મનદુરસ્તી:એક દિવસ કકળાટ કાઢવાથી શું થશે ?

ડૉ. પ્રશાંત ભીમાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

‘જો શાશ્વત મારી જોડે મગજમારી ન કરીશ. મારે આજે બહુ કામ છે. સાંજે કકળાટ કાઢવા જવાનું છે. તારા મમ્મીના પાછા ઓર્ડર હોય એ પ્રમાણે મારે જ બધી રસોઇ કરવી પડશે. હું તો જાણે ઘરની નોકરાણી થઇને રહી ગઇ છું. આટલા પૈસાને શું કરવાના? એક રસોઇઓ રાખવામાં થોડો પહાડ તૂટી પડે છે? હું ઓફિસ પણ સંભાળું અને આ દહીં-વડા પણ કરું એવી તું મારી પાસે કેવી રીતે અપેક્ષા રાખી શકે? મેરેજ કરતી વખતે આપણે આવી બધી વાત તો થઇ જ નહોતી. તે તો મને સપનાંની દુનિયા બતાવી હતી અને અત્યારે ઇચ્છા ન હોય છતાં હું કિચનમાં વડા તળવાં બેસી ગઇ છું.’ ઇરાની વાતોમાંથી વરાળ નીકળી રહી હતી. ‘એટલે ઇરા તને એમ લાગે છે કે મેં તને ખોટી વાતો કરીને ફસાવી ? જો તું પણ સમજી લે કે તેં મને પ્રેમ કર્યો ત્યારે તું નાની બેબી નહોતી. એકવીસ વર્ષે તો તારામાં મેચ્યોરિટી હશે જ એવું મેં માની લીધેલું પણ હવે લાગે છે કે એ મારી ભૂલ હતી. મેં માત્ર એટ્રેક્શનના આધારે મારી જિંદગી બરબાદ કરી નાખી. મમ્મી અને તારી વચ્ચે હું પિસાઇ ગયો છું. મારે આ રોજે રોજનો સંઘર્ષ કાઢી જ નાંખવો છે. એક દિવસ કકળાટ કાઢવાથી શું થશે?’ શાશ્વતનો સવાલ પણ શાશ્વત હતો. મોટા ભાગના આવા સામાજિક સંઘર્ષો પાછળ આપણી જૂની કે જજમેન્ટલ માન્યતાઓ જવાબદાર હોય છે. એવું ભાગ્યે જ કોઇ કુટુંબ હશે કે જેમાં વિખવાદ નહીં હોય. આમાં સૌથી મહત્ત્વની વાત પોઝિટિવ એડજસ્ટમેન્ટની છે.. આપણો ઉછેર, વાતાવરણ, શિક્ષણ, સંજોગો, સંગત વગેરેને કારણે આપણે ચોક્કસ ઓપિનીયન કે માઇન્ડ-સેટ ધરાવતા થઇએ છીએ. જેમ જેમ વર્ષો, ઉંમર અને અનુભવો વધતા જાય છે તેમ-તેમ આપણને અનુરૂપ ચોકઠામાં સામેની વ્યક્તિ કે ઘટનાને બંધ બેસતા કરવાની અચેતન ટેવ વિકસતી જાય છે. આ ઘટના સામાન્યતઃ જાણે-અજાણે મૃત્યુપર્યંત ચાલ્યા કરતી હોય છે. જો કોઇ એ સુનિશ્ચિત કરેલા ચોકઠાની બહાર વર્તન કરતું જણાય તો આપણે એને મનોમન લેબલ કે રેટિંગ આપતા થઇ જઇએ છીએ. આ ભયાનક કુટેવ આપણા વિચારોને જડતા આપવાનું કામ બહુ ઉદારતાથી કરે છે. જ્યારે રિલેશનશિપની વાત આવે ત્યારે બે વ્યક્તિ વચ્ચે ઇમોશનલ આપ-લે ઓક્સિજનનું કામ કરે છે, પણ મહત્ત્વની વાત એ છે કે આ પ્રમાણ વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. એક જ ઘરમાં જન્મેલાં બે સગા ભાઇ-બહેન કે ટ્વિન્સમાં પણ લાગણીના તફાવતો જોવા મળે છે તો પછી જૂદા બેગ્રાઉન્ડમાંથી આવતી વ્યક્તિની માનસિકતા, વર્તન અને લાગણીઓ જૂદાં હોવાના જ ! નાનપણથી કલ્પનામાં કે ઇચ્છામાં પોતાના પાર્ટનરનું જે ચિત્ર ધીરે ધીરે ઉપસેલું હોય તેવું બંધબેસતું પાત્ર ભાગ્યે જ વિશ્વમાં હોય છે. આ વાસ્તવિકતાનો સ્વીકાર જ સફળ લગ્નજીવનની પાયાની શરત છે. જ્યારે લગ્ન થાય ત્યારે મહદ અંશે સામેની વ્યક્તિનો પરિવાર પણ પોતાની સાથે જોડાય છે. નવા લોકો સાથે અનુકૂલન સાધતા સમય લાગે છે. એનો અર્થ બધા ખરાબ છે એવો હંમેશાં નથી હોતો. પારિવારિક સંઘર્ષોને નિવારવા માટેના મહામંત્રો છે, સ્વીકાર અને સંવાદ. કદાચ સામેની વ્યક્તિનો ૧૦૦ ટકા સ્વીકાર ના થાય તો પણ સંપૂર્ણ સંવાદ તો થઇ જ શકે છે. સામેવાળી વ્યક્તિને સાંભળવાની ઓપનનેસ વિકસાવવી ખૂબ જરૂરી છે. તાત્કાલિક ઉશ્કેરાટભર્યા પ્રતિકાર આપવાને બદલે સમજણભર્યા પ્રતિભાવ આપવાથી સંવાદ અસરકારક બને છે. મારાથી જૂદુ મંતવ્ય એટલે એ વ્યક્તિ મારી કટ્ટર વિરોધી જ છે, એવું એસિડિક વિચારવાથી પરસ્પર પ્રેમનો નમણો છોડ બળી જાય છે. અન્યના બગીચાનાં ફૂલો જોઇને એ પણ સમજ આવવી જોઇએ કે એની માવજત કરવામાં એ વ્યક્તિને કેટલો શ્રમ પડ્યો હશે. થોડી ધીરજ અને પરિસ્થિતિ પ્રમાણે પોતાનામાં બદલાવ લાવવાની તૈયારી સાચો કકળાટ કાઢવામાં મદદ કરે છે. એનાથી ઉચાટને ઉત્સવમાં ફેરવી શકાય છે. વિનિંગ સ્ટ્રોકઃ સંઘર્ષ વગરના સંબંધ ભાગ્યે જ હોય, પણ એ સંઘર્ષને સમન્વયમાં પરિવર્તિત કરનાર જ સાચા વિજેતા હોય છે. drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...