તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક ઓફ:આ કેન્સલ કલ્ચર શું છે?

11 દિવસ પહેલાલેખક: શિશિર રામાવત
 • કૉપી લિંક
 • આજે જનતા સેલિબ્રિટીઝને જાણે કહી રહી છે કે...

આ મ જુઓ તો ‘કેન્સલ’ શબ્દ સાવ સીધો-સાદો છે. કેન્સલ કરવું એટલે રદ કરવું, જેમ કે, સાંજે કાકાનું ફેમિલી ઘરે જમવા આવવાનું હતું, પણ છેલ્લી ઘડીએ પ્રોગ્રામ કેન્સલ કરવો પડ્યો. રવિવારે દોસ્તારો સાથે દીવ જવાનો પ્લાન બનાવ્યો હતો તે કેન્સલ થયો. મુંબઇથી અમદાવાદની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. ઓનલાઈન ઓશિકાંનાં કવર મગાવ્યાં હતાં, પણ પછી આ ઓનલાઇન ઓર્ડર કેન્સલ કરી નાખ્યો. ટેક્સી સમયસર આવી નહીં તો રાઇડ કેન્સલ કરવી પડી. આ બધું વાંચતા તરત સમજાઈ જાય એવું છે, રાઇટ? પણ હવે જમાનો એવો આવી ગયો છે કે સીધા-સરળ શબ્દનો અર્થ પણ આસાન રહી શકતો નથી. જુઓને, આ કેન્સલ શબ્દ જ હવે કોમ્પ્લિકેટેડ બની ગયો છે. આજકાલ જીવતાજાગતા માણસને, સેલિબ્રિટીને પણ ‘કેન્સલ’ કરી શકાય છે, બ્રાન્ડને કેન્સલ કરી શકાય છે, વિચારધારાને કેન્સલ કરી શકાય છે, આખેઆખી સંસ્થાને કેન્સલ કરી શકાય છે. કશુંક વાંધાજનક લાગે, પોતાની વિચારસરણીથી વિરુદ્ધ લાગે તો બોલકા થઈને આક્રમકપણે એનો વિરોધ કરવાની પ્રવૃત્તિના જોરે એક આખું ‘કેન્સલ કલ્ચર’ વિકસી ગયું છે. આનો સઘળો જશ કે અપજશ ઇન્ટરનેટને અને સોશિયલ મીડિયાની વધતી જતી તાકાતને મળે છે. જનતાના હાથમાં હવે વિવિધ સોશિયલ મીડિયાના શસ્ત્રો આવી ગયા છે. ભલભલા નેતા કે મોટામાં મોટા અભિનેતા વિરુદ્ધ સભ્ય ભાષામાં યા તો ગંદામાં ગંદા શબ્દો વાપરીને પબ્લિક તેમને પળવારમાં કોડીના કરી શકે છે. કોઈ જાણીતી વ્યક્તિનું અમુક પ્રકારનું વર્તન અથવા એણે આપેલું કોઈક સ્ટેટમેન્ટ ન ગમે એટલે એની સામે ઓનલાઇન વિરોધ શરૂ થઈ જાય, એનું ટ્રોલિંગ શરૂ થાય અને પછી સાગમટે નિર્ણય લેવામાં આવે કે આ સેલિબ્રિટી ફાટીને ધૂમાડે ગઈ છે, એને ‘કેન્સલ’ કરી નાખો! સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ ધિક્કાર અને ક્રોધનો એવો લોકજુવાળ ઉમટ્યો હતો કે એને ‘કેન્સલ’ કરવામાં આવી. સહેજે સવાલ થાય કે કોઈને ઓનલાઇન ગાળાગાળી કરવાથી કે સોશિયલ મીડિયા પર કેન્સલ કરવાથી કશો અર્થ સરે છે ખરો? હા, સરે છે. મહેશ ભટ્ટે ડિરેક્ટ કરેલી અને આલિયા ભટ્ટ – સંજય દત્તને ચમકાવતી ‘સડક-ટુ’ ફિલ્મનો ફિયાસ્કો યાદ છે? આ ફિલ્મ આવી તે અરસામાં સુશાંત સિંહ કેસમાં નામ ખરડાવાને કારણે પબ્લિકની નજરમાં મહેશ ભટ્ટ વિલન બની ગયા હતા. ‘સડક-ટુ’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારે ક્રોધે ભરાયેલી પબ્લિકે એને એટલા બધા થમ્સ ડાઉન એટલે કે ડિસલાઇક આપ્યા કે ‘સડક-ટુ’એ ‘સૌથી વધુ ધિક્કાર પામેલા ટ્રેલર’ તરીકે રેકોર્ડ બનાવ્યો. આખેઆખી ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર મૂકાઈ ને ભયંકર રીતે પિટાઈ ગઈ. બોલિવૂડ જનતાની આ નવી રીતરસમ જોઈને કાંપી ઉઠ્યું. અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ના ટાઇટલમાં વપરાયેલા ‘બોમ્બ’ શબ્દનો જોરદાર વિરોધ થયો હતો. એક મોટા વર્ગનું કહેવું હતું હિંદુ દેવીનાં નામ સાથે ‘બોમ્બ’ શબ્દ શા માટે ફિટ કર્યો છે? વિરોધ એટલો તીવ્ર બન્યો કે ટાઇટલમાંથી ‘બોમ્બ’ શબ્દ હટાવી દેવો પડ્યો. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે સમય પારખીને લાઇક, ડિસલાઇક અને કમેન્ટ્સના વિકલ્પો જ લોક કરી દેવામાં આવ્યા કે જેથી પબ્લિક સારું-નરસું કશું વ્યક્ત જ કરી ન શકે અને કમસે કમ ‘સડક-ટુ’ જેવા હાલહવાલ ન થાય. ઓર એક ઉદાહરણ. ગયા ઓક્ટોબરમાં એક જ્વેલરી બ્રાન્ડની એક જાહેરાત પ્રસારિત થઈ હતી, જેમાં એક હિંદુ કન્યા પરણીને મુસ્લિમ ઘરમાં જાય છે તેવું બતાવવામાં આવ્યું હતું. પત્યું, લવ-જિહાદની થિયરીને આગળ કરીને આ જાહેરાતનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો. મીડિયામાં ‘હેશટેગ બોયકોટ તનિશ્ક’ ટ્રેન્ડ કરવા લાગ્યું. કોલાહલ એટલી હદે વધી ગયો કે તે જાહેરાત પાછી ખેંચી લેવી પડી. આ તમામ કેન્સલ કલ્ચરનાં ઉદાહરણો છે. આપણે ત્યાં સ્થિતિ પ્રમાણમાં ઠીક છે, પશ્ચિમમાં કેન્સલ કલ્ચર ઘણું વધારે ફૂલ્યુંફાલ્યું છે. લંપટ, દુરાચારી વગદાર પુરુષો વિરુદ્ધ થયેલા ‘મી ટુ’ આંદોલન પછી કેન્સલ કલ્ચર વધારે પ્રચલિત બન્યું. ડોનાલ્ડ ટ્રમ્પ તેનો કેટલીય વાર ભોગ બની ચૂક્યા છે. શું કેન્સલ કલ્ચર ટોળાશાહીનું પ્રતીક છે? કે પછી, લોકશાહીમાં વધુ બળવાન બની રહેલી પ્રજાની મુક્ત અભિવ્યક્તિનું? શું તે નકારાત્મક દિમાગ ધરાવતા ફ્રસ્ટ્રેટેડ, નવરા લોકોની પ્રવૃત્તિ છે? આનો જવાબ ક્યારેક ‘ના’ હોઈ શકે, ક્યારેક ‘હા’, પણ હકીકત એ છે કે કેન્સલ કલ્ચરને હળવાશથી લેવાની ભૂલ કરવા જેવી નથી. આજે જનતા તમામ સેલિબ્રિટીઝને જાણે કહી રહી છે કે અમે જ તમને માથે ચડાવ્યા હતા, પણ તમે જો એલફેલ બોલશો કે ન કરવાનું કરશો તો તમને ભોંય પર પછાડતાં અમને સહેજ પણ વાર નહીં લાગે! સો વાતની એક વાત. કેન્સલ કલ્ચર પર પૂર્ણવિરામ મૂકાવાનું નથી, બલ્કે, સમયની સાથે તે વધારે તીવ્ર બનતું જવાનું છે! ⬛shishir.ramavat@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો