઇટ બેલ્ટ પહેરેલો હતો. હાથમાં કોફીનો ગ્લાસ લઇને જ એ પત્ની જીની સાથે કન્સલ્ટિંગ રૂમમાં પ્રવેશ્યો. પહેલી નજરે જ ખ્યાલ આવે એવું હતું કે રોમાંચની ઊંઘ બરાબર થઇ નથી. ઉજાગરો એની આંખોમાંથી ડોકિયાં કરી રહ્યો હતો. ચહેરા પર તણાવ અને ભયની રેખાઓ સ્પષ્ટ જણાઇ આવતી હતી. રીનાએ વાત શરૂ કરી. ‘ડોક્ટર, રોમાંચને એક વિચિત્ર સમસ્યા છે. એ રાત્રે ઊંઘતો જ નથી. એવું નથી કે એને અનિદ્રાની તકલીફ છે. એ રાત્રે બેડરૂમમાં બધી લાઇટ્સ ચાલુ રાખે. વારે વારે મોઢું ધોયા કરે. રાત્રે અપબીટ્સ એટલે ધમાલિયું મ્યુઝિક સાંભળ્યા કરે. સાથે ટી.વી. પર ન્યૂઝ તો ચાલુ જ હોય. વિદેશમાં દિવસ ચાલુ થાય અને અહીં રાત્રે એના ઓવરસીઝ કોલ્સ ચાલુ થાય. રોજ અલગ-અલગ ઓળખીતાઓને ફોન કર્યા કરે. અલક-મલકનાં ગપ્પાં મારે. મારો સગો ભાઇ રચિત પણ અમેરિકા છે. એને તો રોજ ફોન કરે. હવે ડોક્ટર, રોજ શું ખબર-અંતર પૂછવાનાં!’ રચિત અત્યારે માસ્ટર્સ ભણે છે. એને ચાલુ ક્લાસે ડિસ્ટર્બ્ડ કરે. એણે કહ્યું કે, દીદી આ જીજાજી કેમ મને હમણાંથી રોજ ફોન કરે છે? કંઇ ખાસ પ્રેમ ઉભરાઇ આવ્યો છે કે શું? પણ મને કંઇ ખબર પડતી નથી. એક દિવસે હું વહેલી ઊઠી તો રોમાંચ બેઠો-બેઠો બારીની બહાર જોયા કરતો હતો. માથા પર જોરથી રૂમાલ બાંધી દીધેલો અને કોફીનો મગ હાથમાં લઇને બેઠો હતો. મેં એને પૂછ્યું કે તું રાત્રે સૂતો કેમ નથી? તો એણે કહ્યું કે, જીની મને ઊંઘ તો ખૂબ આવે છે. પણ, મને ઊંઘવાની બીક લાગે છે. જો હું ઊંઘી જઇશ અને ઊંઘમાં જ મને હાર્ટએટેક આવશે તો? તમારાં બધાંનું શું થશે? મારી સ્માર્ટ વોચમાં મારી પલ્સ ચેક કર્યા કરું છું. ફિટ બેલ્ટ એટલા માટે બાંધું છું કે હું રિલેક્સ થઇને ગમે ત્યારે સૂઇ ન જાઉં. છેલ્લે હું જ્યારે સૂઇ ગયો હતો ત્યારે ભયંકર સપનાં આવ્યાં હતાં. મારી સ્મશાનયાત્રા નીકળી છે, ખૂબ વરસાદ છે અને ઇલેક્ટ્રિક સ્મશાનમાં વેઇટિંગ છે. મારી પર પણ ક્યાંકથી છાંટા ઉડે છે અને પછી હું ઝબકીને જાગી જઉં છું. જ્યારે જ્યારે હું છેલ્લા મહિનાથી ઊંઘી ગયો છું ત્યારે ડરામણાં સપનાં આવે છે. એટલે હું ઊંઘી શકતો નથી. અલબત્ત, ઊંઘવા માંગતો નથી’ રોમાંચે કહ્યું. રોમાંચને જે સમસ્યા છે તેને ‘સોમ્નિફોબિઆ’ નામનો એંગ્ઝાયટી ડિસઓર્ડર કહેવાય છે. ઊંઘી જવાનો વિકૃત ભય વ્યક્તિને થકવી નાંખે છે. જે શારીરિક નકારાત્મક અસરો અનિદ્રાને લીધે થાય છે તેવી જ અસરો સોમ્નિફોબિઆના દર્દીને પણ થાય છે. આ સમસ્યાને ‘હીપ્નોફોબિઆ’ અથવા ‘ક્લિનોફોબિઆ’ પણ કહેવાય છે. જેમ જેમ રાત નજીક આવે તેમ-તેમ દર્દીને આ વિકૃત ભય વધતો જાય છે. કેટલાંકને સૂવાના સમયે પેનિક એટેક્સ પણ આવે છે. દિવસ દરમ્યાન કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. યાદશક્તિ બગડે છે. ચીડિયાપણું વધે છે. ક્યારેક ઉલ્ટી આવવા જેવી અને અન્ય પાચન સંબંધિત સમસ્યાઓ થાય છે. જો બાળકોમાં થાય તો તેઓ રાત પડતાં જ રડવાનું ચાલુ કરી દે છે. મા-બાપને છોડતાં નથી. રોમાંચના કિસ્સામાં એના દાદાથી એ ઇમોશનલી સૌથી વધુ નિકટ હતો. એકદમ હેલ્ધી દેખાવા છતાં એમનું મૃત્યુ ઊંઘમાં જ થઇ ગયું હતું. અલબત્ત, એમનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટને લીધે થયું હતું. રોમાંચના પપ્પાને પણ હૃદય સંબંધિત સમસ્યાઓ હતી, પરંતુ એ સ્વસ્થ હતા, પણ અગત્યની વાત એ હતી કે રોમાંચ એના પિતા સાથે ભાવનાત્મક રીતે કંઇ ખાસ જોડાયેલો નહોતો. મમ્મી સાથે પણ ઠીક-ઠીક સંબંધો હતા. આ પરિસ્થિતિમાં પોતાની લાગણીનો આધાર ખોવાયા પછી ‘અમારા આખા પરિવારમાં વારસાગત હૃદયની બીમારી છે, એટલે હું પણ ઊંઘમાં જ મરી જઇશ.’ એવી ભયયુક્ત અણસમજને લીધે રોમાંચમાં આ સોમ્નિફોબિઆ ડેવલપ થઇ ગયો હતો. ઘણી વાર સોમ્નિફોબિઆમાં આવાં સીધા દેખાતાં કારણો નથી પણ હોતાં. આવા કિસ્સામાં સાયકોથેરેપી સરસ કામ આપે છે. અતાર્કિક ભયને અચેતન મનમાંથી કેથાર્સિસ દ્વારા ઉલેચવામાં આવે છે અને થેરેપી દ્વારા દૂર કરવામાં આવે છે. રોમાંચને રિલેક્સેશન અને કોગ્નિટિવ બિહેવીયર થેરેપી દ્વારા સારવાર આપવામાં આવી. સ્લીપ હાઇજીન નક્કી કરવામાં આવ્યું. દિવસે જાગીને હવે એ રાત્રે શાંતિથી સૂવા લાગ્યો છે. વિનિંગ સ્ટ્રોકઃ લાગણીથી આધારિત થવાનું કેન્દ્ર એક જ વ્યક્તિ પરત્વે હોવું કે રાખવું ક્યારેક ખતરનાક નીવડી શકે.⬛ drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...