તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીવાન-એ-ખાસ:બહુ ગાજેલો ‘આકર્ષણનો સિદ્ધાંત’ તૂત છે?

વિક્રમ વકીલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક મનોવૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે જો 24 કલાક તમે હકારાત્મક રીતે વિચારવા જ તમારાં મગજ ઉપર દબાણ રાખશો તો એની અવળી અસર પણ થઈ શકે છે. જિંદગીની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જરૂરી છે

થોડાં વર્ષો પહેલા ‘ધ સિક્રેટ’ નામની એક ફિલ્મ બની હતી. તમે જેવું વિચારો છો એવું જ પામો છો. અને આકર્ષણના સિદ્ધાંત (ધ લો ઓફ એટ્રેક્શન)ની વિચારધારાનો પ્રચાર કરતી આ ફિલ્મમાં સેંકડો ઉદાહરણો આપીને એ સિદ્ધાંતની સત્યતા પુરવાર કરવાનો પ્રયાસ થયો હતો. ત્યાર પછી તો આ ફિલ્મના આધારે ઘણાં પુસ્તકો પણ લખાયાં, જેનું ભાષાંતર વિશ્વની અનેક ભાષાઓમાં થયું. આ પુસ્તક અને ફિલ્મે ઘણી ચકચાર જગાવી હતી. રોન્ડા બાયર્ન નામની લેખિકાએ લખેલાં આ પુસ્તકની મુખ્ય થીમ એ હતી કે આકર્ષણના સિદ્ધાંતનો અમલ કરીને કોઈ પણ વ્યક્તિ તમામ મહેચ્છા પૂરી કરી શકે છે. મતલબ કે તમારે જે વસ્તુ કે પરિસ્થિતિ જોઇતી હોય એ વિશે મનમાં કલ્પના કરી લેવી કે એ વસ્તુ તમારી પાસે આવી ગઈ છે. તમને ગમતી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ધારો કે તમારે કોઈ મોંઘી કાર મેળવવાની ઇચ્છા હોય તો એ કાર તમારી પાસે છે, અને એ કારમાંથી તમે ઊતરી રહ્યા છો અથવા તો એ કારમાં મુસાફરી કરી રહ્યા છો એવી કલ્પના સતત કર્યા કરવી. એ જ રીતે તમારે કોઈ ધંધો કરવો હોય તો એ ધંધો પુરબહારમાં ચાલી રહ્યો છે, એવી કલ્પના સતત કરો તો એક દિવસ કુદરત તમને તમારી ધારેલી સફળતા આપશે જ. લેખિકાનું કહેવું છે કે તમારા વિચારોનાં તરંગો બહાર ફેંકાશે અને એ એન્ટેના પર રિફ્લેક્ટ થઈને કુદરત જ તેનો અમલ કરવાનું શરૂ કરી દેશે. ઉપરના સિદ્ધાંતનો અમલ કર્યા પછી ઘણી વ્યક્તિઓએ પોતાને ગમતાં પતિ-પત્ની મેળવ્યાં, ગમતી ભૌતિક ચીજવસ્તુઓ મેળવી, ગંભીર માંદગીમાંથી સ્વજનોને સારાં કર્યંા, સામાજિક પ્રતિષ્ઠા મેળવી... જેવા અઢળક કિસ્સાઓનો નામ સાથે આ ફિલ્મ અને પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો પોઝિટિવ થિંકિંગ એટલે કે હકારાત્મક વિચારો અને આપણાં સુષુપ્ત મગજની શક્તિઓ વિશે ઘણાં પુસ્તકો લખાયાં છે. આકર્ષણનો સિદ્ધાંત એનાથી એક કદમ આગળ ચાલે છે. પ્રેરણાત્મક વક્તવ્ય આપતાં કે લખતાં કેટલાંક મોટિવેશનલ સ્પીકરોએ આપણા દેશમાં પણ ‘ધ સિક્રેટ’નો પ્રચાર કર્યો છે. અહીં જ વાતમાં વળાંક આવે છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને યુરોપના કેટલાક દેશોમાં ‘ધ લો ઓફ એટ્રેક્શન’ની થિયરી વિશે શંકા જાહેર કરીને ધીમે-ધીમે એની આલોચના શરૂ થઈ છે. આ આલોચકોનું કહેવું છે કે આ એક હંબગ સિદ્ધાંત છે. કેટલીય વ્યક્તિઓએ આ રીતે પોતાનું મનગમતું કરવા માટે પુસ્તકના કહ્યા પ્રમાણે કર્યું. જેમ કે, પુસ્તકમાં કહેવાયું છે કે તમને દરિયા કિનારે મકાન લેવાની ઇચ્છા હોય તો એનું સુંદર ચિત્ર તમારી નજર સમક્ષ જ રહે એ રીતે રાખો, તો એક દિવસ તમે એવા મકાનમાં જરૂરથી રહી શકશો. મહિનાઓ કે વર્ષો સુધી આવું કર્યા પછી પણ જેમની સાથે પોતાનું મનગમતું થયું નથી એવી વ્યક્તિઓએ ખૂલીને સોશિયલ મીડિયા પર આ સિદ્ધાંતની ઝાટકણી કાઢી છે. પુસ્તકમાં કહેવાયુ છે કે દિવસમાં વારંવાર આભારની લાગણી વ્યક્ત કરતા રહો. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે શત્રુભાવ રાખવો નહીં. કોઈ પણ કારણ વગર મિત્રોને ગિફ્ટ આપો. કોઈને જમવા લઈ જાવ. તમારી સાથે કંઈ નેગેટિવ થયું હોય તો પણ હંમેશાં સારા મૂડમાં જ રહો. નકારાત્મક વિચારોને તમારાં મનમાં આવવા જ નહીં દો. આવી ડાહી-ડાહી વાતોનો અમલ કરવાથી આજના યુગમાં તમે આસાનીથી સફળ થઈ શકશો એ માનવું જ મુર્ખામી છે. હકારાત્મક વિચાર અને શેખચલ્લીના ખ્યાલો વચ્ચે આસમાન જમીનનો ફરક છે. કેટલાક મનોવૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે જો 24 કલાક તમે હકારાત્મક રીતે વિચારવા જ તમારાં મગજ પર દબાણ રાખશો તો એની અવળી અસર પણ થઈ શકે છે. જિંદગીની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જરૂરી છે. જ્યારે ધંધામાં નુકસાન જાય, નજીકની વ્યક્તિનું મૃત્યુ થાય, કે સંબંધોનો વિચ્છેદ થાય ત્યારે એમાંથી હકારાત્મકતા જ શોધવી માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. ⬛ vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...