ક્રાંતિકારી એટલે પરિવર્તન લાવનારું. આધુનિક યુગમાં એવું જ લાગે કે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ આવ્યાં ત્યારથી માણસનું જીવન બદલાઈ ગયું, કારણ કે વ્યક્તિ ગમે તે સ્થળેથી અન્ય કોઈપણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે વાતચીત કરી શકે. આંગળીનાં ટેરવાં થોડાં હલાવો એટલે દેશ, દુનિયા કે બ્રહ્માંડની અંદરથી જે ઉપલબ્ધ માહિતી જોઈતી હોય તે નજર સામે આવી જાય. એથી આગળ વિચારીએ તો એવું લાગે કે, ટેલિવિઝન, ટેલિફોન કે સેટેલાઈટ વગેરેથી માણસનું જીવન જેટલું બદલાયું એટલું અન્ય કોઈ વસ્તુથી નથી બદલાયું. આ તમામ ઉપકરણોએ માનવજાતને અકલ્પનીય સુવિધા પૂરી પાડી છે, એમાં કોઈ શક નથી, પણ ક્રાંતિકારી શોધ એને કહેવાય જેણે જીવનનો તરીકો સાંગોપાંગ બદલી નાખ્યો હોય અથવા જીવનને નિશ્ચિત જોખમમાંથી બચાવી લીધું હોય. તેથી જો ઇન્ટરનેટ પર શોધીએ કે, ‘માનવ ઈતિહાસમાં સૌથી ક્રાંતિકારી (revolutionary) કે મહત્ત્વની વૈજ્ઞાનિક શોધ કઈ?’ તો એકપણ વેબસાઈટ પર આગળના ક્રમે ઇન્ટરનેટ, સ્માર્ટફોન કે ટેલિવિઝન તો નહીં જ જોવા મળે. તો શું જોવા મળશે? પ્રિન્ટિંગ પ્રેસ અને પૈડું. હા, આ બન્ને શોધથી માણસે એવી હરણફાળ ભરી કે ન પૂછો વાત. 15મી સદીમાં ગુટનબર્ગ (Gutenberg) નામક સંશોધકે કાગળ પર શાહીની છાપ ઉપસાવવાની એવી પદ્ધતિ વિકસાવી કે જેના લીધે ખૂબ ઝડપથી એક જ પુસ્તકની અનેક નકલો છાપી શકાય. માનવ ઈતિહાસમાં આટલી ત્વરિત અને આટલા બહોળા પ્રમાણમાં જ્ઞાનની વહેંચણી અગાઉ ક્યારેય શક્ય નહોતી. સાવ સસ્તી કિંમતે દુનિયાનાં દરેક વ્યક્તિના હાથમાં જ્ઞાન પીરસતો કાગળનો ટુકડો હોય, એ કેટલી મોટી શોધ કહેવાય એનો અંદાજો આપણે કદાચ ન લગાવી શકીએ, પણ પ્રિન્ટિંગ પ્રેસની મદદ વગર ખુદ વિજ્ઞાન પણ આટલું ન પ્રસરી શક્યું હોત. ઈસવીસન પૂર્વે 3500ની આસપાસ ચક્ર (પૈડું) શોધાયું તે પહેલાં માનવી પગપાળા ચાલીને આમથી તેમ રખડતો. ચીજવસ્તુઓની હેરફેર પણ શક્ય નહોતી. જાતે ઊંચકીને તમે કેટલો સામાન લઈ જઈ શકો અને કેટલે દૂર સુધી જવાય? પણ પૈડું શોધાયું અને માનવની દુનિયા વિસ્તાર પામી ગઈ. વેપાર-વાણિજ્ય અને ખેતીવાડી માટે નવાં દ્વાર ખૂલી ગયાં. અત્યારે આપણે પૃથ્વીના કોઈપણ ખૂણે પહોંચી શકીએ છીએ. ચક્ર વગર ફક્ત વાહનવ્યવહાર જ નહીં, ઘડિયાળ, ઘંટી, પંખો જેવાં સાદાં યંત્રો પણ બની શક્યાં ન હોત. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે 1920માં સૌથી પહેલી એન્ટિબાયોટિક દવા પેનિસિલિનની શોધ કરી. એન્ટિબાયોટિકના આવિષ્કાર સાથે ચેપી રોગોથી થતાં મૃત્યુના દરમાં જબરદસ્ત ઘટાડો આવ્યો. મેડિકલ ક્ષેત્રે બીજી એક એનેસ્થેસિયાની શોધ પણ ઇન્ટરનેટ કરતાં ઘણા વધુ માર્ક્સ લઈ જાય. તેના કારણે કેટલાંય જટિલ ઓપરેશનો શક્ય બન્યાં અને અગણિત લોકોના જીવ બચાવી શકાય છે. ગર્ભનિરોધક સાધનોની શોધ પણ ઇન્ટરનેટની લગોલગ મૂકી શકાય. લોકો ફેમિલી પ્લાનિંગ કરતા શીખ્યાં, જેના કારણે જીવનધોરણ ઊંચું આવ્યું. આ ઉપરાંત હોકાયંત્રની શોધ પછી દુનિયાના પ્રત્યેક ખૂણા સુધી પ્રવાસ કરી શકાયો. આંતરિક દહન યંત્રની શોધથી ચારેકોર કાર, સ્કૂટર અને વિમાનો ફરતાં થઈ ગયાં. ખીલી-સ્ક્રૂ, કોંક્રીટ, બેટરી, લાઈટનો બલ્બ વગેરે પણ માનવજાત માટે ખૂબ અગત્યની શોધ કહી શકાય. પરમાણુ ઊર્જા પણ આવનારા સમયમાં ક્રાંતિ લાવી શકે છે. કદાચ આ બધાંથી ઉપર અગ્નિની શોધને મૂકી શકાય. રાંધીને ખાતાં શીખ્યાં ન હોત તો આપણી સંસ્કૃતિ આજે સાવ અલગ હોત.{ nimitasheth21@gmail.com
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.