મનદુરસ્તી:હું એના માટે જે કરું એ એને ઓછું જ પડે છે!

ડૉ. પ્રશાંત ભીમાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

‘કદાચ બહુ ઓછા હસબન્ડ્સ મારા જેવા હશે કે જે વાઇફનાં આવાં નાટકો ચલાવી લે. ડોક્ટર, ઋષિકા સાથે મારે પ્રેમ કયા ચોઘડિયામાં થયો એ જ ખબર નથી. એની પાછળ હું એટલો બધો સમય અને એનર્જી ખર્ચી નાખું છું કે લાગે છે કે હવે મને જ ડિપ્રેશન આવશે. હું એના માટે જે કરું એ એને ઓછું જ પડે છે.’ ત્રીસ વર્ષના સપને અકળામણ સાથે પ્રેમિકામાંથી પત્ની બનેલી ઋષિકાની કમ્પ્લેઈન કરી. ઋષિકા તરત જ પોતાના વિશે વાત કરવા માંડી. ‘ડોક્ટર, સપનને કદાચ એ જ ખબર નથી કે હસબન્ડ તરીકે પોતાની વાઇફને કેટલો ક્વોલિટી ટાઇમ આપવો જોઇએ. એણે એનું ફેમિલી હોય કે અમારૂ ફ્રેન્ડ્સનું ગ્રૂપ હોય, ક્યારેય મને મહત્ત્વ નથી આપ્યું. બધાં મારાં મેક-અપનાં અને ડ્રેસિંગનાં વખાણ કરે. અફકોર્સ કેટલીક જેલસ છોકરીઓ ન પણ કરે. પણ, બધા મેલ ફ્રેન્ડ્સ હંમેશાં મારાં ખૂબ વખાણ કરે પણ સપનને એ ય ન ગમે. લોકોને મારી સ્પીચ, મારા વિચારો, મારા ઓપિનિયન બધું જ ગમે. મારા ઇન્સ્ટા પરના ફોલોઅર્સની લાઇક્સ અને કમેન્ટ્સ જુઓ તો ખબર પડે લોકો મને કેટલી પસંદ કરે છે. એક ઓનલાઇન ફ્રેન્ડે તો એવું પણ કહી દીધું હતું કે ‘વ્હાય ડોન્ટ યુ ટ્રાય ઇન મૂવીઝ?’ મતલબ લોકો મને એપ્રિશિએટ કરે, પણ સપન જ નથી કરતો. તમે એને કંઇક સમજાવો.’ ઋષિકાની ડિટેઇલ હિસ્ટ્રી લીધા પછી એના વર્તનની વિશેષતાઓ અને માન્યતાઓને આધારે એની સમસ્યાનું નિદાન ‘હિસ્ટ્રીઓનિક પર્સનાલિટી ડિસઓર્ડર’ તરીકે થયું. આ વ્યક્તિત્વ વિકૃતિ ધરાવતાં લોકો ઓવર ઇમોશનલ અને નાટકીય હોય છે. એમનું વર્તન દેખાડો કરવાનું અને બહિર્મુખી વધારે હોય છે. આ વિકૃતિનું એક કેન્દ્રીય લક્ષણ છે, ‘એટેન્શન સીકિંગ બીહેવિયર’. મતલબ એને સતત એવી જ ઇચ્છા હોય કે બધાં મારી જ ઉપર ધ્યાન આપે અને મને જ સાંભળે. વાત નાની હોય પણ એને અત્યંત નાટકીય અને મહત્ત્વપૂર્ણ લાગે એવા શબ્દોનો શણગાર કરીને પ્રસ્તુત કરે. જો લોકો ખાસ ધ્યાન ન આપે કે અવગણના કરે તો ક્યારેક ધમપછાડા અને રડારોળ સુદ્ધાં કરી બેસે. મનોમન કોઇના પ્રેમમાં પડી જવું અને વિજાતીય આકર્ષણ વારંવાર થવું એ બહુ સામાન્ય જોવા મળે છે. આવાં લોકો મોટે ભાગે જાતીય કલ્પનાઓમાં વધુ રાચે છે. અલબત્ત, સંબંધો તો એમના ઉપરછલ્લા જ રહે છે. શરૂ-શરૂમાં બીજાને ઇમ્પ્રેસ કરી નાંખે પણ અંદરથી ઇમોશનલ ખોખલાપણું જ હોય છે. ઋષિકાની સમસ્યાનાં કારણો એના બાળપણમાં સ્પષ્ટ રીતે જણાઇ આવતાં હતાં. એની મમ્મી અને દાદી વચ્ચે સતત એ વાતે સંઘર્ષો થતાં રહેતાં કે દાદી વધારે બોલકાં અને બ્યૂટીફૂલ એવાં કાકીને વધારે મહત્ત્વ આપે છે. નાનપણથી આ ભેદભાવયુક્ત વર્તન અને સરખામણી જોઇને ઋષિકાના અંતરમનમાં અનેક સવાલોના વમળો ઊભાં થઇ ગયાં હતાં. પોતાની મમ્મીને થયેલો અન્યાય પોતાની સાથે ના થાય એવી અજાણ ભાવનાથી ઋષિકાનું વર્તન એટેન્શન સીકિંગ બનવા માંડ્યું હતું. એના બાળપણના આ દુઃખદ અનુભવોને ઋષિકા કોઇ પણ રીતે જાણે-અજાણે નકારવા માંડી હતી. ખૂબ દુઃખદાયક કે આઘાતજનક બનાવો પ્રત્યે બનાવટી હાસ્ય કે માત્ર ખોખલો આત્મવિશ્વાસ દર્શાવવાની ધીરે ધીરે એને ટેવ પડતી ગઇ. જોકે, આ સમગ્ર ‘બચાવ પ્રયુક્તિ’ વ્યક્તિમાં કુદરતી રીતે જ ‘અહમ્’ના રક્ષણ માટે ઊભી થતી હોય છે. એનાથી જે-તે સમયે વ્યક્તિ પડી ભાંગતા બચી જાય છે. પછી મોટી ઉંમરે પણ આ બચાવ પ્રયુક્તિ દમિત થયેલી લાગણીઓને આવા વર્તન વિકૃતિ સ્વરૂપે અભિવ્યક્ત કરે છે. આવાં લોકોમાં જરૂર હોય છે, મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી લાગણીનો અરીસો બતાવવાની. પોતાની અંદર ચાલતી લાગણીઓનું સ્પષ્ટીકરણ કર્યા પછી હિપ્નોથેરપી જેવી મનોવિશ્લેષણવાદી સારવાર ખૂબ ઉપયોગી થાય છે. ઋષિકાની સાથે સપનનું પણ કાઉન્સેલિંગ થયું અને બંને જણ હવે એકબીજાને વધુ સારી રીતે સમજી શક્યાં. પરસ્પર માટેની ફરિયાદો હવે મોટેભાગે ઓછી થઇ છે. વિનિંગ સ્ટ્રોક સંતાનોના ઉછેર દરમિયાન પરિવારના અન્ય સભ્યોની પણ સારી-નરસી અસરો પડ્યા કરતી હોય છે. પછીની પેઢીના ઉછેરમાં પરિવારના બધા સભ્યોની સહિયારી જવાબદારી હોય છે. drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...