તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયન્સ અફેર્સ:વધુમાં વધુ કેટલું ઊંચું બિલ્ડિંગ બંધાય?

નિમિતા શેઠએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૈદ્ધાંતિક રીતે, 1 લાખ કિ.મી. ઊંચું બિલ્ડિંગ બાંધી શકાય

દુબઈ સ્થિત ‘બુર્જ ખલીફા’ અત્યાર સુધી દુનિયાનું સૌથી ઊંચું બાંધકામ છે. 830 મીટર ઊંચા આ બિલ્ડિંગના ભોંયતળિયેથી સૂર્યાસ્તનું દૃશ્ય જોયા બાદ ફટાફટ લિફ્ટ પકડીને બિલ્ડિંગની ટોચ પર પહોંચો તો ફરીથી સૂર્યાસ્ત જોવા મળે. આ તફાવત એટલો મોટો છે કે, બુર્જ ખલીફાના 80મા માળથી ઉપર રહેતાં લોકો માટે રમજાન મહિનામાં લગભગ ત્રણ મિનિટ મોડો ઉપવાસ ખોલવાનો નિયમ છે. આપણું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ દુનિયાનું સૌથી ઊંચું પૂતળું છે, જેની ઊંચાઈ ફક્ત 182 મીટર છે. માનવજાતિને સદીઓથી ઊંચા બાંધકામની હરીફાઈ કરવાનો શોખ છે. આ બાંધકામને પૂતળાં, સ્થાપત્યો, ટાવર, બિલ્ડિંગ જેવી અલગ-અલગ શ્રેણીમાં મૂકવામાં આવે છે. બાંધકામની ઓછામાં ઓછી 50% જેટલી ઊંચાઈ માણસોને રહેવા-બેસવા વાપરી શકાય તેમ હોય તો જ તેને બિલ્ડિંગ કહેવાય, નહીં તો એ ટાવર કહેવાય. સાઉદી અરબમાં બની રહેલો 1 કિલોમીટર ઊંચો જેદ્દા ટાવર બુર્જ ખલીફાનો રેકોર્ડ તોડશે. નિષ્ણાત ઈજનેરોને વિશ્વાસ છે કે, બાંધકામનાં મટીરિયલની પ્રાપ્યતા, માનવ મજૂરી, લિફ્ટની ટેક્નોલોજી અને આર્થિક ખર્ચ જેવાં અગત્યનાં પરિબળોની કોઈ મર્યાદા ન હોય તો 2-4 કિલોમીટર ઊંચું બિલ્ડિંગ બનાવવું શક્ય છે. જેટલું ઊંચું બિલ્ડિંગ બનાવવું હોય, નીચે એ પ્રમાણમાં પહોળો અને ઊંડો પાયો (base/foundation) ખોદવો પડે. બિલ્ડિંગનું બધું વજન ખમી શકે તેવો મજબૂત પાયો અનિવાર્ય છે. પવનથી લાગતો માર અને ભૂકંપને પણ ગણતરીમાં લેવા પડે. જેમ કે, બુર્જ ખલીફાના પાયામાં 1,10,000 ટન કોંક્રીટ અને સ્ટીલ વપરાયાં છે. 4 કિલોમીટર ઊંચું બિલ્ડિંગ બનાવવું હોય તો નીચે 6 કિલોમીટર પહોળો પાયો ખોદવો પડે. પછી ઉપરના માળ તરફ જાઓ તેમ બાંધકામ સાંકડું થતું જાય. પર્વત નીચેથી પહોળા હોય અને ઉપર જતાં તેની ટોચ સાંકડી બને, જેના કારણે તે અડીખમ ઊભા હોય છે. એ જ નિયમ બાંધકામને લાગુ પડે. હકીકતમાં, પર્વતો નક્કર અને વજનદાર હોય છે, તેના પ્રમાણમાં બિલ્ડિંગમાં દીવાલો સિવાય મોટાભાગની જગ્યા પોલી હોય છે. તેથી પર્વતની તળેટી જેટલા પહોળા પાયાની જરૂર નથી. વિશ્વના શ્રેષ્ઠ ઈજનેરોના મતે, જો એટલો મજબૂત પાયો ખોદવાની જગ્યા મળતી હોય તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ (એટલે કે 9 કિ.મી.) જેટલું બિલ્ડિંગ બાંધવું શક્ય છે. પણ રસપ્રદ પ્રશ્ન એ છે કે, વધુમાં વધુ કેટલે ઊંચે સુધી બાંધી શકાય? સૈદ્ધાંતિક રીતે, 1 લાખ કિ.મી. ઊંચું બિલ્ડિંગ બાંધી શકાય, કારણ કે, 35 હજાર કિ.મી.ની ઊંચાઈ સુધી જ બિલ્ડિંગનાં વજનની ચિંતા રહેશે. એનાથી વધુ ઊંચાઈ પર પૃથ્વીનાં ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં, મતલબ કે અવકાશ તરફ, એક નવું કેન્દ્રત્યાગી બળ લાગવાની શરૂઆત થશે. આ બળ બિલ્ડિંગને વધુ સ્થિરતા આપશે. ભવિષ્યમાં આવું બાંધકામ થશે તો તે ‘અવકાશી લિફ્ટ’ (space elevator) તરીકે ઓળખાશે. જમીનથી અવકાશ સુધી લઈ જતી આવી લિફ્ટ બાંધવામાં ઢગલાબંધ સમસ્યાઓ છે. 1 લાખ કિ.મી. લાંબો, મજબૂત કેબલ ક્યાંથી લાવવાનો? પૃથ્વીની આસપાસ ભ્રમણ કરી રહેલા અવકાશી કચરાથી લિફ્ટને કેવી રીતે બચાવવાની? જોકે, આ લિફ્ટ બને તો અવકાશની યાત્રા અને સેટેલાઈટ છોડવા જેવાં કામ સહેલાં થઈ જાય. ચારેક લાખ કિ.મી. ઊંચી લિફ્ટ બને તો ચંદ્ર સુધીનો હાઇ-વે તૈયાર થઈ ગયો કહેવાય. ⬛ nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...