આપણી વાત:તમને કેવાં ઘરમાં ને શરીરમાં રહેવું ગમે?

વર્ષા પાઠકએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહુ લાંબો સમય ટકે, માણવા મળે એને જ સુખ કહેવાય?

એંસી વર્ષની ઉંમરે એણે બહુ આનંદભેર પોતાનો જન્મદિવસ ઊજવ્યો. થોડા મહિના પહેલાં આખું ઘર રિનોવેટ કરાવ્યું. બંને બેડરૂમનાં કબાટ કાઢીને જરૂરતમંદોને આપી દીધાં અને નવાં બનાવડાવ્યાં. બીજું નાનું-મોટું ફર્નિચર ચેન્જ કર્યું. દીવાલો ઉપર પેઇન્ટિંગ કરાવીને, ત્યાં ઘણા સમયથી શોભતી જૂની ફ્રેમ્સ ઉતારીને એની જગ્યાએ બીજી મૂકી. બારીઓ પર નવા બ્લાઇન્ડસ લગાવ્યા. ‘જો, હવે ઘર કેટલું બ્રાઇટ, સરસ લાગે છે’ એણે ઉત્સાહભેર કહ્યું. કોવિડકાળમાં ભલભલા આનંદીજનોના ઉત્સાહમાં પણ ઓટ આવતી જોઈ હોય ત્યારે આવા શબ્દો સાંભળીને કેટલું સારું લાગે. મોટાભાગનો સમય ઘરમાં જ પસાર કરવાનો હોય ત્યારે કશુંયે નવું ખરીદવાનું મન ન થાય. પણ મારી એ મિત્ર સોનલબહેનના મતે આ જ સમય હતો ઘરને બને એટલું વધુ સુંદર બનાવવાનો. ‘ઘરમાં ને ઘરમાં રહેવાનું હોય ત્યારે આસપાસ બધું જૂનુંપુરાણું જોયાં કરીએ તો વધુ ડિપ્રેશન આવી જાય. બહાર જવાનું સાવ ઓછું થઇ ગયું છે, ત્યારે કમસે કમ ઘરને તો ચિયરફુલ બનાવીએ.’ એમણે લોજિકલ વાત કરી. અને ઘરમાં રહેવાનું એટલે માત્ર ઘરની ચાર દીવાલને નહીં સજાવવાની. નવા કબાટમાં પોતાનાં કપડાં ગોઠવતી વખતે સોનલબહેને કહ્યું, ‘હવે નવાં કપડાં લેવાં પડશે.’ સાંભળીને મને ત્યારે હસવું આવી ગયેલું. હજી જેના પરથી લેબલ પણ નહોતું કાઢ્યું એવા આઠ-દસ કુર્તાની થપ્પી તરફ ઈશારો કરીને મેં કહ્યું કે હજી આ તો પહેરો. પણ એમના કહેવાનુસાર ઘરમાં પહેરવા માટે થોડાં લાઇટ, કમ્ફર્ટેબલ કપડાંની જરૂર હતી અને ફરી એકવાર એમને લઘરવઘર (એમની નજરે) રહેવાની મારી આદત પર લેક્ચર ઝાડવાની તક મળી. મિરરમાં જોઈએ ત્યારે પોતાની જાત પણ જોવી ગમવી જોઈએ ને, એમણે યાદ કરાવ્યું. વાતમાં દમ હતો. ઘર સરસ હોય તો ઘરમાં રહેનારાં પણ સરસ લાગવા જોઈએ ને. સુંદર નહીં, પણ કમસે કમ વ્યવસ્થિત તો હોવા જોઇએ, અને સોનલબહેનના કહેવાનુસાર પેન્ડેમિક દરમિયાન દિમાગી સંતુલન જાળવી રાખવા માટે તો આ ખાસ જરૂરી હતું. પછી વળી એક દિવસ મૂડ આવ્યો તો નવી લક્ઝરી કાર બુક કરાવી. ગાડીને આવતાં થોડી વાર તો લાગે ને, પણ ન આવી ત્યાં સુધી નાનાભાઈ ઉદયને ચેન ન પડવા દીધું. છેવટે કાર આવી, બે-ચાર વાર એમાં ફરી લીધું અને એના એક મહિનાની અંદર તો સોનલબહેન લાંબી, વન વે ટ્રિપ પર ઉપડી ગયાં, જ્યાંથી એ પાછાં આવવાનાં નથી. હજી હમણાં રિનોવેટ કરાવેલું ઘર, નવી કાર, નવાં કપડાં....કોઈએ વળી અફસોસ કર્યો કે કેટલા પ્રેમથી, ઉત્સાહથી આ બધું કરાવ્યું પણ એને પૂરેપૂરું માણે એ પહેલાં જતાં રહ્યાં. પહેલી નજરે કદાચ આવું બોલવું, સાંભળવું સ્વાભાવિક લાગે, પણ પછી વિચાર આવ્યો કે માણસ જીવનના છેલ્લા દિવસોમાં પોતાનાં બધાં અરમાન, શોખ પૂરાં કરીને, મોજથી વિદાય લે એનો અફસોસ થવો જોઈએ કે આનંદ? બ્રાન્ડ ન્યૂ કાર એમણે એક મહિનો વાપરી કે બીજાં પાંચ વર્ષ વાપરત, એનાથી એમને પોતાને શું ફરક પડવાનો હતો? આમેય કોઈપણ ઈચ્છા પૂરી થવાનો સૌથી વધુ આનંદ થોડા દિવસો કે મહિના દરમિયાન હોય છે. એ શોર્ટ ટર્મ ખુશીની કિંમત કઈ રીતે આંકી શકાય? મેં એવાં લોકોએ જોયાં છે, જે ભાડાંનાં ઘરમાં રહેતાં હોય ત્યારે બધું એટલું અસ્તવ્યસ્ત, કઢંગુ રાખે કે જોઈને અણગમો ઊપજે. અને આવાં લોકો પાસે બહાનું એ જ હોય છે કે આ ક્યાં અમારું પોતાનું ઘર છે કે, અહીં ક્યાં વધુ સમય રહેવાનું છે કે એને સારું સુઘડ રાખવાની મહેનત કરીએ? મતલબ એમના માટે જીવનનાં એ એક બે વર્ષની કોઈ કિંમત જ નહીં હોય? ભાડાનું જ નહીં, ખુદની માલિકીનું ઘર ધરાવતાં લોકોમાં પણ ઉત્સાહનો એવો અભાવ જોયો છે. ત્યાં વળી જુદાં, પણ એટલાં જ વાહિયાત કારણો અપાય છે. સૌથી પહેલું અને કોમન કારણ હોય- ઘર વ્યવસ્થિત રાખવાનો ટાઈમ નથી. બોલનાર પોતે પણ જાણતાં હોય કે આળસ, કામચોરી છુપાવવાનું આ બહાનું છે. બીજું બહાનું પૈસાની તંગીનું હોય છે. ‘પૈસાની થોડી છૂટ થાય તો ઘર સરખું કરાવવું છે.’ ઓકે, પૈસા આવે ત્યારે મોંઘું રિનોવેશન કરાવજો, પણ ત્યાં સુધી જરા સારું, જોવું ગમે એવું તો રાખો. ઘરને સુઘડ રાખવામાં વળી શું પૈસાનો ખર્ચ થતો હશે? જિંદગીના એટલાં મહિના કે વર્ષો આમ જ કાઢી નાખવાનાં? બહારના કોઈ જુએ કે ન જુએ, માણસને પોતાને ભલે થોડો સમય પણ સારા, સુંદર વાતાવરણમાં રહેવું ન ગમે? અને, પૈસા આવે એ પહેલાં તમારા શ્વાસ ખૂટી ગયા તો? ક્યારેક વળી ‘હવે કોણ જોવા આવવાનું છે’ એમ કહીને આપણે ઘર જ નહીં જાત પ્રત્યે પણ બેદરકાર રહેવાનું બહાનું શોધી કાઢીએ છીએ. આવું કહેનાર માટે પોતાની જાતનું કોઈ મહત્ત્વ જ નહીં હોય? ઘર આપણાં માટે છે કે બીજાં માટે? અહીં ફરીથી સોનલબહેનને યાદ કરું તો એ કહેતાં કે બહાર નીકળીએ ત્યારે જ સારાં કપડાં પહેરવાં, કે સરખી રીતે તૈયાર થવું એવો કોઈ નિયમ છે? મેં વળી એકવાર દલીલ કરેલી કે ઘરમાં તો કમ્ફર્ટેબલ રહેવાનું કે નહીં? એમની પાસે જવાબ તૈયાર હતો કે કમ્ફર્ટેબલ એટલે કઢંગુ ને લઘરવઘર નહીં. એમની વાત સાચી હતી અને ઘરની જેમ જ જાતને પણ આ વાત લાગુ પડે છે. જેની સાથે જીવનભર જીવવાનું છે, એ શરીરને શું કામ બેડોળ, બેઢંગું રાખવું? જરા કબાટ ખોલીને ચેક કરો, પહેરાવાની રાહ જોતા બિચારાં ઘણાં કપડાં પડ્યાં હશે. જેનું અસ્તિત્વ સુધ્ધાં વિસરાઈ ગયું હશે, એવી ક્રોકરીને પણ બહાર આવવા દો. આપણી વસ્તુ આપણે જ વાપર્યાં વિના જતા રહીશું? ⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...