તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લેક એન્ડ વ્હાઈટ:ફિલ્મસ્ટાર્સના પત્રકારો સાથે કેવા સંબંધ હોય?

એક મહિનો પહેલાલેખક: આશુ પટેલની કલમે
 • કૉપી લિંક
 • જાણીતા અંગ્રેજી પત્રકાર રોશમીલા ભટ્ટાચાર્યના નવા પુસ્તક ‘મેટિનીમૅન’માં આ સવાલના જવાબ સાથે રસપ્રદ કિસ્સાઓ જાણવા મળે છે

જાણીતા અંગ્રેજી પત્રકાર રોશમીલા ભટ્ટાચાર્યનું ‘મેટિનીમેન’ પુસ્તક થોડા સમય અગાઉ પ્રકાશિત થયું. આ પુસ્તકમાં રોશમીલાએ બોલિવૂડના જૂની અને નવી પેઢીના 13 હીરો વિશે અજાણી, અવનવી અને રસપ્રદ વાતો આલેખી છે. રોશમીલાએ આ પુસ્તકમાં જેમના વિશે લખ્યું છે એ હીરોઝમાં અશોકકુમાર, દેવ આનંદ, દિલીપકુમાર, ધર્મેન્દ્ર, શમ્મી કપૂર, અમિતાભ બચ્ચન, મિથુન ચક્રવર્તી, ફારૂક શેખ, જ્હોન અબ્રાહમ, આમિર ખાન, શાહરુખ ખાન, સલમાન ખાન અને ઈરફાન ખાનનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં રોશમીલા એ હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોચના હીરોઝ સાથેના પોતાનાં અંગત અનુભવોની વાતો પણ કરી છે.

રોશમીલાએ આમિર ખાન સાથેના ઘણા બધા અનુભવો આ પુસ્તકમાં શેર કર્યા છે. એક તબક્કે આમિરે મીડિયાનો બોયકોટ કર્યો હતો. ખાસ કરીને અંગ્રેજી મેગેઝિન્સનો. રોશમીલા એ વખતે જે અંગ્રેજી મેગેઝિન માટે ફરજ બજાવતાં હતાં એનો પણ એમાં સમાવેશ થતો હતો. એ સમય દરમિયાન અંગ્રેજી મીડિયા સાથે આમિરના સંબંધો સારા નહોતા, પરંતુ એક વખત રોશમીલા આમિરની એક ફિલ્મના શૂટિંગ વખતે આમિરની કો-સ્ટાર (હીરોઈન)નો ઇન્ટરવ્યૂ કરવા માટે એક ફિલ્મના સેટ પર ગયાં હતાં. તેઓ તે હીરોઈનની વેનિટી વેનની બહાર ઇન્ટરવ્યૂ માટે રાહ જોઈ રહ્યાં હતાં. એ વખતે આમિરે રોશમીલાને જોયાં અને તરત જ પોતાના ખાસ સહાયકને દોડાવીને રોશમીલા માટે ખુરશીની અને ચા-પાણીની વ્યવસ્થા કરાવી. આમિર સાથેનો અન્ય એક રસપ્રદ કિસ્સો રોશમીલાએ લખ્યો છે. એક સાંજે રોશમીલા પર એક કોલ આવ્યો. કોલ કરનારે કહ્યું કે, ‘હું આમિર ખાન બોલું છું. કાલે મારી પ્રેસ કોન્ફરન્સ છે એમાં તમે આવજો.’ રોશમીલાએ કર્ટલી કહી દીધું કે ‘અમારું ન્યૂઝપેપર પ્રેસ કોન્ફરન્સિસ કવર નથી કરતું.’ કોલ કરનારે કહ્યું, ‘પરંતુ આ પ્રેસ કોન્ફરન્સ અલગ હશે.’

રોશમીલાને લાગ્યું કોઈ આમિરના અવાજમાં તેની સાથે મજાક કરી રહ્યું છે. એ કોલ ડિસ્કનેક્ટ કરીને રોશમીલાએ આમિરની પબ્લિસિસ્ટને કોલ કર્યો અને ચેતવી કે ‘કોઈ માણસ આમિરના નામે પત્રકારોને ફોન કરીને જે પ્રેસ કોન્ફરન્સ યોજાવાની નથી તેના માટે આમંત્રણ આપી રહ્યો છે.’ આમિરની પબ્લિસિસ્ટ હસી પડી. તેણે કહ્યું કે ‘એ કોલ આમિરે જ કર્યો હતો. તેણે મારી પાસેથી તમારો નંબર લીધો હતો અને તેમણે કહ્યું હતું કે, હું જાતે જ રોશમીલાને આમંત્રણ આપીશ!’ બીજે દિવસે રોશમીલા આમિરના આમંત્રણને માન આપીને પ્રેસ કોન્ફરન્સમાં ગયા પરંતુ એ દિવસે આમિર ખાન પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા જ નહીં. તેઓ ‘થ્રી ઇડિયટ્સ’ના પ્રમોશન માટે દેશના જુદાજુદા વિસ્તારોની ટૂર માટે નીકળી ગયા હતા. રોશમીલા અકળાઈ ગયાં. જોકે, એ પછી આમિરે એમને ફોન પર એક કલાક લાંબો ઇન્ટરવ્યૂ આપ્યો. આવી તો ઘણી વાતો રોશમીલાએ તેમના પુસ્તકમાં આલેખી છે. એક વખત રાતના સમયે રોશમીલા શાહરુખ ખાનનો ઇન્ટરવ્યૂ કરવા માટે ગયાં હતાં. એ ઇન્ટરવ્યૂ પૂરો થયો ત્યારે મોડી રાત થઈ ગઈ હતી અને છેલ્લી લોકલ ટ્રેન જતી રહી હતી. રોશમીલા એ વખતે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતાં હતાં. શાહરુખને યાદ આવ્યું કે રોશમીલાને ઘરે જવામાં પ્રોબ્લેમ થશે એટલે તેમણે પોતાની કાર રોશમીલાને તેમનાં ઘરે પહોંચાડવા માટે મોકલી આપી અને તેઓ પોતે બીજા કોઈની કારમાં લિફ્ટ લઈને પોતાના ઘરે પહોચ્યા હતા. શાહરુખ વિશે બીજી પણ ઘણી વાતો રોશમીલાએ ‘મેટિની મેન’માં કરી છે. શાહરુખની માતાને અભિનેતા દિલીપકુમાર ખૂબ ગમતા હતા. શાહરુખની માતા શાહરુખને કહેતી કે ‘તું દિલીપકુમાર જેવો લાગે છે.’ પરંતુ શાહરુખની ‘દેવદાસ’ ફિલ્મ જોયા પછી દિલીપકુમારના પત્ની અને એક સમયના વિખ્યાત અભિનેત્રી સાયરા બાનુએ શાહરૂખને કહ્યું હતું કે ‘દેવદાસ’ ફિલ્મમાં તારો અભિનય જોઈને મને દિલીપકુમારનો અભિનય યાદ આવી ગયો. અમારો દીકરો હોત તો તારા જેવો જ દેખાતો હોત!’

રોશમીલાએ દિલીપકુમાર વિશે ઘણી રસપ્રદ વાતો પણ આ બુકમાં ટાંકી છે. ‘દેવદાસ’ ફિલ્મમાં દિલીપકુમારે શરાબી વ્યક્તિનો રોલ કર્યો હતો અને તેમને એ ફિલ્મમાં અદ્્ભુત અભિનય માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો, પરંતુ બિમલરોયના મેનેજર અમિત શાહે કહ્યું હતું કે ‘દિલીપકુમારે એ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન ક્યારેય શરાબનું ટીપું પણ પોતાનાં મોમાં નાખ્યું હોય એવું મેં જોયું નથી!’ રોશમીલાએ મિથુન ચક્રવર્તીનો એક કિસ્સો ટાંકયો છે. મિથુન ચક્રવર્તીએ અભિનય માટે કેટલાય નેશનલ એવોર્ડ મેળવ્યા છે. પરંતુ ‘ધ તાસ્કંદ ફાઈલ’ ફિલ્મનાં શૂટિંગ વખતે એક સિનનું શૂટિંગ ત્રણ દિવસ સુધી ચાલ્યું એ પછી મિથુન ચક્રવર્તી જેવા પાવરફુલ અભિનેતાએ ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને પૂછ્યું હતું કે ‘હું તમારી ટેસ્ટમાં પાસ થયો કે?’ જ્હોન અબ્રાહમ વિશે પણ ઘણી વાતો આ પુસ્તકમાં છે. જ્હોન અબ્રાહમે એક્શન હીરો તરીકે નામના મેળવી છે, પરંતુ તે ઇકોનોમિક્સ ગ્રેજ્યુએટ છે અને માસ્ટર્સ ઇન મેનેજમેન્ટ છે. તેને ફ્રાન્ઝ કાફકા સહિતના લેખકોને વાંચવાનો ખૂબ શોખ છે.

આ પુસ્તકમાં એવી ઘણી વાતો છે જેમાં ફિલ્મના શોખીનોને રસ પડે. જેમ કે અશોકકુમાર બહુ જ સારું પેઇન્ટિંગ કરતા હતા અને એક વખત વિખ્યાત ચિત્રકાર એમ.એફ. હુસેન તેમના ઘરે ગયા ત્યારે તેમણે અશોકકુમારના દોરેલાં ઘોડાના ચિત્રને જોઈને કહ્યું હતું કે, આ કોઈ એમેચ્યોર આર્ટિસ્ટે દોરેલાં પેઇન્ટિંગ્સ નથી જણાતાં. તો દેવ આનંદ વિશેના પીસમાં રોશમીલાએ એક મજેદાર કિસ્સો ટાંકયો છે. ઉદયપુરમાં ‘ગાઈડ’ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું એ વખતે એક અમેરિકન ટૂરિસ્ટ રૂપે દેવ આનંદને સાચા ‘ગાઈડ’ માની લીધા હતા અને દેવ આનંદે પણ તેમનો ભ્રમ જાળવી રાખ્યો હતો. તેમણે એ અમેરિકન ટૂરિસ્ટ ગ્રૂપને ગાઈડેડ ટૂર કરાવી હતી! આવી તો બીજી ઘણી બધી રસપ્રદ વાતો આ પુસ્તકમાં લખાઈ છે.

રોશમીલા એ ‘મેટિનીમેન’માં બોલિવૂડના હીરોઝ વિશે રસપ્રદ વાતો કરી છે, પરંતુ તેમના જીવનની રસપ્રદ વાત તેમણે ‘દિવ્ય ભાસ્કર’ના વાચકો માટે મારી સાથે શેર કરી. રોશમીલાની માતા એવું ઇચ્છતી હતી કે રોશમીલા રેડિયો પ્રોડ્યૂસર અથવા તો ફિલ્મ ડિરેકટર બને. જ્યારે રોશમીલાના પિતા એવું ઇચ્છતા હતા કે રોશમીલા માટે એડ્વર્ટાઈઝિંગ અથવા તો પબ્લિક રિલેશનનું ક્ષેત્ર ખૂબ સારું રહેશે, પરંતુ રોશમીલાએ પત્રકારત્વમાં પ્રવેશ કરીને તેમને ચોંકાવી દીધાં હતાં. રોશમીલા ફિલ્મ ડિરેકટર તો ન બન્યા, પરંતુ તેમણે એન્ટરટેઈનમેન્ટ જર્નલિઝમમાં ખૂબ નામના મેળવી અને ઘણાં બધાં સ્ટાર્સ સાથે તેમનો ઘરોબો કેળવાયો. તેમને ખૂબ અનુભવો પણ થયા. એ બધાનું પરિણામ ‘મેટિનીમેન’ પુસ્તકમાં જોવા મળે છે. ‘ફિલ્મસ્ટાર્સના પત્રકારો સાથે કેવા સંબંધ હોય?’ એ સવાલનો જવાબ પણ ‘મેટિનીમેન’માં જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો