સમસ્યા : ડોક્ટર સાહેબ મારી ઉંમર 46 વર્ષની છે. મને ડાયાબિટીસ કે બીજી કોઇ જ બીમારી નથી. હા સાત-આઠ સિગારેટ પીવું છું. ડોક્ટર સાહેબ, છેલ્લા આઠેક મહિનાથી ઇન્દ્રિયમાં પૂરતું ઉત્થાન નથી આવતું. સમાગમની શરૂઆતમાં પ્રવેશ પહેલાં ઢીલાશ આવી જાય છે. જો થોડું જોર લગાવવાનો પ્રયત્ન કરું તો દુ:ખાવો થાય છે. શું કરવું જોઇએ? ઉકેલ : ઘણી વાર ઉંમરની સાથે શરીરમાં હોર્મોન્સના ફેરફાર થાય છે. પુરુષત્ત્વના હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછું થાય તો પણ પુરુષને ઉત્તેજના ઓછી થઇ શકે છે. ઘણી વાર પ્રોલેક્ટિલ નામના બીજા હોર્મોન્સનું પ્રમાણ વધવાથી પણ ઇન્દ્રિયમાં પૂરતું ઉત્થાન આવતું નથી. જો લોહીની ચરબી એટલે કે કોલેસ્ટેરોલનું પ્રમાણ વધે તો પણ પુરુષ ઓછું ઉત્થાન અનુભવી શકે છે. સિગારેટ, બીડી, તમાકુ, દારૂનાં સેવનથી પણ લાંબાં ગાળે નપુંસકતા આવે છે. આમ, આપને થયેલી તકલીફનાં કારણો ઘણાં હોઇ શકે છે. નપુંસકતાની સારવાર માટે ઓરલ મેડિસિન્સ, પેપાવરીન ઇન્જેક્શન, ટેસ્ટોસ્ટેરોનનાં સ્પ્રે, ગોળી, અલ્પ્રોસ્ટાડિલ સપોઝિટરી વગેરે અનેક વિકલ્પો ખુલ્લા છે, પરંતુ દરેક દવાની અસર હોય છે તો તેની આડઅસર પણ હોઇ શકે છે. વિયાગ્રા ગોળી લીધા પછી અત્યાર સુધી એકસો એકસઠ લોકોએ જીવ ગુમાવ્યો છે, માટે તબીબી માર્ગદર્શન હેઠળ જ સારવાર લેશો. આજની તારીખમાં સેક્સની દરેક મુશ્કેલીઓનો ઇલાજ શક્ય છે અને પુરુષ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવન માણી શકે છે. છેલ્લે જ્યારે ઢીલાશની સમસ્યા હોય ત્યારે બળનો પ્રયોગ કરવો એ ઊલટું સમસ્યામાં વધારો કરશે અને ક્યારેક અંદરના ભાગમાં ઇજા થશે. સમસ્યા : છેલ્લાં ઘણાં વર્ષોથી મને હસ્તમૈથુનની આદત છે. એ કારણે જલદી સ્ખલન થઇ જાય છે. આથી શિશ્ન આડું થઇ ગયેલું છે. મને બીક છે કે તકલીફ પડશે અને પત્નીને આનંદ નહીં આપી શકું. તો તેનો ઉપાય અને દવા સૂચવવા વિનંતી છે. મારો બીજો પ્રશ્ન પણ છે. કોઇ એઇડ્સગ્રસ્ત સ્ત્રીને ચુંબન કરીએ તથા મુખમૈથુન કરીએ તો એઇડ્સ થઇ શકે? ઉકેલ : હસ્તમૈથુન એક આદત છે, કોઇ બીમારી નહીં. જો હસ્તમૈથુનથી શારીરિક તકલીફ થતી હોય તો ભારત દેશની વસ્તી એકસો ત્રીસ કરોડની થઇ જ ના હોત. યાદ રાખો કે વપરાશથી વૃદ્ધિ થાય છે અને બિનવપરાશથી શિથિલતા આવે છે. શીઘ્ર સ્ખલનની સારવાર ઘણી વાર અહીં ચર્ચી ચૂકેલ છે. તેના માટે જૂના લેખો વાંચવા વિનંતી. જો યોગ્ય નિદાન કરવામાં આવે અને પછી સારવાર કરવામાં આવે તો શીઘ્ર સ્ખલનની મુશ્કેલીમાં દસ દિવસે ફેરફાર થવા માંડે છે. તમે જેટલો સમય ઇચ્છો તેટલો મેળવી શકો છો. દરેક પુરુષની ઇન્દ્રિય થોડી જમણી કે ડાબી બાજુ, થોડી ઉપર કે નીચે તરફ કેળાના આકારનો વળાંક ધરાવતી જ હોય છે, જે એકદમ સામાન્ય બાબત છે. ઇન્દ્રિયનો વળાંક ડાબી તરફ હોય કે જમણી તરફ, પ્રવેશ તો સીધો જ થશે. આનાથી તમને કે તમારા સાથીને જાતીય સંબંધમાં કોઇ જ તકલીફ નહીં પડે. આના માટે દવા કે ઓપરેશનની કોઇ જ જરૂર નથી. હા, લગ્નેતર સંબંધ રાખશો તો એઇડ્સ થવાની શક્યતા પૂરેપૂરી છે. શરીરનાં દરેક પ્રવાહી જેવાં કે લોહી, આંસુ, લાળ, દૂધ વગેરેમાં એઇડ્સના વાઈરસ મળેલા છે, પરંતુ માત્ર ચેપ થવા માટે આ વાઈરસ એકલા જવાબદાર નથી. કેટલી સંખ્યામાં એટલે કે વાઈરલ લોડ પણ અગત્યનો છે. તેથી ચેતતો નર સદા સુખીવાળી કહેવત યાદ રાખવી જોઇએ. {dr9157504000@shospital.org સમસ્યા : મારી ઉંમર 38 વર્ષની છે, પત્નીની ઉંમર 33 વર્ષની છે. અમારે બે બાળકો છે. ડોક્ટર સાહેબ મારી પત્નીના યોનિમાર્ગમાંથી સફેદ પ્રવાહી પદાર્થ નીકળે છે. શું આ ગુપ્ત રોગ થવાની નિશાની છે? શું મને પણ આ ચેપ લાગી શકે છે? હું ખૂબ જ મુંઝાયેલો છું. કોઇને કહી પણ શકતો નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. ઉકેલ : આપની પત્નીના યોનિમાર્ગમાંથી સફેદ પ્રવાહી પદાર્થ વહે છે તે ગુપ્ત રોગની નિશાની નથી. આને ‘લ્યુકોરિયા’ અર્થાત્ ‘શ્વેતપ્રદર’ કહે છે. આ એક ફંગલ ચેપ છે, જે મોટાભાગની સ્ત્રીઓ તેમની જિંદગીમાં અનુભવતી હોય છે. ઘણી વાર ટેન્શન, ગુસ્સો, ગરમી અથવા તો ટ્રાવેલિંગને કારણે સફેદ પાણી પડવાનું વધી જતું હોય છે. સ્ત્રી-પુરુષ બેમાંથી એકને ગુપ્ત રોગ થયો હોય અને જાતીય સંબંધ નિરોધના પ્રયોગ વગર રાખે તો તેનો ચેપ બીજાને ચોક્કસ લાગી શકે છે. આના માટે આપની પત્નીને સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર પાસે લઇ જાઓ અને યોગ્ય એન્ટી ફંગલ દવાઓનો કોર્સ કરાવજો. આ ગુપ્ત રોગ નથી અને આપને થવાની શક્યતા નથી. તેથી ચિંતા કરવાની જરૂર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.