જાણવું જરૂરી છે:બાળક રહે તે માટે શું કરું?

12 દિવસ પહેલાલેખક: ડૉ. પારસ શાહ
  • કૉપી લિંક

પ્રશ્ન : મારા લગ્નને પાંચ વર્ષ થયાં છે, પણ અમારે સંતાનનું સુખ નથી. અમે ડોક્ટર પાસેથી H.S.G.નો રિપોર્ટ કરાવ્યો હતો. તેમાં પત્નીને જમણી બાજુની એક નળી છે જ નહીં. તો હવે અમને સંતાન મળે તે માટે શું કરીએ? ડોક્ટર કહે છે કે એક નળીથી પણ બાળક રહી શકે છે. એ ડોક્ટરે બે વર્ષ સુધી દવાઓ આપી, પણ પરિણામ શૂન્ય છે. તો સર પ્લીઝ અમને બાળક રહે તેવો કોઇ ઉપાય બતાવવા વિનંતી.

ઉકેલ : દરેક સ્ત્રીમાં એક જમણી બાજુ અને એક ડાબી બાજુ નળી આવેલી હોય છે. આ નળીને ફેલોપિયન ટ્યૂબ કહેવામાં આવે છે. દર મહિને અંડકોષમાંથી સામાન્ય રીતે એક સ્ત્રીબીજ છૂટું પડે છે. જે એક મહિને જમણી નળીમાંથી અને બીજા મહિને ડાબી નળી દ્વારા ગર્ભાશયમાં પહોંચે છે. જો આ વખતે પુરુષના શુક્રાણુ ગર્ભાશયમાં પહોંચે અને સ્ત્રીબીજ અને શુક્રાણુનું મિલન થાય તો ગર્ભ રહે છે. સામાન્ય રીતે સ્ત્રી-પુરુષના બધા રિર્પોટ નોર્મલ હોય, કોઇ જ ગર્ભનિરોધક સાધનનો ઉપયોગ ના કરેલો હોય અને ફર્ટાઇલ દિવસોમાં સંબંધ રાખેલ હોય તો ચાર-પાંચ મહિનામાં મોટાભાગનાં યુગલોને બાળક રહી જતું હોય છે. આપનાં પત્નીને એક નળી નથી, જેથી તેમનામાં સમય થોડો વધુ લાગી શકે છે. આપનાં પત્નીનો માત્ર ટ્યૂબનો જ રિર્પોટ થયેલો છે, માટે સૌપ્રથમ તો ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપી (દૂરબીન દ્વારા તપાસ) કરાવવી જરૂરી છે. તેના દ્વારા નળી ઉપરાંત ગર્ભાશય, અંડકોષ વગેરેનો પણ સંર્પૂણ ખ્યાલ આવી જાય છે, જેથી યોગ્ય નિદાન થઇ શકે છે. જો બધું બરાબર આવે તો આઇ.યુ.આઇ. સારવાર કરાવવી જોઇએ. આ સારવાર ખૂબ ખર્ચાળ પણ નથી અને મોટાભાગના કિસ્સાઓમાં ચારથી પાંચ વારમાં સફળતા મળી જતી હોય છે. ત્રીસ ટકા યુગલોમાં તો પ્રથમવારમાં જ બાળક રહી જતું હોય છે. આ સારવાર પુરુષમાં શુક્રાણુ ઓછા હોય તો પણ થઇ શકે છે.

પ્રશ્ન : મારી ઉંમર 35 વર્ષની છે અને મારા પતિ મારાથી ચાર વર્ષ મોટા છે. અમારે બે બાળકો છે. મારા પતિ દરરોજ સેક્સની માગણી કરે છે. મને પૂરતો સંતોષ મળે છે, પણ હું દરરોજ સેક્સ માટે તૈયાર નથી. મારે શું કરવું?

ઉકેલ : ઘણાં કપલ્સ આવો પ્રોબ્લેમ ફેસ કરતા હોય છે. આ અંગે બંને જણાએ અરસપરસ સમજ કેળવવાની જરૂર છે. કોઈક સમયે પત્નીની અંદર ઈચ્છા મંદ થઈ જાય છે તે વખતે પત્ની ઉપર ગુસ્સે થયા વગર સિચ્યુએશન સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે સામે પક્ષે પછી પત્નીની હાલત જોઈને રોજ સેક્સની માગણી ન કરવી જોઈએ. જો બેમાંથી એક પણ સાથી રોજે રોજ સેક્સ માટે તૈયાર ન હોય તો એ માટે હઠાગ્રહ ન રાખવો જોઈએ. સેક્સ હંમેશાં એકબીજાની ઇચ્છા હોય ત્યારે જ થાય તે ઉત્તમ છે. પતિ-પત્ની વચ્ચે સેક્સની ઈચ્છા ઓછીવત્તી હોય એ સામાન્ય વાત છે. પરંતુ બન્ને જણે એકમેકને અેડજસ્ટ થવાનો પ્રયત્ન કરવો જોઇએ. આપ ખૂબ જ થાકેલાં હો અને સેક્સની બિલકુલ ઇચ્છા ના હોય તે દિવસે આપ પતિને હસ્તમૈથુન દ્વારા આનંદ અપાવો તો ચાલે. આમાં બન્નેની ઇચ્છા પૂરી થશે અને કોઇ જ મનદુ:ખ નહીં થાય. યાદ રાખજો, બેઉ જણ વચ્ચે ઉત્કટ પ્રેમ, સમાધાનવૃત્તિ, પરસ્પર સન્માન, લાગણી હશે તો જ સેક્સની વૃત્તિ જન્મે છે.

પ્રશ્ન : મારી અને મારા પતિની ઉંમર પાંત્રીસ વર્ષની છે. અમારે પહેલું બાળક લગ્ન પછી તરત જ રહી ગયેલું. અમારું બાળક હવે ચાર વર્ષનું થવા આવશે. મેં ફક્ત ત્રણ મહિના ગર્ભનિરોધક ગોળીઓ વાપરી હતી. ત્યારબાદ ક્યારેય ગર્ભનિરોધક વસ્તુ કે દવા વાપરી નથી. અમારું દામ્પત્યજીવન સુખી છે. છેલ્લા એક વર્ષના સતત પ્રયત્ન પછી પણ મને દિવસો રહેતા નથી. મને દિવસો કેમ રહેતા નથી તેનું કારણ જણાવવા વિનંતી. દર મહિને એક-બે દિવસ વહેલી પીરિયડમાં બેસું છું, પરંતુ માસિક નિયમિત આવે છે. ઉપાય બતાવવા વિનંતી.

ઉકેલ : બાળક રાખવા માટે નિયમિત સમાગમ થવો જરૂરી છે અને આ વખતે પુરુષનું સ્ખલન સ્ત્રીના યોનિમાર્ગમાં થવું જરૂરી છે. બારમાથી અઢારમા દિવસની વચ્ચે મોટાભાગની સ્ત્રીઓને સ્ત્રીબીજ છૂટું પડતું હોય છે. માટે આ દિવસોમાં શક્ય હોય તો દરરોજ કોઇપણ ગર્ભનિરોધકના પ્રયોગ વગર જાતીય સંબંધ રાખો. આમ ત્રણ-ચાર મહિના કરો. પછી જો સફળતા ના મળે તો પતિના વીર્યની તપાસ સારી લેબોરેટરીમાં કરાવો. આ માટે ઓછામાં ઓછું ત્રણ દિવસ અને વધારેમાં વધારે પાંચ દિવસ સુધી સ્ખલન ના થયેલું હોય તે જરૂરી છે. વીર્ય ઘરેથી ના લઇ જતા. જો તેમનો રિર્પોટ નોર્મલ આવે તો તમારા રિર્પોટ કરાવવા પડે અને જો તમારા બન્નેના રિર્પોટ નોર્મલ આવે તો તમારે સ્ત્રીબીજ સારી રીતે બને તે માટેની અમુક દવાઓનો કોર્સ કરવો જોઇએ અને પછી આઇ.યુ.આઇ. પદ્ધતિ દ્વારા સારવાર લેવી જોઇએ. મોટાભાગનાં યુગલોને આ સારવારમાં ત્રણથી ચાર સાયકલમાં પરિણામ મળી જતું હોય છે અને આ પ્રમાણમાં બિનખર્ચાળ છે.

અન્ય સમાચારો પણ છે...