જાણવું જરૂરી છે:લગ્નજીવન ટકી રહે એ માટે શું કરવું?

ડૉ. પારસ શાહ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી ઉંમર છવ્વીસ વર્ષની છે. મેં એમ.બી.બી.એસ. કર્યું છે. મારાં માતા-પિતાની પંસદના જ છોકરા સાથે લગ્ન કરવાનું મેં નક્કી કર્યું છે, એનું કારણ છે કે આજકાલ ડિવોર્સના કેસ ખૂબ જ વધી રહ્યા છે. હવે હું તમને મારી સમસ્યા જણાવું. હું મારું લગ્નજીવન સુખી રહે એવું ઈચ્છું છું, પણ મારે એ જાણવું છે કે સુખી લગ્નજીવન કેવી રીતે વીતાવી શકાય? લગ્નજીવન ટકી રહે એ માટે શું ઉપાયો કરવા જોઈએ? ઉકેલ : ખાસ તો એક વાત સૌએ યાદ રાખવી કે ક્યારેય પણ લગ્નજીવન કુંડળીના મેળથી સફળ થાય કે સફળ જાય એ બિલકુલ જરૂરી નથી. આપણે સૌ એટલું તો જાણીએ જ છીએ કે સુખી લગ્ન આપમેળે તો બનતાં નથી, પણ એ તો બનાવવાં પડે છે. લગ્નજીવનમાં સુખ-દુ:ખ તો આવ્યાં કરે, ઉતાર-ચડાવ આવ્યા કરે, પણ એ સમયને તમે કેવી રીતે પસાર કરો છો એ મહત્ત્વનું છે. એનો દાખલો એક ઉત્તમ ગાર્ડન જેવો છે. જેમ, સુંદર છોડને નિયમિત ખાતર નાંખીને સિંચન કરવું પડે છે. એવી જ રીતે સુખી લગ્નની એકમાત્ર ચાવી છે ‘ક્રોમ્પ્રોમાઇઝ’ એટલે કે એકબીજાને અનુરૂપ થવું. કોઇ પણ વ્યક્તિ સો ટકા હોતી નથી. લગ્ન એટલે આ ખૂટતો ભાગ પૂરવાનો છે. આમાં વ્યક્તિની સહનશીલતા અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે તમે પણ એ વાત યાદ રાખજો કે, સફળ લગ્નજીવન માટે ‘તારો’ અને ‘મારો’ ભાવ ત્યજીને ‘આપણો’ ભાવ લાવવો જોઇએ. એનું કારણ છે કે પતિ-પત્ની બંનેનો સ્વભાવ સરખો તો ન જ હોય, પણ લગ્નજીવનમાં એકમેકના સ્વભાવને જાણીને, સમજીને એને અનુરૂપ થઈને અને ખાસ તો જતું કરવાની ભાવના રાખીને પ્રેમ ટકાવી રાખવાનો છે. એકબીજાનો આધાર બનીને ગમે તેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ જવાય છે. પતિને પત્નીનો અને પત્નીને પતિનો સાથ મળી જાય પછી ગમે તેવી મુશ્કેલીમાંથી તેઓ બહાર નીકળી જાય છે. પ્રશ્ન : મને એવું લાગે છે કે મારી આ તકલીફ ઘણી વિચિત્ર છે, પરંતુ મારે તમારી સલાહ લેવી છે. હું સત્યાવીસ વર્ષનો યુવાન છું. ભગવાને મને ખૂબ જ સરસ હાઇટ અને બોડી આપ્યાં છે. આ ઉપરાંત ઇન્દ્રિય પણ પૂરતી લંબાઇ અને જાડાઇ ધરાવે છે. ઉત્તેજના પણ પૂર્ણ આવે છે, પરંતુ મારો સવાલ એ છે કે મારો છાતીનો ભાગ ઘણો ફૂલેલો છે. એટલે એ સ્ત્રીનાં સ્તન જેવો લાગે છે. ઘણી વાર તો મારી સ્ત્રી મિત્ર પણ આની મજાક કરે છે. એ કારણે મને લઘુતાગ્રંથિ થાય છે. આ માટે હું શું કરું? આમાંથી કેવી રીતે છૂટકારો હું મેળ‌વું? પ્લીઝ, મને આનો ઉપાય જણાવશો? ઉકેલ : તમારી આ તકલીફને મેડિકલ ભાષામાં ‘ગાયનેકોમેસ્ટિયા’ કહેવામાં આવે છે. એમાં પુરુષનો છાતીનો ભાગ સ્ત્રીનાં સ્તન જેવો હોય છે. હા, મોટા ભાગના કિસ્સાઓમાં આ બિન-નુકસાનકારક હોય છે. જો આપને ઇન્દ્રિયમાં ઉત્થાન બરાબર આવતું હોય અને તેનો વિકાસ પૂર્ણ થયેલો હોય, જાતીય ઇચ્છાઓ થતી હોય, પૂરતા પ્રમાણમાં દાઢી-મૂંછ આવતાં હોય તો ચિંતા કરવા જેવું બિલકુલ નથી. હા, માત્ર દેખાવ માટે આપ આનો ઇલાજ કરાવી શકો છો. મેં ઘણા પુરુષોને આ તકલીફને કારણે લઘુતાગ્રંથિ અનુભવતા જોયા છે. તેઓ હેલ્થ ક્લબ કે મિત્રોની વચ્ચે શર્ટ પણ બદલી શકતા નથી. વળી, સ્વિમિંગ કરવામાં પણ તેમને શરમ આવે છે. આનો ઇલાજ એક જ છે. કિહોલ ઓપરેશન. નવી ટેક્નિકથી કરાતા આ ઓપરેશન બાદ શરીરમાં કોઇ કાપો કે ટાંકા દેખાતા નથી. એટલે જો તમને ફૂલેલી છાતીને કારણે તકલીફ પડતી હોય કે શરમ આવતી હોય તો તમે એની સરળ સારવાર કરાવી શકો છો. અને હા, ઓપરેશન દ્વારા નીકળેલી ચરબીને બાયોપ્સી માટે મોકલવી જોઈએ.⬛ dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...