તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજવાળાનો ઓટોગ્રાફ:જંક ફૂડની તીવ્ર ઝંખના પાછળનું વિજ્ઞાન શું છે?

ડૉ. નિમિત્ત ઓઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જંક ફૂડ આપણી ભૂખ ઉપર નહીં, આપણી માનસિકતા પર પ્રહાર કરે છે

તાજેતરમાં થયેલા એક પ્રયોગમાં ઉંદરોને પોટેટો ચિપ્સ ખવડાવવામાં આવી. આ પ્રયોગનું સૌથી નોંધપાત્ર અને આશ્ચર્યજનક તારણ એ હતું કે પેટ સંપૂર્ણ ભરાઈ ગયાં પછી પણ ઉંદરોએ ચિપ્સ ખાવાનું ચાલુ રાખ્યંુ. સામાન્ય રીતે તેમના રુટિન ખોરાકની ચોક્કસ માત્રા આરોગ્યા પછી જે ઉંદરો ખોરાકથી દૂર ચાલ્યા જતા, પોટેટો ચિપ્સ ખાધાં પછી એ ઉંદરોને ‘તૃપ્તિ’ કે ‘Satiety’નો ખ્યાલ જ ન રહ્યો. થોડું પરિચિત લાગે છે ને? નાઈટ્રોજન ગેસ ભરીને ફુલાવેલાં અને દરેક લારી-ગલ્લા પર મળતાં ‘પડીકાં’ માટેની મનુષ્ય વર્તણૂક પણ આવી જ હોય છે. બજાર કે રેસ્ટોરન્ટમાં મળતાં કોઈ પણ જંક ફૂડ પ્રત્યેનું આપણું વર્તન બિલકુલ પેલા ઉંદરો જેવું હોય છે. વાંક આપણો કે ઉંદરોનો નથી, વાંક છે એ ખોરાકમાં રહેલાં કન્ટેન્ટનો, જે માનવ સહજ નબળાઈઓનો ફાયદો ઊઠાવે છે. જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ એટલે એવો ખોરાક જેમાં પોષકતત્ત્વો નહિવત્ અને કેલરીઝ મહત્તમ હોય. ‘WHO’ માન્ય અને અધિકૃત વ્યાખ્યા પ્રમાણે જંક ફૂડ એટલે એવો બિનઆરોગ્યપ્રદ ખોરાક જેમાં પુષ્કળ માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ હોય તથા પ્રોટીન્સ, વિટામિન્સ અને ફાઈબર્સનું પ્રમાણ નહિવત્ હોય. તો પ્રશ્ન એ થાય છે કે સ્વાસ્થ્ય માટે જોખમી હોવા છતાં પણ જંક ફૂડમાં એવું તો શું હોય છે, જે આપણને તેના તરફ આકર્ષે છે? તો એનો જવાબ છે એમાં રહેલાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટનું પ્રમાણ. ખોરાક પ્રત્યેની તીવ્ર ઝંખના જગાડવા માટેનું ખતરનાક કોમ્બિનેશન એટલે 65% કાર્બોહાઈડ્રેટ્સ અને 35% ફેટ. બજારમાં મળતાં જે પડીકાં કે વાનગીમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટનું આ પ્રમાણ જોવા મળે છે, તે સૌથી ‘સ્વાદિષ્ટ’ લાગે છે. રીફાઈન્ડ તેલમાં તળેલાં આ રીફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટને આપણી ભૂખ સાથે કોઈ લેવા-દેવા નથી. જંક ફૂડ આપણી ભૂખ ઉપર નહીં, આપણી માનસિકતા ઉપર પ્રહાર કરે છે. જંક ફૂડ ખાધાં પછી આપણાં મગજની અંદર ‘ડોપામાઈન’ રિલીઝ થાય છે. ડોપામાઈન એટલે એક એવું રસાયણ જે આપણને મિથ્યા અને ક્ષણિક આનંદ આપે છે. ડોપામાઈનને ‘પ્લેઝર હોર્મોન’ કહેવાય છે. ભૂખ સંતોષવા કરતાં ખોરાકમાં લોકો પોતાનો ગુમ થયેલો આનંદ અને મજા શોધતાં હોય છે. ફાસ્ટ ફૂડ જોઈને આપણા મનમાં જે તીવ્ર ઝંખના થાય છે, હકીકતમાં એ ડોપામાઈનથી મળતા આનંદની ઝંખના છે. એ પ્રેમીનું હોય કે પિત્ઝાનું, સોફ્ટ ડ્રિંક્સનું હોય કે સિગારેટનું, સેક્સનું હોય કે સોશિયલ મીડિયાનું. કોઈ પણ વ્યસન કે વળગણ માટે જવાબદાર રસાયણ ડોપામાઈન હોય છે કારણ કે એ બ્રેઈનની ‘રિવોર્ડ સિસ્ટમ’ને સક્રિય કરે છે. તે એક એવો ક્ષણિક ઉન્માદ ઊભો કરે છે, જે ચાલ્યા ગયા પછી આપણું મન કહ્યા કરે છે, ‘યે દિલ માંગે મોર.’ અને પછી કાયમ માટે અતૃપ્ત રહેનારી એ ઝંખનાના આવેશમાં આપણે એ વ્યક્તિ, ખોરાક કે પ્રવૃત્તિ પાછળ દોડ્યાં કરીએ છીએ. તો જંક ફૂડની તાલાવેલી અટકાવવા માટે શું કરવું જોઈએ? ટેમ્પરરી ઉન્માદ અને ઉત્તેજના જગાવનાર ડોપામાઈનને પરાસ્ત કરી શકે, એવા હોર્મોન્સ પણ આપણી જ અંદર રહેલા છે. બસ, એનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે. જંક ફૂડથી દૂર રહેવા માટે આપણો સૌથી પહેલો ટાર્ગેટ ‘ઘ્રેલિન’ છે, જેને ‘હંગર હોર્મોન’ કહેવાય છે. ઘ્રેલિન આપણાં જઠરમાંથી સ્ત્રાવ પામે છે, જે બ્રેઈનને સિગ્નલ આપે છે કે આપણને ભૂખ લાગી છે. ઈમોશનલ સ્ટ્રેસ, ઉદાસી કે અન્ય કોઈ ચિંતાની પરિસ્થિતિમાં આ ‘ઘ્રેલિન’નું પ્રમાણ આપોઆપ વધવા લાગે છે, અને આપણે ‘Binge eating’ શરૂ કરી દઈએ છીએ. આ ઘ્રેલિનનો વિરોધી અને આપણો મિત્ર હોર્મોન એટલે ‘લેપ્ટિન’, જે મગજને તૃપ્ત થયાનો સંદેશો મોકલે છે અને આપણને ઓવર-ઇટિંગ કરતા રોકે છે. લોહીમાં લેપ્ટિનની માત્રા જેમ વધારે, એમ તૃપ્તિ વધારે અને ભૂખ ઓછી. ઘ્રેલિનનું પ્રમાણ ઘટાડવા અને લેપ્ટિનની માત્રા વધારવા માટે આપણાં દરેક ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ મહત્તમ હોવું જોઈએ, ખાસ કરીને બ્રેકફાસ્ટમાં. કાર્બ્સ અને ફેટની સામે લડત આપવામાં સૌથી મોટું હથિયાર પ્રોટીન છે. પ્રોટીન જેટલું વધારે લઈશું, કાર્બ્સ અને ફેટ ખાવાની ઝંખના એટલી જ ઓછી થશે. માસ-મચ્છી કે ઈંડાં ન ખાનારાં લોકો માટે ડેરી પ્રોડક્ટ્સ જેવી કે દહીં, પનીર, ટોફૂ અથવા સોયાબીન કે કઠોળ આ કામ કરી આપશે. પ્રોટીનની સાથે બ્રેકફાસ્ટમાં લીધેલું કોઈ પણ એક ફળ, જંક ફૂડ સામેની જંગમાં ક્યારેય નિષ્ફળ નથી જતું. એ ઉપરાંત જંક ફૂડનું ક્રેવિંંગ અટકાવવા માટે ‘સિરોટોનિન’ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ સુખ અને શાંતિ આપનારો હોર્મોન છે. નિયમિત કસરત, સૂર્યપ્રકાશ, સ્વજનો સાથેનો સમય અને આઉટડોર પ્રવૃત્તિઓ સિરોટોનિનનું પ્રમાણ વધારે છે અને ડોપામાઈનથી મળતા તત્કાલ આનંદની ઝંખના ઘટાડે છે. આપણી મનોસ્થિતિ આપણો ખોરાક નક્કી કરે છે. જીવનથી તૃપ્ત અને મનથી મસ્ત રહેનારાં લોકો ‘ડોપામાઈનની દોડ’માંથી ખસી શકે છે, પણ હાર્ટ-બ્રેક, સ્ટ્રેસ, ડિપ્રેશન કે અન્ય કોઈ રીતે ઈમોશનલી અતૃપ્ત રહેલાં લોકો, જંક ફૂડ આરોગીને તૃપ્તિની શોધ માટેના વ્યર્થ પ્રયત્નો કરતા રહે છે.⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...